Rajkot News: રાજકોટમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે, જ્યાં લગ્ન કરવા માટે સતત જીદ અને દબાણ કરતી 45 વર્ષીય પરણિત મહિલાની તેના જ નાની ઉંમરના 25 વર્ષીય પ્રેમી દ્વારા ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. આ મામલે રાજકોટ રેલવે પોલીસે સઘન તપાસ હાથ ધરી હત્યારા પ્રેમીની ધરપકડ કરી લીધી છે.
Rajkot રેલવે સ્ટેશન પાસે હત્યાનો ભેદ ઉકેલાયો
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં ગુંદાળા ફાટકથી આગળ ટ્રેનના પાટા પાસે એક મહિલાની લોહીલુહાણ હાલતમાં શંકાસ્પદ લાશ મળી આવી હતી. શરૂઆતમાં આ મામલો અકસ્માત કે સામાન્ય દુર્ઘટના જેવો લાગતો હતો, પરંતુ મૃતક મહિલાના પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી શંકાએ સમગ્ર કેસની દિશા બદલી નાખી હતી. મૃતક મંજુબેનની દીકરી પાયલ કોળીએ પોતાની માતાની હત્યા પાછળ તેમના જ પ્રેમી પ્રકાશ સોલંકીની સંડોવણી હોવાની પ્રબળ શંકા વ્યક્ત કરી હતી.
લગ્નના દબાણથી કંટાળીને રચ્યું કાવતરું
દીકરીના આક્ષેપોને ધ્યાનમાં રાખીને રાજકોટ રેલવે પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસની કડક પૂછપરછ દરમિયાન આરોપી પ્રકાશ સોલંકી ભાંગી પડ્યો હતો અને તેણે ગુનો કબૂલી લીધો હતો. પોલીસ તપાસમાં ખૂલ્યું કે મંજુબેનને સંતાનમાં બે દીકરી અને બે દીકરા છે. તેમ છતાં તેઓ પોતાનાથી 20 વર્ષ નાના એવા 25 વર્ષીય પ્રકાશ સોલંકી સાથે પ્રેમ સંબંધ ધરાવતા હતા.
હત્યારો પ્રેમી પ્રકાશ સોલંકી ઝડપાયો
મંજુબેન દ્વારા પ્રકાશ પર સતત લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવતું હતું, જેને લઈને બંને વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતા હતા. આ જ અદાવત અને કંટાળાને કારણે આરોપી પ્રકાશે ગુંદાળા ફાટક પાસે મંજુબેનને ચાલુ ટ્રેન સાથે ભટકાડી દીધા હતા, જેના કારણે તેમનું કરુણ મોત નીપજ્યું હતું. રેલવે પોલીસે આરોપી પ્રકાશ સોલંકીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: Rajkot Mayor સત્તાના અહંકારમાં ભૂલ્યા ભાન! Gujarat First ના સવાલોથી કેમ અકળાયા Mayor?