ઓનલાઈન ઠગાઈનો નવો પેંતરો: "હું મીટિંગમાં છું..." કહીને PGVCL ના અધિકારી પાસે કરાવી દીધું ₹45 લાખનું RTGS
રાજકોટમાં PGVCL ના MD સાથે સાયબર ફ્રોડ
45.60 લાખની છેતરપિંડી મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ
સાયબર ઠગોએ MDનું ફેક વોટ્સએપ આઈડી બનાવ્યું
અધિકારીનો ફોટો મૂકી નાણાંની કરવામાં આવી માંગ
PGVCLના કર્મચારીઓ પાસે માંગવામાં આવ્યા નાણાં
MDના નામે મેસેજ આવતા અધિકારીઓમાં ભારે ફફડાટ
સમગ્ર મામલે સાયબર ક્રાઈમ પોલીસમાં કરાઈ ફરિયાદ
ડિજિટલ ઠગાઈથી બચવા પોલીસની લોકોને ખાસ અપીલ
PGVCL GM RTGS: ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સાયબર ગુનેગારો હવે સામાન્ય નાગરિકો જ નહીં, પરંતુ ઉચ્ચ સરકારી અધિકારીઓને પણ નિશાન બનાવી રહ્યા છે. રાજકોટમાં આવેલી પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) ના જનરલ મેનેજર (General Manager) સાથે લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઠગબાજોએ પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર (Managing Director) ના નામે નકલી વોટ્સએપ પ્રોફાઈલ બનાવી આ આખી ઘટનાને અંજામ આપ્યો હતો.
કઈ રીતે રચાયું છેતરપિંડીનું જાળ?
મળતી માહિતી મુજબ, ઠગબાજે વોટ્સએપ (WhatsApp) પર પીજીવીસીએલના એમડીનો ફોટો ડિસ્પ્લે પિક્ચર (DP) તરીકે રાખીને જનરલ મેનેજરનો સંપર્ક કર્યો હતો. આરોપીએ મેસેજમાં જણાવ્યું હતું કે, "હું અત્યારે એક અત્યંત મહત્વની મીટિંગમાં (Meeting) વ્યસ્ત છું અને મારે તાત્કાલિક પેમેન્ટ કરવાનું છે." ઉચ્ચ અધિકારીના નામે આવેલા મેસેજથી જનરલ મેનેજર દબાણમાં આવી ગયા હતા. વિશ્વાસ કેળવવા માટે ઠગબાજે એવી રીતે વાત કરી કે જાણે તે ખરેખર ઓફિસના કામ માટે જ નાણાં માંગી રહ્યો હોય.
RTGS દ્વારા ₹45.60 લાખ ટ્રાન્સફર
મીટિંગનું બહાનું ધરીને ઠગબાજે જનરલ મેનેજર પાસે તાત્કાલિક નાણાંની માંગણી કરી હતી. ઓફિશિયલ સૂચના સમજીને જીએમ દ્વારા અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ ₹45.60 લાખની રકમ RTGS (Real Time Gross Settlement) દ્વારા ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. જોકે, આટલી મોટી રકમ મેળવ્યા બાદ પણ જ્યારે સામેથી વધુ પેમેન્ટની માંગણી કરવામાં આવી, ત્યારે જનરલ મેનેજરને શંકા ગઈ હતી.
મોબાઈલ નંબરના આધારે તપાસના ચક્રો ગતિમાન
જ્યારે જનરલ મેનેજરે ખરાઈ કરી ત્યારે ખબર પડી કે એમડી (MD) દ્વારા આવો કોઈ મેસેજ કરવામાં આવ્યો નહોતો. ભાંડો ફૂટતા જ તાત્કાલિક સાયબર હેલ્પલાઈન (Cyber Helpline) નંબર 1930 પર કોલ કરીને જાણ કરવામાં આવી હતી. હાલમાં રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ (Cyber Crime Police) સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બેંક ટ્રાન્ઝેક્શન (Bank Transaction) અને મોબાઈલ નંબરના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસની સાવચેતીની અપીલ
આ ઘટના બાદ સાયબર પોલીસ દ્વારા જાહેર જનતા અને અધિકારીઓને અપીલ કરવામાં આવી છે કે, કોઈપણ ઉચ્ચ અધિકારી કે પરિચિત વ્યક્તિના નામે નાણાંની માંગણી કરતા મેસેજ આવે ત્યારે પ્રોફાઈલ પિક્ચર જોઈને વિશ્વાસ ન કરવો. નાણાં ટ્રાન્સફર કરતા પહેલા ફોન કરીને વ્યક્તિની ઓળખની ખાતરી કરવી અત્યંત આવશ્યક છે.
આ પણ વાંચો: Gandhinagar: સાયબર સેલે ઝડપ્યું 77 કરોડનું સાયબર ફ્રોડ, 9 થી વધુ શખ્સોની ધરપકડ, ગોવા સુધી તાર


