Gondal : વેરી તળાવમાંથી અજાણી યુવતીનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર!
- Gondal નાં વેરીતળાવમાંથી અજાણી યુવતીનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો
- પાઇપલાઇનનાં વાલ્વમાં માથું ફસાયેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળ્યો
- વિચિત્ર ઘટના અંગે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ
રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલ (Gondal) તાલુકાનાં વેરી તળાવમાં વિચિત્ર ઘટના બનવા પામી છે. પાઇપલાઇનનાં વાલ્વમાં માથું ફસાયેલી હાલતમાં એક યુવતીનો કોહવાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે સ્થાનિક પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડી મૃતક અજાણી યુવતી અંગે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Gandhinagar : 'દાદા' સરકારનો દંડો! રાજ્ય સરકારે વધુ 3 અધિકારીને કર્યા ઘરભેગા
આ પણ વાંચો - Ahmedabad : ડિમોલિશનની કામગીરી વચ્ચે ઓઢવમાં સ્થાનિકોને મળ્યા શંકરસિંહ વાઘેલા, તંત્ર પર સાધ્યું નિશાન!
પાણી ખૂબ ઓછું આવતા વોટર વર્કસનાં કર્મચારીઓ વેરી તળાવે પહોંચ્યા હતા
પ્રાપ્ત વિગત મુજબ, વેરી તળાવમાંથી પાણી શહેરને સપ્લાય થઇ થયા છે. ત્યારે પાણી ખૂબ ઓછું આવતું હોવાથી વોટર વર્કસનાં કર્મચારીઓ દ્વારા લાઇન ચેકિંગ કરતા છેક વેરી તળાવે પહોંચ્યા હતા. તળાવમાં રહેલા કોઠામાં જ્યાંથી પાઇપલાઇન દ્વારા પાણી સાત ટાંકીએ પંહોચતું હોય છે તે કોઠામાં તપાસ કરતા પાઇપલાઇનનાં વાલ્વમાં માથું ફસાયેલી હાલતમાં યુવતીનો મૃતદેહ નજરે પડ્યો હતો. આથી, વોટર વર્કસ સુપરવાઇઝર પરેશ રાવલ, વોટર વર્કસ ચેરમેન શૈલેશભાઈ રોકડ, નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઇ રૈયાણી, કારોબારી ચેરમેન ક્રિપાલસિંહ જાડેજાને જાણ કરાતા બધા વેરી તળાવ દોડી ગયા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરી ફાયર બ્રિગેડ સ્ટાફ દ્વારા મૃતદેહ બહાર કાઢી ગોંડલ સિવિલ હોસ્પિટલ (Gondal Civil Hospital) ખસેડ્યો હતો.
'પીએમ રિપોર્ટ બાદ સ્પષ્ટ માહિતી મળશે'
આશરે 20 થી 22 વર્ષની લાગતી અજાણી યુવતી અકસ્માતે તળાવમાં પડી કે આત્મહત્યા કરી એ તપાસનો વિષય છે. આથી, પીએમ રિપોર્ટ બાદ સ્પષ્ટ માહિતી મળશે તેમ પીઆઇ. ડામોર જણાવ્યું હતું. વેરી તળાવમાંથી ગોંડલને પાણી પુરું પડાય છે. તળાવની અંદર કાંઠા નજીક બનાવાયેલાં કોઠામાંથી મોટી પાઇપલાઇન દ્વારા પાણી સપ્લાય થઇ ખોડીયારનગરમાં આવેલી 7 ટાંકીએ પહોંચે છે અને ત્યાંથી શહેરનાં વિવિધ વિસ્તારમાં પાણી પહોંચતું કરાય છે. ત્યારે યુવતી વેરી તળાવમાં પડી હોય અને કોઠા તરફ ખેંચાઇ હોય અને બાદમાં વાલ્વમાં તીવ્ર ગતિએ પાણીનો પ્રવાહ વહેતો હોવાથી યુવતીનું માથું વાલ્વમાં ફસાયું હોય તેવું મનાઈ રહ્યું છે. આથી, પાણીનો પ્રવાહ અટકી જઈ ધીમો થયો હતો. યુવતી 2-3 દિવસથી તળાવમાં પડી હોય મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળ્યો હતો.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Surat : 6 કિલો ગાંજો બોરામાં ભરી રિક્ષામાં નીકળ્યા, પાંડેસરા દક્ષેશ્વર મંદિર પહોંચ્યા અને..!