Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Modhera-દેવી માતંગી, દસ મહાવિદ્યાઓમાંની નવમી મહાવિદ્યા.

Modhera એટલે ધર્મારણ્ય. મહાભારતમાં Modhera નો ઉલ્લેખ છે,  ગુજરાતના મહેસાણાથી 20 કિમી. અને બહુચરાજીથી 15 કિમી.ના અંતરે ચાણસ્મા તાલુકામાં આવેલું મોઢેરા પ્રાચીન અને પવિત્ર સ્થાન માનવામાં આવે છે. આજે પણ ત્યાં સૂર્યમંદિર, ધર્મવાવ, મોઢેશ્વરી માતાનાં દર્શન કરતાં આપણા મનમાં પવિત્ર...
modhera દેવી માતંગી  દસ મહાવિદ્યાઓમાંની નવમી મહાવિદ્યા
Advertisement

Modhera એટલે ધર્મારણ્ય. મહાભારતમાં Modhera નો ઉલ્લેખ છે, 

ગુજરાતના મહેસાણાથી 20 કિમી. અને બહુચરાજીથી 15 કિમી.ના અંતરે ચાણસ્મા તાલુકામાં આવેલું મોઢેરા પ્રાચીન અને પવિત્ર સ્થાન માનવામાં આવે છે. આજે પણ ત્યાં સૂર્યમંદિર, ધર્મવાવ, મોઢેશ્વરી માતાનાં દર્શન કરતાં આપણા મનમાં પવિત્ર વિચારો અને પ્રાચીનકાળનાં સંસ્મરણો તાજાં થઇ જાય છે. આ પવિત્ર ભૂમિને ધર્મારણ્ય તરીકે પુરાણોમાં વર્ણવેલી છે.

Advertisement

`પૃથિવ્યાં નૈમિષ શ્રેષ્ઠં તત્ શ્રેષ્ઠં ધર્મસંજ્ઞમ્'

આપણા ભારતવર્ષમાં જેટલાં અરણ્યો છે તેમાં Modheraની ભૂમિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. નૈમિષારણ્યની જેમ જ આ ભૂમિને શ્રેષ્ઠ માનેલી છે. `પૃથિવ્યાં નૈમિષ શ્રેષ્ઠં તત્ શ્રેષ્ઠં ધર્મસંજ્ઞમ્' આ પૃથ્વી ઉપર નૈમિષારણ્યને ખૂબ પવિત્ર માનવામાં આવે છે, પરંતુ વેદવ્યાસ તેના કરતાં ધર્મારણ્યની ભૂમિને વધારે પવિત્ર માને છે. ધર્મારણ્યની શ્રેષ્ઠતા બતાવતાં વશિષ્ઠજી રામને કહે છે કે :

Advertisement

સર્વતીર્થાધિકં રામ-ધર્મારણ્યં ન સંશયઃ

બ્રહ્મત્યાદિ પાપાનાં-નાશકૃતં પુણ્યવર્ધકમ્

હે રામ! આ પવિત્ર ભૂમિનાં દર્શન કરવાથી, આ ભૂમિ ઉપર બેસીને યજ્ઞ, દાન, તપ કરવાથી બ્રહ્મહત્યા જેવાં પાપ પણ બળીને ભસ્મ થઇ જાય છે.

ભગવાન રામને રાવણનો વધ કરવાથી બ્રહ્મહત્યા લાગી હતી. વશિષ્ઠજીએ રામના હાથે આ દોષને દૂર કરવા આ ભૂમિ ઉપર યજ્ઞો કરાવ્યા હતા. આ પવિત્ર ભૂમિ ઉપર ત્રણ દેવોનો અધિકાર માનવામાં આવે છે. પ્રથમ સૂર્યનારાયણ, બીજા ધર્મેશ્વર મહાદેવ અને ત્રીજાં માતા મોઢેશ્વરી.

સૂર્યમંદિરમાં સોનાથી બનેલી સૂર્યપ્રતિમા હીરા-પન્ના-મોતીથી સુશોભિત હતી. આ મંદિરની આસપાસ મોટામોટા રાજાઓ, તપસ્વીઓ, ઋષિમુનિ આવીને તપ, યજ્ઞ, અનુષ્ઠાન વગેરે કરતા હતા. પ્રાતઃકાળે સૂર્યનું પ્રથમ કિરણ આ પ્રતિમા ઉપર આવતું હતું. આજે પણ સૂર્યનું પ્રથમ કિરણ મંદિરના ગર્ભગૃહમાં આવે છે.

`ધર્મારણ્ય' એટલે જ મોઢેરા

આ પવિત્ર ભૂમિ ઉપર ધર્મરાજા (યમરાજા)એ તપ કર્યું હતું. આ તપ જોઇને ભગવાન શિવે યમરાજા ઉપર પ્રસન્ન થઈને વરદાન માગવા કહ્યું. યમરાજાએ આ ભૂમિને પોતાના નામ સાથે જોડવાનું વરદાન માગ્યું. આથી ભગવાન શિવે આ ભૂમિને `ધર્મારણ્ય' નામ આપ્યું. યમરાજાએ આ ભૂમિ ઉપર ધર્મેશ્વર મહાદેવની સ્થાપના કરી. આજે પણ આ મહાદેવજી હયાત છે. આ ભૂમિ ઉપર રામ-સીતાનાં લગ્નની ચોરી પણ જોવા મળે છે. ચાર સ્તંભમાંથી બે સ્તંભ જોવા મળે છે. પુરાણના મત પ્રમાણે આ પવિત્ર ભૂમિ ઉપર સૂર્યપત્ની `સંજ્ઞા'એ પણ તપ કર્યું હતું.

આ પવિત્ર ભૂમિ Modhera ઉપર ખૂબ જ બ્રાહ્મણો વસતા હતા. આ બધા બ્રાહ્મણો તપસ્વી અને સૂર્યના ઉપાસકો હતા. આ ભૂમિ ઉપર `કર્ણાટ' નામના દૈત્યનો ત્રાસ વધવા લાગ્યો. આ દૈત્ય બાળકો અને સ્ત્રીઓને ઉપાડી જતો અને મારી નાખતો.

યજ્ઞથી પ્રસન્ન બનીને એક દેવી પ્રગટ થયાં

બ્રાહ્મણોએ સાથે મળીને માતાજીનો યજ્ઞ કર્યો અને માને આ દૈત્યના ત્રાસમાંથી છોડાવવા માટે પ્રાર્થના કરી. બ્રાહ્મણોના યજ્ઞથી પ્રસન્ન બનીને એક દેવી પ્રગટ થયાં. આ દેવીનાં નેત્રો લાલઘૂમ હતાં અને અઢાર હાથ હતા. અઢાર હાથમાં રક્તમાળા, ધનુષ્યબાણ, ખેટક, ખડગ, કુહાડી, ગદા, સર્પ, પરિઘ, શંખ, પાશ, કટારી, છરી, ત્રિશૂળ, મધપાત્ર, અક્ષમાળા, શક્તિ, તોમર, કુંભ ધારણ કરેલાં હતાં. તેમના મુખમાંથી અગ્નિ જ્વાળાઓ પ્રગટવા લાગી. ગળામાં લાલ ફૂલોની માળા ધારણ કરી.

શરૂમાં દૈત્ય માતાજીનું આ વિકરાળ રૂપ જોઈને સંતાઈ જાય છે. દેવી તેને શોધી કાઢે છે અને બંને વચ્ચે મહાભયંકર યુદ્ધ ખેલાય છે . દૈત્ય મુદગર લઈને દેવીને મારવા દોડે છે તે વખતે દેવી ત્રાડ પાડીને ત્રિશૂળ તેની છાતીમાં ખોસી દે છે, પરંતુ માયાવી દૈત્યના લોહીમાંથી બીજા દૈત્યો પેદા થાય છે. આ જોઈને નગરજનો ગામ છોડીને ભાગી જાય છે. દેવી ફરીથી તેના પર ત્રાટકે છે અને તેની છાતી ઉપર લાત મારીને તેનો વધ કરે છે.

મોઢેરાની ભૂમિ ઉપર પ્રગટ થયાં હોવાથી `મોઢેશ્વરી' નામ 

દૈત્યના મહાત્રાસથી છુટકારો મળતા મોઢેરાના નગરજનોએ ધામધૂમથી વિજયોત્સવ મનાવ્યો. બ્રાહ્મણોએ આ દેવીને વંદન કર્યાં અને તેમની સ્થાપના કરી. આ દેવી મોઢેરાની ભૂમિ ઉપર પ્રગટ થયાં હોવાથી `મોઢેશ્વરી' નામ પડયું. મોઢેશ્વરી માતા લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. બ્રાહ્મણોએ આ ભૂમિ પર વિશાળ મંદિર બાંધીને અઢાર હાથવાળી આ દેવીની સ્થાપના કરી, માતંગ નામના ઋષિએ પણ આ દેવીની ઉપાસના કરી, આથી `માતંગી' નામથી આજે જગપ્રસિદ્ધ બની, મોઢેશ્વરીને માનનારા મોઢ તરીકે ઓળખાવા લાગ્યા. આ ભૂમિ ઉપર બ્રાહ્મણ, વૈશ્ય અને ક્ષત્રિય પણ રહેતા હતા. બ્રહ્માજીએ ગાયની ખરીમાંથી મોઢ વૈશ્યોની ઉત્પત્તિ કરી માટે આજે પણ મોઢેરાની બાજુમાં `ગાંભુ' નામનું ગામ આવેલું છે. આ વૈશ્યો `ગોભવા' નામે પ્રચલિત બન્યા. મોઢેશ્વરી માતા દશ મહાવિદ્યાઓમાંની એક વિદ્યા છે. ચંડીપાઠના સાતમા અધ્યાયના મંગલાચરણમાં માતા મોઢેશ્વરીનો ઉલ્લેખ આજે પણ જોવા મળે છે.

ગુજરાતમાં સૌથી પ્રાચીન સ્થળોમાં મોઢેરા

ગુજરાતમાં સૌથી પ્રાચીન સ્થળોમાં Modheraનો ઉલ્લેખ જોવા મળે છે. આ સ્થળને સત્યયુગમાં ધર્મારણ્ય, ત્રેતાયુગમાં સત્યમંદિર, દ્વાપર યુગમાં વેદભુવન અને કળિયુગમાં મોહેરકપુર (મોઢેરા)ના નામથી ઓળખવામાં આવે છે. પ્રાચીનકાળમાં તપ કરવા માટે આ પવિત્ર ભૂમિને પસંદ કરવામાં આવતી હતી. આ ભૂમિ ઉપર ત્રણ વેદનો અભ્યાસ કરનાર ત્રિવેદી બ્રાહ્મણો, ચાર વેદનો અભ્યાસ કરનાર ચતુર્વેદી બ્રાહ્મણો રહેતા હતા.

આજે પણ ત્રિવેદી મોઢ અને ચતુર્વેદી મોઢ બ્રાહ્મણો આ ભૂમિની આસપાસ વસતા જોવા મળે છે. દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીના સમયમાં તેણે મોઢેરા ઉપર આક્રમણ કર્યું. બ્રાહ્મણો તથા વૈશ્ય લડવૈયાઓએ મોઢેરાના કિલ્લા બંધ કરીને ખિલજીની સેનાનો સામનો કર્યો છેવટે તેની સાથે સમાધાન થયું, પરંતુ પાછળથી દગો કરીને મોઢેરા નગરને લૂંટી લીધું. સૂર્યમંદિરને ખંડિત કરી તેની અનુપમ કલાકૃતિઓનો નાશ કર્યો. તે સમયે માતંગી માતાજીની મૂર્તિને વિધર્મીઓ ખંડિત ન કરે તે હેતુથી મૂર્તિને વાવમાં સંતાડવામાં આવી. જે વાવ આજે પણ ધર્મવાવ તરીકે ઓળખાય છે.

કાળક્રમે વિધર્મીઓની ધર્મભ્રષ્ટ નીતિથી બચવા માટે આ ભૂમિ ઉપર વાસ કરનાર બ્રાહ્મણો, વૈશ્યો અને ક્ષત્રિય ભક્તોએ ગુજરાત, સૌરાષ્ટ્ર, ભોપાલ, ઉજ્જૈન, મહારાષ્ટ્ર જેવા પ્રદેશોમાં વાસ કર્યો.

ભલે આજે હજારો વર્ષ થયાં હોય, પરંતુ આ ભક્તો પોતાની કુળદેવીને ભૂલ્યા નથી. વર્ષમાં એક વાર જરૂર માનાં ચરણમાં નતમસ્તક કરવા આવે છે.

ઇ.સ. 1965માં માતાજીના મંદિરનો જિર્ણોદ્ધાર

વિધર્મીઓના રાજ્ય પછી સયાજીરાવ ગાયકવાડે રામરાજ્યની સ્થાપના કરી. Modhera મોઢેશ્વરીના ભક્તોએ ગાયકવાડની પરવાનગી મેળવીને ઇ.સ. 1965માં માતાજીના મંદિરનો જિર્ણોદ્ધાર કર્યો, ગાયકવાડ સરકારે પણ આ કાર્યમાં ખૂબ જ મદદ કરી. મંદિરના જિર્ણોદ્ધાર પછી મહા સુદ-13ના પવિત્ર દિવસે શુભ મુહૂર્ત જોઇને વર્તમાન સુંદર પ્રતિમાની સ્થાપના કરવામાં આવી.

Modhera  મંદિરની આસપાસ ધર્મશાળા, કોટ, સિંહદ્વારનું નિર્માણ કરવામાં આવ્યું. આજે તો આ મંદિરમાં ભક્તોને રહેવાની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અનેક ભક્તો આ સ્થળે આવીને જનોઈ, લગ્ન,યજ્ઞ જેવા શુભ પ્રસંગો ધામધૂમથી આજે પણ ઊજવે છે. આજે પણ પરંપરાગત મહા સુદ 13 માતાજીના પ્રાગટ્ય દિવસે વાજતેગાજતે માતંગી મૈયાની કેસર સ્નાનથી પૂજા-અર્ચના થાય છે.

આ પણ વાંચો- Pramukh swami- જેના ગુણે રિઝયા ગિરધારી 

Advertisement

.

×