ગદર-2 એ બોક્સ ઓફિસ પર મચાવી ગદર, બે દિવસમાં 83 કરોડની તાબડતોબ કમાણી
તારા સિંહના પાત્રમાં સની દેઓલે ફરી એકવાર દર્શકોના દિલ જીતી લીધા છે. ગદર 2ની એક્શન અને ઈમોશનને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને પહેલા દિવસ બાદ હવે બીજા દિવસે પણ ફિલ્મે બોક્સ ઓફિસ પર સુનામી સર્જી છે. બીજી તરફ અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ સ્ટારર ફિલ્મ OMG 2ના કલેક્શનમાં પણ બીજા દિવસે વધારો જોવા મળ્યો છે.
ગદર-2 એ પહેલા દિવસે 40 કરોડ બીજા દિવસે 43 કરોડ કમાયા
ગદર 2 એ પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર ગદર મચાવતા રૂ. 40.10 કરોડનું કલેક્શન કર્યું હતું. બીજા દિવસે ફિલ્મે પહેલા દિવસ કરતાં વધુ કલેક્શન કર્યું છે. સેકનિલ્કના અર્લી મીડિયા ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, ગદર 2 એ તેના બીજા દિવસે 43 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. એટલે કે બે દિવસમાં ફિલ્મે લગભગ 83 કરોડનું કલેક્શન કર્યું છે. એટલે કે વીકએન્ડમાં ફિલ્મ 100 કરોડના ક્લબમાં સામેલ થઈ જશે તેવી તમામ આશા છે.
OMG 2ના રિવ્યૂ સારા, પણ ગદર-2ની સરખામણીએ કલેક્શન ઓછું
ખૂબ સારા રિવ્યુ પછી પણ ફિલ્મ OMG 2 બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. ફિલ્મે પહેલા દિવસે 10.26 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. બીજી તરફ ફિલ્મના કલેક્શનમાં બીજા દિવસે વધારો જોવા મળ્યો છે, પરંતુ ગદર 2ની સામે ફિલ્મ નિસ્તેજ સાબિત થઈ રહી છે. સેક્નિલ્કના અર્લી મીડિયા ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, OMG 2 એ તેના બીજા દિવસે 14.50 કરોડનું કલેક્શન કર્યું છે. એટલે કે ફિલ્મનું કુલ કલેક્શન 24.76 કરોડની આસપાસ રહ્યું છે.


