ભરૂડી : ટોલનાકાના કર્મચારીઓનો યુવક પર હુમલો, વાહનમાં કરી તોડફોડ
અહેવાલ - વિશ્વાસ ભોજાણી
રાજકોટ ગોંડલ હાઇવે પર આવેલા ભરૂડી ટોલનાકે લાઈન બદલવા બાબતે થયેલી માથાકૂટ બાદ ટોલનાકાના કર્મચારીઓએ સડક પીપળીયા ગામમાં રહેતા યુવાન પર હુમલો કરી તેને માર માર્યો હતો. તેમજ વાહનમાં ધોકાના ઘા ફટકારી તોડફોડ કરી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. આ અંગે યુવાનની ફરિયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ૬ અજાણ્યા શખસો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલ તાલુકાના સડક પીપળીયા ગામે રહેતા અને મોબાઇલની દુકાન ધરાવનાર કેતન જયંતીભાઈ મકવાણા (ઉ.વ ૩૦) નામના યુવાને આ અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ૬ અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવી છે.કેતન મકવાણાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના અઢી વાગ્યા આસપાસ તે પોતાની દુકાને હતો ત્યારે તેના મોટાભાઈ રાહુલનો ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે,ભરૂડી ટોલનાકે માથાકૂટ થઈ છે તમે આવો જેથી યુવાન બાઇક લઇ તેના પિતા જયંતીભાઈને સાથે લઈ જઈ અહીં ભરૂડી ટોલનાકે પહોંચતા અહીં તેના ભાઈ રાહુલ તેના કૌટુંબિકભાઈ હિતેશ અને ચિરાગ સાથે ટોલનાકાના માણસો હાથાપાઈ કરી રહ્યા હતા. જેથી પિતા પુત્રએ વચ્ચે પડી આ લોકોને વધુ મારમાંથી બચાવ્યા હતા અને ત્યારબાદ તેઓ અહીં ટોલનાકાથી થોડી દૂર જતા રહ્યા હતા. નજીક જ સડક પીપળીયા ગામ હોય જેથી ગામના કેટલાક લોકો અહીં આવી પહોંચ્યા હતા. આ જોઈ અહીં ટોલનાકાના માણસો વધુ ઉશ્કેરાયા હતા અને ધોકા સહિતના હથિયાર સાથે આવી યુવાન પર હુમલો કરી દીધો હતો તેમજ વચ્ચે પડતા તેના પિતા તથા અન્યને પણ સામાન્ય માર માર્યો હતો. દરમિયાન આ શખસમાંથી કોઈએ યુવાનના પરિવારજનની ઇકો કાર નંબર જીજે૩ એલ.એમ ૮૫૪૮ માં પણ ધોકા ના ઘા ફટકારી કાચ તોડી નાખ્યો હતો. ત્યારબાદ હુમલામાં ઘવાયેલા યુવાનને ૧૦૮ મારફત સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
યુવાને પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, તેનો સગો ભાઈ તથા કૌટુંબિક ભાઈઓ ગઈકાલે ફટાકડા ખરીદવા માટે ઇકો ગાડીમાં જઈ રહ્યા હતા દરમિયાન ભરૂડી ટોલનાકે પહોંચતા ટોલનાકા પર લાઈન બદલવા બાબતે બોલાચાલી થયા બાદ ટોલનાકાના માણસોએ તેમની સાથે હાથાપાઈ કરી હતી. દરમિયાન યુવાન સમજાવવા જતા તેના પર હુમલો કરી વાહનમાં તોડફોડ કરી હતી. આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ ૩૨૩,૪૨૭ ,૧૧૪ અને જીપીએકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે


