Rajkot News: રાજકોટ શહેરમાં ખાખી વર્દી પહેરેલા પોલીસકર્મીને જ વ્યાજખોરોએ ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. સુરેન્દ્રનગરના બે કુખ્યાત વ્યાજખોરોએ રાજકોટમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને તેમના મૃતક ભાઈના નામે લીધેલા કરોડો રૂપિયા ચૂકવવા માટે દબાણ કરી આતંક મચાવ્યો છે. આ અંગે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Rajkot માં વ્યાજખોરે પોલીસકર્મીને આપી ધમકી
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ શહેર પોલીસ દળમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ સિંધવને સુરેન્દ્રનગરના વ્યાજખોરો દ્વારા ટોર્ચર કરવામાં આવી રહ્યા છે. પોલીસકર્મીના મોટા ભાઈ મહાવીરસિંહ સિંધવે અગાઉ અમદાવાદ ખાતે ફ્લેટમાં રહેતી વેળાએ સુરેન્દ્રનગરના વ્યાજખોરો પાસેથી આશરે 1.35કરોડ રૂપિયા વ્યાજે લીધા હોવાનો દાવો વ્યાજખોરો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
બેસણામાં ટોળા સાથે આવીને પોલીસમેનને આપી જાનથી મારી નાખવાની ધમકી
ગતો 9 જૂનના રોજ અમદાવાદમાં મહાવીરસિંહ સિંધવે પોતાના ફ્લેટમાં કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. આ દુર્ઘટના બાદ જ્યારે પરિવાર શોકમાં હતો અને મૃતકનું બેસણું ચાલી રહ્યું હતું, તે દરમિયાન સુરેન્દ્રનગરના વ્યાજખોરો ટોળું વળીને ત્યાં આવી પહોંચ્યા હતા. વ્યાજખોરોએ પરિવારને ધમકી આપી હતી કે મહાવીરસિંહ દ્વારા લીધેલા રૂપિયા વ્યાજ સાથે પરત આપવા પડશે, અને જો નાણાં નહીં ચૂકવાય તો જાનથી મારી નાખવામાં આવશે. મૃતકે લીધેલા આ નાણાંની બાબતથી પરિવાર અગાઉ સંપૂર્ણપણે અજાણ હતો.
વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ દાખલ
પરિવાર પર આવી પડેલી આ આપત્તિ અને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આખરે પોલીસકર્મી ક્રિપાલસિંહ સિંધવે કાયદાકીય માર્ગ અપનાવ્યો છે. સુરેન્દ્રનગરના રાજા રાતડિયા અને રમેશ ઉર્ફે ચોટી વરુ વિરુદ્ધ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પીડિત પોલીસકર્મી દ્વારા વ્યાજખોરોની ધમકીના કોલ રેકોર્ડિંગ સહિતના પુરાવાઓ પણ પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. હાલ પ્રદ્યુમન નગર પોલીસે આ મામલે ગુનો નોંધીને કાયદેસરની સઘન તપાસ શરૂ કરી છે, પરંતુ આ ઘટનાએ સમગ્ર સૌરાષ્ટ્રમાં વ્યાજખોરોના બેફામ આતંકને ફરી એકવાર ઉજાગર કરી દીધો છે.
આ પણ વાંચો: Ambalal Patel Weather forecast: મઘા નક્ષત્રના પ્રભાવથી રાજ્યમાં ફરી ધમાકો કરશે મેઘરાજા! આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે