ગિરનાર પર્વત પર અંધકારની સમસ્યા હલ થશે, રાજકીય આગેવાનો અને સંતો દ્વારા 11 કેવી કેબલનું ખાતમુહુર્ત કરાયું
અહેવાલ - સાગર ઠાકર
ગિરનાર પર્વત પર વારંવાર લો વોલ્ટેજની સમસ્યા હતી, અનેક વખત અઠવાડીયા સુધી વીજ પુરવઠો ખોરવાઈ જતો હતો પરંતુ હવે આ સમસ્યાનો અંત આવવા જઈ રહ્યો છે. કારણ કે, ગિરનારની તળેટીથી અંબાજી મંદિર સુધી 11 કેવી વીજ કેબલ નાખવામાં આવનાર છે. અંદાજે 7.91 કરેડના ખર્ચે ચાર મહિનામાં પીજીવીસીએલ દ્વારા આ કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. આ કામગીરીનું ગિરનારના 50 પગથિયે ખાતમુહુર્ત કરવામાં આવ્યું. જેમાં સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજય કોરડીયા, મેયર ગીતાબેન પરમાર, જીલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયા સહીતના અધિકારીઓ અને પદાધિકારીઓ તથા રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિધિ વિધાન પૂર્વક પૂજન અર્ચન બાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
ગિરનાર પર્વત પર ઘણી વખત એક અઠવાડીયા સુધી વીજ પુરવઠો ખોરવાઈ જતો હતો. મંદિરોમાં અંધારામાં આરતી કરવી પડતી હતી, પાણી હોવા છતાં વીજ પુરવઠો નહીં હોવાને કારણે પાણીની સમસ્યા રહેતી હતી. જેને લઈને સાધુ સંતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ગિરનાર પર્વત પર પવનની ગતિ, વાતાવરણની અનિયમિતતા, જંગલ વિસ્તાર વગેરે અનેક કારણોથી વીજ પુરવઠો જાળવવો પીજીવીસીએલ માટે પણ પડકારરૂપ છે. હાલ ગિરનાર પર્વત પર એલટી એટલે કે લો ટેન્શન લાઈનથી વીજ પુરવઠો પુરો પાડવામાં આવે છે જેમાં લો વોલ્ટેજની સમસ્યા છે અને વાતાવરણના કારણે ક્યારેક કોઈ ફોલ્ટ આવે તો તેની મરામત કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને મંદિરમાં અંધારા થઈ જાય છે.
સાધુસંતોની અનેક રજૂઆતો બાદ ગિરનાર પર્વત પર 11 કેવી લાઈન નાખવા માટેની પ્રક્રિયા 2019 માં શરૂ થઈ અને વન વિભાગની મંજૂરી બાદ સરકાર દ્વારા ગિરનાર પરની હાલની લો ટેન્શન લાઈનને 11 કેવી માં પરિવર્તિત કરવા તથા 6 ટ્રાન્સ્ફોર્મર સેન્ટર ઉભા કરવા ડી.આઈ.એસ.એસ. યોજના અંતર્ગત રૂપિયા 7.91 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવતાં હવે તેના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે.
આ કામના ટેન્ડરો થઈ ગયા છે, વર્ક ઓર્ડર પણ નીકળી ગયા છે તેથી ટુંક સમયમાં તેની કામગીરી પણ શરૂ થઈ જશે અને આગામી ચાર મહિનામાં આ કામગીરૂ પૂર્ણ થવાનો પીજીવીસીએલનો લક્ષ્યાંક છે. આ કામગીરી પૂર્ણ થતાં ગિરનાર પર્વત પરના 50 જેટલા વીજ જોડાણોને નિયમિત પુરા વોલ્ટેજ સાથેનો વીજ પુરવઠો ઉપલબ્ધ થશે જેથી મંદિરોમાં હવે અંધારા નહી રહે અને આવનાર ભાવિકોની સુવિધા પણ જળવાઈ રહેશે.
આ પણ વાંચો -- BHAVNAGAR : શહેરના મહિલા બાગની હાલત બિસ્માર, બાગને રીડેવલોપ કરવામાં આવે તેવી માંગ ઉઠી


