Rajkot News: રાજકોટ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરની બાલાજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબોની ગંભીર બેદરકારીના કારણે ડિમ્પલબેન પોબારૂ નામની મહિલાનું મોત નીપજ્યાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે. આ મામલે મૃતકના સ્વજનોએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપીને જવાબદાર ડોક્ટરો સામે કડક કાનૂની પગલાં ભરવાની માંગ કરી છે.
રાજકોટમાં ખાનગી હોસ્પિટલની ગંભીર બેદરકારીથી મહિલાનું મોત
મૃતક મહિલાના પરિવારજનોના જણાવ્યા અનુસાર, ડિમ્પલબેનને ગર્ભાશયની કોથળીની તકલીફ હોવાથી તેમને રાજકોટની બાલાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના સંચાલક અને તબીબ ડો. કવિતા લાધાણી દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરિવારજનોનો ગંભીર આક્ષેપ છે કે ઓપરેશનમાં સ્પેશિયાલિસ્ટ સર્જનને સાથે રાખવા માટે હોસ્પિટલ દ્વારા અગાઉથી જ અલગથી નાણાં વસૂલવામાં આવ્યા હતા. પરંતુ વાસ્તવિકતામાં કોઈ પણ સર્જનને રૂબરૂ બોલાવવામાં આવ્યા ન હતા અને ફોન પર જ વાતચીત કરીને ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
ડોક્ટરના બદલે નર્સે સારવાર કરી હોવાનો દાવો
માત્ર એટલું જ નહીં, ઓપરેશન સફળ થયા બાદ દર્દીની તબિયત લથડવા લાગી છતાં ડોક્ટરને બદલે માત્ર નર્સો દ્વારા જ સારવાર આપવામાં આવતી હોવાનો દાવો પણ પરિવારે કર્યો છે. દર્દીની હાલત અત્યંત નાજુક અને ગંભીર બનતા તેમને તાત્કાલિક અન્ય ખાનગી હોસ્પિટલ (ઓલમ્પસ હોસ્પિટલ) ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં માત્ર 12 કલાકની સારવાર દરમિયાન જ તેમનું દુઃખદ અવસાન થયું હતું.
તબીબ ડો. કવિતા લાધાણીએ આક્ષેપોને નકાર્યા
આ સમગ્ર મામલે વિવાદ વધતા બાલાજી હોસ્પિટલના તબીબ ડો. કવિતા લાધાણી મીડિયા સમક્ષ આવ્યા હતા અને પોતાના પર લાગેલા તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, દર્દી 27 તારીખના રોજ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને 28 તારીખના રોજ સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું. 29 તારીખના રોજ અચાનક દર્દીના નાડીના ધબકારા અને છાતીમાં લોહીના પ્રવાહના ધબકારા વધવા લાગ્યા હતા.પરિસ્થિતિ ગંભીર જણાતા અમે તરત જ સગાઓને અન્ય નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવા માટે જણાવી દીધું હતું.ફોન દ્વારા ઓપરેશન કરવાના આક્ષેપો તદ્દન ખોટા છે. ઓપરેશન અગાઉ દર્દી અને તેમના પરિવારને તમામ બાબતોની જાણ કરવામાં આવી હતી.દર્દીના મૃત્યુથી અમને પણ ભારે દુઃખ છે, પરંતુ ઓલમ્પસ હોસ્પિટલનું બિલ અમે ભર્યું નથી અને તેનું બિલ હજી પણ બાકી છે.
આ પણ વાંચો: Manjalpur By-Election Result: માંજલપુર પેટાચૂંટણીમાં ભગવો લહેરાયો, ભાજપના ઉમેદવાર સતિષ પટેલની શાનદાર જીત