Rajkot : જેતપુરનાં દેરડી ગામે ધરતીપુત્રોમાં રોષ! સરકાર પાસે કરી આ માગ
- Rajkot નાં જેતપુરમાં બજારમાં ભાવ તળિયે બેસતા રોષે ભરાાય ખેડૂત
- દેરડીમાં એક ખેડૂતે સાડા ત્રણ વીઘાનો ઊભો પાક ઘેટા-બકરાને ખવડાવી દીધો!
- બજારમાં રૂ. 50 ભાવ મળે છે, સામે મજૂરી રૂ. 400 રૂપિયાથી વધુનો ખર્ચ
- ઘરનાં પૈસા નાખવા કરતા ઢોરને ખવડાવવું બહેતર : પીડિત ખેડૂત
Rajkot : જેતપુર તાલુકાના (Jetpur) દેરડી ગામે ધરતીપુત્રોની દયનીય સ્થિતિનો હચમચાવે એવો એક કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે ગૃહિણીઓને રડાવતી ડુંગળી હાલ ખેડૂતોને રડાવી રહી છે. પોષણક્ષમ ભાવ (Onions Price) ન મળવાને કારણે હતાશ થયેલા જેતપુર તાલુકાના દેરડી ગામનાં એક ખેડૂતે પોતાના સાડા ત્રણ વીઘામાં લહેરાતા ડુંગળીનાં પાકમાં ઘેટા-બકરા ચરવા મૂકી દઈને અનોખો અને દુઃખદ વિરોધ નોંધાવ્યો છે.
ખર્ચ 400 અને ભાવ 50 રૂપિયા!
પોતાના ખેતરમાં ઘેટા-બકરા ચરાવતા ખેડૂત મહેશભાઈ ગોંડલીયા સાથેની વાતચીતમાં પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ખેતીમાં મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને પાક તૈયાર કર્યો છે. પરંતુ, હાલ બજારમાં ડુંગળીનાં મણના ભાવ માત્ર 50 રૂપિયા બોલાઈ રહ્યા છે, જેની સામે ડુંગળી (Onions Price) ઉપાડવાની મજૂરી 400 રૂપિયા અને કટિંગના 70 રૂપિયા થાય છે. જો પાક યાર્ડમાં લઈ જઈએ તો ભાડું અને મજૂરી બાદ કરતા ખેડૂતનાં હાથમાં કશું આવતું નથી, ઉલટાનું ઘરનાં પૈસા જાય તેવી સ્થિતિ છે.
આ પણ વાંચો - Rajkot : જેતપુરમાં બાઇક અને એક્ટિવા વચ્ચે અકસ્માત, એકનું મોત, એક ગંભીર રીતે ઘાયલ!
"આ ઉદ્યોગપતિઓની સરકાર છે, ખેડૂતોનું કોઈ સાંભળતું નથી"
સરકાર સામે ઉગ્ર રોષ વ્યક્ત કરતા ખેડૂતે જણાવ્યું હતું કે, "અમે ખોબલેને ખોબલે મત આપીને આ સરકારને ચૂંટી છે, પરંતુ આ સરકાર માત્ર ઉદ્યોગપતિઓનું જ સાંભળે છે. ખેડૂતોની કોઈને પડી નથી. ડુંગળીમાં અમને અંદાજિત 1 લાખ રૂપિયાનું નુકસાન ગયું છે. ખેતરમાં પાક લણવા કરતા ઘેટા-બકરાને દાન કરી દેવો અમને વધુ યોગ્ય લાગ્યો."
Rajkot નાં દેરડીમાં અનેક ખેડૂતો પાયમાલ!
પ્રાપ્ત વિગતો મુજબ, માત્ર આ એક ખેડૂત નહીં પરંતુ દેરડી ગામના અનેક ખેડૂતોની હાલત કફોડી બની છે. ઘણા ખેડૂતોએ ભાવ ન મળતા ડુંગળીનાં ઊભા પાકમાં રોટાવેટર ફેરવી દીધા છે. તો કોઈએ પાક ઢોરને હવાલે કરી દીધો છે. ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક ધોરણે ખેડૂતોની વહારે આવે અને યોગ્ય બજાર વ્યવસ્થા કે ટેકાના ભાવ જાહેર કરે.
અહેવાલ : હરેશ ભાલિયા, જેતપુર
આ પણ વાંચો - Mehsana : લૂંટેરી દુલ્હનની ગેંગનો પર્દાફાશ ; ચાંદનીએ 15થી વધુ યુવકો સાથે લગ્ન કરી ₹52 લાખથી વધુની કરી ઠગાઈ


