ગુડ ગવર્નન્સનો પર્યાય સમા સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ પૂર્ણ, જનતાની સમસ્યાઓને ખુદ મુખ્યમંત્રી પોતે સાંભળે છે
અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ
૨૪ એપ્રિલ,૨૦૦૩ના રોજ થઇ હતી શરૂઆત
જનતાની સમસ્યાઓ અને પ્રશ્નોનો ઝડપી,સરળતાથી અને સકારાત્મક રીતે ઉકેલ આવે એ જ સુશાસનની પરિભાષા. રાજયના નાગરિકો રાજય પ્રશાસનને પોતાની સમસ્યાઓ સરળતાથી રજૂ કરી શકે તે માટે રાજયના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વાગત કાર્યક્રમ ૨૪ એપ્રિલ,૨૦૦૩માં અમલમાં મૂક્યો હતો. ગુડ ગવર્નન્સનો આ પ્રયોગે આજે એટલે કે ૨૪ એપ્રિલ,૨૦૨૩ના દિને ૨૦ વર્ષ પુર્ણ કરીને ૨૧માં વર્ષમાં સફળ પ્રવેશ કર્યો છે.
૯૧% અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો
અમદાવાદ જિલ્લા કલેક્ટરસુશ્રી પ્રવિણા ડી.કે.જણાવ્યું છે કે, અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો સ્વાગત કાર્યક્રમની શરૂઆતથી લઈ અત્યાર સુધીમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં વટવા, ઘાટલોડીયા, ધોલેરા ,સાબરમતી, બાવળા, દસક્રોઈ, સાણંદ, મણીનગર, ધોળકા, દેત્રોજ, અસારવા, વિરમગામ, ધંધુકા, માંડલ તથા વેજલપુર વિસ્તારોને આવરી લેતી કુલ ૧૮,૮૪૫ અરજીઓ મળી છે અને તે પૈકી ૧૭,૧૨૭ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. એટલેકે ૯૧% અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. આ માટે ૬,૩૩૬ અરજદારોને રૂબરૂ સાંભળવામાં આવ્યા છે. ૧,૭૧૮ અરજીઓનો એવી છે કે જેમાં નિતીવિષયક બાબતો અથવા કાયદા સંબંધી બાબતોને કારણે પડતર રહ્યા છે.
૧૦,૭૪૬ કુલ અરજીઓ પૈકી ૧૦,૭૪૦ અરજીઓનો નિકાલ
એવી જ રીતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ૧૦,૭૪૬ કુલ અરજીઓ પૈકી ૧૦,૭૪૦ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. એટલે કે લગભગ ૧૦૦%સિધ્ધી હાંસલ કરાઈ છે.આ માટે ૪,૮૩૪ અરજદારોને રૂબરૂ સાંભળવામાં આવ્યા છે.નાગરિકોના જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાના સ્થાનિક પ્રશ્નો કે ફરિયાદો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે સ્વાગત કાર્યક્રમ ગ્રામ, તાલુકા,જિલ્લા અને રાજય એમ ચાર તબક્કે કાર્યરત કરવામાં આવ્યો છે. આ તમામ પ્લેટફોર્મ પર મળેલ પ્રશ્નો કે ફરિયાદોમાં થયેલી કાર્યવાહી કે કાર્યની પ્રગતિની અદ્યતન વિગતો ઓનલાઈન જોઈ શકાય એવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.
નાગરિકોને કોઇ સરકારી સેવાને લગતી કોઇ ફરિયાદ હોય તો તે આ સ્વાગત કાર્યક્રમમાં રજૂ કરી શકે છે
સ્વાગત કાર્યક્રમ (સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રિવન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેક્નોલોજી)ને સફળતા પૂર્વક ૨૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે, ત્યારે આ કાર્યક્રમને ગ્રામ્ય સ્તરે વધુ વ્યાપક બનાવવા માટે રાજય સરકારે ઝૂંબેશ હાથ ધરી છે. નાગરિકોને કોઇ સરકારી સેવાને લગતી કોઇ ફરિયાદ હોય તો તે આ સ્વાગત કાર્યક્રમમાં રજૂ કરી શકે છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌથી મહત્વની નવતર પહેલો પૈકી એક આ સ્વાગત કાર્યક્રમ છે. જેમાં રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રીશ્રી પોતે અરજદારોને સાંભળી તેમની સમસ્યાનું નિરાકરણ કરે છે. ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગતનો પ્રારંભ તેમણે તા. ૨૪-૪-૨૦૦૩ના રોજથી કરાવ્યો હતો. જેમાં જિલ્લા કક્ષાએ પ્રતિ માસના ચોથા ગુરુવારે,તાલુકા કક્ષાએ ચોથા બુધવારે રજૂઆતકર્તાને સાંભળી તેમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે છે. જન સેવાના આ કાર્યક્રમને યુનાઇટેડ નેશન્સ દ્વારા એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.
૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસર ઉ૫ર ખાસ ઝૂંબેશ
આ કાર્યક્રમને ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસર ઉ૫ર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના કુશળ નેતૃત્વમાં સ્વાગતને ગ્રામ્ય સ્તરે વ્યાપક બનાવવા માટે ખાસ ઝૂંબેશ આદરવામાં આવી છે. સ્વાગત કાર્યક્રમ દ્વારા નાગરિકોના અટવાયેલા પ્રશ્નોનો સુખદ ઉકેલ આવી રહ્યો છે. જેને પરિણામે નાગરિકોને સાચા અર્થમાં સુશાસનની અનુભૂતિ થઈ રહી છે.અમદાવાદ જિલ્લામાં તા.૨૪ થી તા. ૨૬ એપ્રિલના રોજ તાલુકા સ્વાગત અને તા.૨૭ ના રોજ જિલ્લા અને રાજય સ્વાગત કાર્યક્રમ થકી સ્વાગત સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. અમદાવાદ જિલ્લામાં સ્વાગત કાર્યક્રમ હેઠળ યોજાનાર સ્વાગત કાર્યક્રમમાં ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ઉકેલ કરવામાં આવશે. તાલુકા કક્ષાએ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આ માટેની જવાબદારી સોંપવામાં આવી છે. ગ્રામ્ય કક્ષાએથી નિરાકરણ ના પામેલી અરજીઓને તબક્કાવાર ક્રમશઃ તાલુકા અને જિલ્લાએ લઇ જવામાં આવશે.



