Rajkot: શહેરમાં પનીર ખરીદતા લોકો સાવધાન, 800 કિલો પનીરનો જથ્થો ઝડપ્યો
- SOG પોલીસે દરોડા પાડી પનીરનો જથ્થો ઝડપ્યો
- પનીર ડુપ્લીકેટ છે કે હલકી ગુણવત્તાનું તે દિશામાં તપાસ શરૂ
- રાજકોટમાં શીતલ પાર્ક વિસ્તારમાં પનીરની ફેક્ટરી પકડાઈ
Rajkot : રાજકોટમાં SOG પોલીસે દરોડા પાડી 800 કિલો પનીરનો જથ્થો ઝડપ્યો છે. જેમાં લાખોની કિંમતનો 800 કિલો પનીરનો જથ્થો સીલ કરાયો છે. પનીર ડુપ્લીકેટ છે કે હલકી ગુણવત્તાનું તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં શીતલ પાર્ક વિસ્તારમાં પનીરની ફેક્ટરી પકડાઈ છે તેમાં ફર્નિચરની દુકાનનું બોર્ડ લગાવી પનીરનું ઉત્પાદન કરતા હતા. પનીર બનાવવામાં પામતેલનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે.
આ ફેક્ટરી 3-4 વર્ષથી ચાલતી હોવાની વિગતો પણ સામે આવી
ઉલ્લેખનીય છે કે આ ફેક્ટરી 3-4 વર્ષથી ચાલતી હોવાની વિગતો પણ સામે આવી રહી છે. જેમાં સૌથી અગત્યની વાત તો એ છે કે આ ફેક્ટરીમાં બહારથી ફર્નિચરની દુકાનનું બોર્ડ તથા ફેક્ટરીનું ગોડાઉન હોય તેવું દર્શાવવામાં આવી રહ્યું હતું. જ્યારે અંદર પનીર બનાવવામાં આવી રહ્યું હતું. આશંકાને આધારે જ આ ફેક્ટરીમાં રેડ પાડવામાં આવી હતી અને ફેક્ટરીની માલિકની પણ અટકાયત કરવામાં આવી છે. જોકે, ફેક્ટરીના જે દ્રશ્યો સામે આવ્યા છે ત્યાં સ્વસ્છતાનો પણ અભાવ દેખાયો હતો જેમાં હવે આ પનીર નકલી છે કે અખાદ્ય છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આરોગ્ય વિભાગે ભાવનગરથી આવતા અખાદ્ય પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો
અગાઉ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ભાવનગરથી આવતા અખાદ્ય પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગે શહેરના અલગ અલગ રેસ્ટોરન્ટમાં પનીરને લઈને ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં કુલચા કુઝીન નામના રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય પનીરનો જથ્થો મળી આવ્યો હતો. સસ્તો નફો મેળવવા માટે વેપારીઓ લોકોના સ્વસ્થ સાથે ચેડાં કરતા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટમાં 1600 કિલો જેટલો ખાદ્ય પનીરનો જથ્થો મળી આવ્યો
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પણ મોટાપાયે ચેકિંગ હાથ ધર્યું છે. જેથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. થોડા સમય પહેલા રાજકોટમાં 1600 કિલો જેટલો ખાદ્ય પનીરનો જથ્થો મળી આવતા આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. નકલી પનીરના રેકેટની કડીઓ તપાસતા ભાવનગરના મહુવાના મેસવાડ ગામથી પનીર આવ્યું હોવાનો ખુલાસો થયો હતો. જેમાં 9 જેટલા રાજકોટના વેપારીઓ આ અખાદ્ય પનીર વિતરણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતુ. રાજકોટમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત પનીરનો જથ્થો મળી આવતા RMCના આરોગ્ય વિભાગે શંકાસ્પદ ભેળસેળયુક્ત પનીર આધારે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: Gandhinagar: ધોરણ 1થી 5માં વિદ્યાસહાયકની ભરતી મામલે માહોલ ગરમાયો