Rajkot : ગોંડલનાં વેરી તળાવમાં અજાણી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, જાણો હત્યા પાછળની હકીકત!
- વેરી તળાવમાં સપ્તાહ પહેલા મળેલી અજાણી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો
- અવૈદ સંબંધમાં મહિલાની હત્યા કરાઈ, પ્રેમીનાં સગીર પુત્રે હત્યા કરી હોવાનું કબૂલ્યું
- વેરીતળાવ પાસે લઈ જઈ મહિલાને પાટું મારી તળાવમાં ધકેલી આરોપી ફરાર થયો હતો
Rajkot : ગોંડલનાં વેરી તળાવમાં અઠવાડિયા પહેલા મળી આવેલી અજાણી મહિલાની લાશની ઘટનાનો ભેદ ગણતરીનાં દિવસોમાં રુરલ LCB પોલીસે ઉકેલી કાઢ્યો છે. આ કેસમાં એક સગીરની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી છે. પિતા સાથે મૃતક મહિલાને અવૈધ સબંધ હોવાથી સગીર પુત્રને ગમતુ ન હોવાથી મૃતક મહિલાને વેરી તળાવે લઈ જઈ પાટુ મારી તળાવમાં ધકેલી દઇ મોત નીપજાવ્યાની વિગતો બહાર આવી હતી.
આ પણ વાંચો - Gondal : વેરી તળાવમાંથી અજાણી યુવતીનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર!
પ્રાપ્ત વિગત મુજબ, અઠવાડિયા પહેલા વેરી તળાવમાં પાઇપલાઇનનાં વાલ્વમાં માથુ ફસાયેલી અને કોહવાયેલી હાલતમાં મહિલાની લાશ મળી આવતા બી ડિવિઝન પોલીસ દ્વારા મહીલાની ઓળખ સહિત તપાસ હાથ ધરાઇ હતી. દરમિયાન. LCB પોલીસ ટીમને મળેલ બાતમીના આધારે અજાણી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો હતો. મૃતક મહિલાની ઓળખ દીપાબેન જેન્તીભાઈ સોલંકી (ઉ.25) તરીકે થઈ છે. મૃતક મહિલાને ગોંડલનાં ભગવતપરા કંટોલિયા રોડ નદી કાંઠે રહેતા હબીબશા હુશેનશા શાહમદાર (ઉ.45) સાથે પ્રેમસંબંધ હોવાથી પત્ની તરીકે રહેતી હોવાની વિગત મળી હતી.
પોલીસ તપાસ અનુસાર, મૂળ બગસરાની દીપા સોલંકી 8 વર્ષ પહેલા રાજકોટનાં ભગવતીપરામાં રહેતા જગદીશ સોલંકી સાથે ભાગીને જતી રહી હતી. રાજકોટ બન્ને સાથે રહેતા હતા. દરમિયાન, બન્ને વચ્ચે મનમેળ તૂટતા ઝઘડા અને મારકૂટ શરુ થઈ હતી. એકવાર જગદીશે દીપાને માર મારતા બાજુમાં રહેતા હબીબશા દીપાને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયો હતો. દરમિયાન, બન્ને વચ્ચે આંખ મળી જતા પ્રેમસંબંધ બંધાયો હતો અને દીપા જગદીશને છોડી હબીબશા સાથે રહેવા લાગી હતી. હબીબશા કલરકામ ઉપરાંત રિક્ષા ચલાવેછે. તે થોડો સમય રાજકોટ રહી બાદમાં દીપાને લઇ ગોંડલ રહેવા આવી ગયો હતો.
આ પણ વાંચો - Ahmedabad: શહેરના બાપુનગર વિસ્તારમાં પિતાએ ઝેર પીવડાવી દીકરાની હત્યા કરી
હબીબશા પરિણીત છે અને તેને 3 સંતાન છે. તેની પત્ની રુખશાના સાથે 15 વર્ષથી અબોલા છે. પતિની હરકતો રુખશાનાને પસંદનાં હોવાથી બન્ને એકબીજાથી દૂર રહેતા હતા. દીપા ગોંડલમાં ક્યારેક માંડવી ચોક તો ક્યારેક ફૂટપાથ અને ક્યારેક હબીબશાની રિક્ષામાં રહેતી હતી. હબીબશા પણ ઘરે ક્યારેક જ જતો બાકી દીપા સાથે રહેતો હતો. છેલ્લા દોઢ બે વર્ષથી આ સિલસિલો ચાલી રહ્યો હતો. દરમિયાન, હબીબશાનાં સગીર પુત્રને પિતાનાં પ્રેમસંબંધની જાણ થતા સમસમી ઉઠ્યો હતો અને પંદર દિવસ પહેલા મોટરસાઇકલ પર દીપાને બેસાડી વેરી તળાવ પહોંચ્યો હતો. જ્યાં પિતા હબીબશા સાથેનાં અવૈધ સબંધને લઇને દીપા સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી. બાદમાં ઉશ્કેરાયેલા સગીરે દીપાને પાટું મારી તળાવમાં ધકેલી દીધી હતી અને ફરાર થઈ ગયો હતો. તળાવનાં ઊંડા પાણીમાં ડૂબી જવાથી દીપાનું મોત નિપજ્યું હતું.
તળાવની અંદર કાંઠા પર ગોંડલને પાણી સપ્લાય કરતો કોઠો (ટાંકી) હોવાથી પાણીનાં પ્રવાહમાં દીપાનો મૃતદેહ ખેંચાઇને કોઠા સુધી પહોંચ્યો હતો અને પાઇપલાઇનનાં વાલ્વમાં માથું ફસાઈ જતા, પાણી ધીમું મળતું હોવાથી નગરપાલિકાની વોટરવર્કસની ટીમે તપાસ કરતા પંદર દિવસ બાદ તેની લાશ મળી હતી. આમ ભટકેલી જીંદગી જીવતી દીપાનો કરુણ મોત સાથે અંજામ આવ્યો હતો. મૃતક દીપાનાં હાથનાં કાંડા પર JD તથા દીપા નામનું ટેટુ ચિતરાવેલું હોવાથી LCB એ બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો. LCB PI ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ PSI ગોહિલ, ASI બાલકૃષ્ણ ત્રીવેદી, અનિલભાઇ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઇ આલ, મહીપાલસિહ ચુડાસમા સહિતની ટીમે અજાણી લાશનો ભેદ ઉકેલવા કામગીરી કરી હતી.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Surat : રાજ્યની વધુ એક કોલેજમાં ધુણ્યું રેગિંગનું ભૂત!