15

રાજકોટમાં પતિની પ્રેમિકાને ઢોર માર મારનાર પત્ની અને તેની બહેનની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટના નિકાવમાં એક વર્ષથી મહિલા તેના પતિ સાથે રહેતી હતી. જો કે એક દિવસ અચાનક પત્ની તેના પતિને પ્રેમિકા સાથે જોઈ જતા મહિલાએ પ્રેમિકાનું અપહરણ કર્યું અને પોતાની બહેનની મદદથી પ્રેમિકાને ઢોર માર મારી ગુપ્ત ભાગે મરચાંની ભૂકી છાંટી હતી. જેના પગલે પોલીસે હિંસક પત્ની અને તેના બહેનની ધરપકડ કરી છે.
શું છે સમગ્ર ઘટના ?
રાજકોટના ભગવતીપરામાં રહેતો રિક્ષાચાલક મોહસિન નિકાવામાં રહેતી તેની પ્રેમિકા સાથે પારેવડી ચોકમાં આવ્યો હતો. મોહસિન પ્રેમિકા સાથે સાઇકલની દુકાને ઉભો હતો, દરમિયાન મોહસિનની પત્ની રૂકસાર પુત્ર સાથે ત્યાં આવી હતી. પત્નીને જોતાં જ મોહસિન રિક્ષા લઇને નાસી ગયો હતો અને પ્રેમિકાને ભાગવાનું કહેતા તેની પ્રેમિકા નજીકમાં આવેલી મસ્જિદમાં જતી રહી હતી. જો કે રૂકસાદ મસ્જિદમાં પહોંચી હતી અને પતિની પ્રેમિકાને ઝડપી ત્યાં જ માર મારવાનું શરૂ કરી દીધું. બાદમાં રિક્ષામાં બેસાડી તેને પોતાની સાથે લઈ ગઈ. રિક્ષા એરપોર્ટ રોડ પર પહોંચતા રૂકસારની બહેન પાઇપ લઈને ત્યાં આવી પહોંચી. તે પણ રિક્ષામાં બેસી ગઈ અને કાલાવડ રોડ પાસેથી મરચાંની ભૂકી ખરીદી. બાદમાં રિક્ષા અવધ વિસ્તારમાં આવેલા અવાવરૂ જગ્યાએ લઈ જઈ રિક્ષાચાલકને ત્યાંથી ભગાડી દીધો.
પત્ની સહિત તેની બહેન સકંજામાં
રૂકસાર અને તેની બહેન બંને યુવતી પર તૂટી પડ્યા, બાદમાં યુવતીના ગુપ્તભાગે મરચાંની ભૂકી છાંટી બંને બહેનો ત્યાંથી નાસી ગઈ હતી. સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો અને યુવતીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. પોલીસે પત્ની રૂકસાર અને તેની બહેન મિત્તલ લૂણીયાતરની ધરપકડ કરી આઇપીસી કલમ 307 સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.