Jagannath Rathyatra 2026: ભગવાન જગન્નાથના સ્વરૂપનું રહસ્ય
પુરીના મંદિરમાં સ્થાપિત ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના સ્વરૂપ અન્ય દેવી-દેવતાઓના વિગ્રહ કરતા અત્યંત વિશિષ્ટ છે. આ વિગ્રહમાં મૂર્તિઓના હાથ અને પગ નથી, પરંતુ આંખો વિશાળ છે. આ દિવ્ય સ્વરૂપની પાછળ દ्वाપર યુગની એક અલૌકિક ઘટના જવાબદાર છે. ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલાઓના વર્ણન સાથે આ મૂર્તિઓના નિર્માણનો ઇતિહાસ જોડાયેલો છે. ભક્તો માને છે કે આ સ્વરૂપ પ્રેમ અને કરુણાનું પ્રતીક છે, જેમાં પ્રભુ ભક્તોને નિહાળવા માટે સદા તત્પર રહે છે. હાથ વગર હોવા છતાં ભગવાન પોતાના ભક્તોના હૃદયની ભાષા સમજી શકે છે અને તેમને આશીર્વાદ આપે છે.
Jagannath Rathyatra 2026: રોહિણી માતા અને કૃષ્ણલીલાનું વર્ણન
કહેવાય છે કે, એકવાર દ્વારકાના રાજમહેલમાં માતા રોહિણી કૃષ્ણ અને બલરામની બાળલીલાઓનું વર્ણન કરી રહ્યા હતા. સત્યભામા અને જામ્બવંતી સહિત અન્ય રાણીઓ આ કથાઓ સાંભળવા માટે અત્યંત આતુર હતી. માતા રોહિણીએ શરત રાખી કે આ કથા કૃષ્ણ અને બલરામના કાનોમાં ન પહોંચવી જોઈએ. જો તેઓ આ કથા સાંભળી લેશે, તો તેઓ ભાવવિભોર થઈને ફરી બ્રજ તરફ પ્રયાણ કરશે. આ યોજના મુજબ બધી રાણીઓ રેવતક પર્વત પર પહોંચી અને સુભદ્રાને દરવાજા પર પહેરો ભરવા બેસાડવામાં આવી.
Jagannath Rathyatra 2026: ત્રણેય ભાઈ-બહેનનું જડવત (અચેતન ) સ્વરૂપ
માતા રોહિણીએ કૃષ્ણના જન્મથી લઈને તેમની ગોકુલની લીલાઓનું સુંદર વર્ણન કર્યું. કાન્હાની નટખટતા અને રાસલીલા સાંભળીને તમામ રાણીઓ ભક્તિના સાગરમાં ડૂબી ગઈ. દરવાજા પર ઉભેલી સુભદ્રા પણ આ કથાઓ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. આ સમયે કૃષ્ણ અને બલરામ પણ ત્યાં પહોંચી ગયા. પોતાની જ બાળલીલાઓ સાંભળીને ત્રણેય ભાઈ-બહેન ભાવનાના આતિશયમાં ગરકાવ થયા. પ્રેમ અને ભક્તિના અતિરેકમાં તેમના અંગો જડવત થઈ ગયા અને આ દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું. મૂર્તિના હાથ-પગ લુપ્ત થયા અને આંખો વિશાળ થઈ ગઈ, જે આદિઅંત વિહીન ભગવાનનું નિરૂપણ કરે છે.
દેવર્ષિ નારદની સ્તુતિ અને વરદાન
ત્યાં પહોંચેલા દેવર્ષિ નારદ આ દિવ્ય દ્રશ્ય જોઈને ભાવવિભોર થયા. તેમણે પ્રભુને આ જ રૂપમાં પૃથ્વી પર દર્શન આપવા પ્રાર્થના કરી. ભગવાને વરદાન આપ્યું કે કલિયુગમાં તેઓ નીલાંચલ ક્ષેત્રમાં આ જ વિગ્રહમાં પ્રગટ થશે. આ સ્વરૂપમાં તેમના હાથ-પગ નથી અને નેત્ર વિશાળ છે, જેથી તેઓ પોતાના ભક્તોને અનંત પ્રેમથી જોઈ શકે. આ વચન મુજબ જ આજે પુરીના મંદિરમાં જગન્નાથ પ્રભુ પોતાના ભાઈ-બહેન સાથે ભક્તોને દર્શન આપે છે. આ સ્વરૂપ ભક્ત અને ભગવાનના અતૂટ સંબંધનું પ્રતીક છે.
રથયાત્રા, ભક્તોના સાનિધ્યમાં ભગવાન
આષાઢ મહિનાના શુક્લ પક્ષની દ્વિતીય તિથિએ પ્રભુ રથમાં બેસીને ભક્તોને દર્શન આપે છે. આ વાર્ષિક રથયાત્રામાં દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓ ભાગ લે છે. ભગવાન જગન્નાથનું આ વિગ્રહ સ્વરૂપ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. હાથ વગરના હોવા છતાં ભગવાન પોતાના ભક્તો પર કૃપા વરસાવતા રહે છે. વિશાળ આંખો દ્વારા તેઓ ભક્તોના મનની વેદના અને ભક્તિને નિહાળે છે. જગન્નાથ ધામની આ પરંપરા સદીઓથી અખંડિત રહી છે અને તે વિશ્વભરમાં માનવતા તથા પ્રેમનો સંદેશ આપે છે.
જગન્નાથ મંદિરની સ્થાપત્ય કલા અને પરંપરા
પુરીનું જગન્નાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ તે સ્થાપત્ય કલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. મંદિરનો ગુંબજ અને તેના પરનો સુદર્શન ચક્ર આકર્ષણનું કેન્દ્ર છે. મંદિરના રસોડામાં બનતો પ્રસાદ, જેને મહાપ્રસાદ કહેવામાં આવે છે, તે અદભૂત રીતે તૈયાર થાય છે. 7 માટલીઓને એકબીજા પર મૂકીને લાકડાના ચુલા પર ભોજન રાંધવામાં આવે છે, જેમાં સૌથી ઉપરની માટલીનું ભોજન પહેલા પાકે છે. આ ચમત્કાર વિજ્ઞાન અને આસ્થાનો અનોખો સમન્વય છે. ભગવાન જગન્નાથનું આ ધામ દરેક વ્યક્તિને જીવનમાં એકવાર જરૂર દર્શન કરવા જેવું પવિત્ર સ્થળ છે.
આ પણ વાંચો--- Jagannath Rathyatra 2026: તમે જાણો છો જગન્નાથપુરીના મહાપ્રસાદનું રહસ્ય? જેની માટે શિવ-બ્રહ્મા પણ તરસતા હતા!