Rajkot : રાત સુધી હાજર રહેલા આયોજકો સવારે અચાનક 'છૂમંતર' ! સર્વ જ્ઞાતિ સમૂહલગ્નમાં હોબાળો
- રાજકોટમાં (Rajkot) સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનાં આયોજનમાં હોબાળો
- મોડી રાત સુધી હાજર આયોજકો સવારે અચાનક છૂમંતર થઈ ગયા
- આયોજકો ફરાર થતાં લગ્નવિધિ રોકાઈ, લોકોમાં ભારે રોષ
- ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ સ્થળે પહોંચી
રાજકોટમાંથી (Rajkot) એક વિચિત્ર ઘટના સામે આવી છે. રાજકોટમાં આજે સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 28 જેટલી જાન અને મોટી સંખ્યામાં લોકો લગ્ન મંડપ સ્થળે વહેલી સવારથી જ પહોંચી ગયા હતા. પરંતુ, આ દરમિયાન સમૂહ લગ્નનું આયોજન કરનારા ત્રણ આયોજકો અચાનક જ છૂમંતર થઈ જતાં ભારે હોબાળો મચ્યો છે. આયોજકોનાં ફોન પણ સ્વીચઓફ આવી રહ્યા છે. આ અંગે જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. જ્યારે બીજી તરફ કન્યાઓ અને તેમની માતાઓની આંખોમાં આંસુ સરી પડતા ભાવુક દ્રશ્યો સર્જાયા છે.
આ પણ વાંચો - Rajkot : ઇન્સ્ટાગ્રામ પર ફેમસ 'તોફાની રાધા' નો આપઘાત, તપાસમાં ચોંકાનાવાર ખુલાસા થવાની વકી
આયોજકો અચાનક ગાયબ થતાં સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનાં આયોજનમાં હોબાળો
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં (Rajkot) ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા આજે સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું (Sarv Gnati Samuh Lagan) આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્ન સ્થળ પર 28 જેટલી જાન વહેલી સવારે 6.30 વાગ્યાથી જ આવી ગઈ હતી. જ્યારે ભૂદેવો પણ ત્યાં પહોંચી ગયા હતા. લગ્નવિધિની શરૂ થવાની તૈયારી હતી પરંતુ, આ દરમિયાન 3 આયોજકો સ્થળ પર હાજર ન થતાં લગ્નવિધિ શરૂ થઈ શકી નહીં. લાંબા સમય સુધી આયોજકોની ગેરહાજરી રહેતા વર અને કન્યા પક્ષનાં લોકો ચિંતામાં મૂકાયા. સાથે જ આયોજકોને ફોન કરતા તેમનાં મોબાઇલ નંબર પણ સ્વીચ ઓફ હોવાનું જાણવા મળ્યું. રાત સુધી આયોજકો તમામનાં સંપર્કમાં હતા પરંતુ, સવાર થતા જ ત્રણેય આયોજક ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહેલ અને દીપક હિરાણી ફરાર થઈ ગયા હોવાનો લોકોએ આરોપ કર્યો છે.
આ પણ વાંચો - Surat : યુવકના ઘરે જઈ મારામારી કરી, ઘર-દુકાન અને કારને લગાવી આગ!
સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી
આ અંગે જાણ થતાં સ્થાનિક પોલીસની (Rajkot Police) ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. આયોજકોની શોધખોળ કરી તેમની સામે કડક કાયદાકીય પગલાં લેવા લોકોએ માંગ ઉચ્ચારી છે. આયોજકોએ રૂપિયા લઈને છેતરપિંડી કરી હોવાનો આરોપ પણ વર અને કન્યા પક્ષનાં લોકોએ કર્યો છે. જો કે, પોલીસે આ મામલે આયોજકોને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ લગ્નવિધિ રોકાઈ જતાં કેટલીક કન્યા અને માતાઓની આંખોમાં આંસુ સરી પડતા ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા છે.
આ પણ વાંચો - Patan : ખાનગી ટ્રાવેલ્સ બસમાં મુંબઈ લઈ જવાતો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો