શું તમે જાણો છો ગુજરાતનો ઘેડ પ્રદેશ દર ચોમાસામાં શા માટે ડૂબી જાય છે ?
ગુજરાતના સૌરાષ્ટ્રમાં એક એવો વિસ્તાર છે, જે દર વર્ષે ચોમાસા દરમિયાન પાણીમાં ગરકાવ થઈ જાય છે. જેમ કચ્છનું રણ બીજા રણોથી નિરાળું છે તેમ ઘેડ પ્રદેશ સૌરાષ્ટ્રના બાકીના પ્રદેશથી નિરાળો છે.
ઘેડ પ્રદેશનો ઉલ્લેખ ઇતિહાસમાં 13મી સદીમાં થયો હોવાનું જણાય છે. આ વિસ્તારમાં રહેતા લોકો છેલ્લાં ઘણાં વર્ષોથી ચોમાસા દરમિયાન વિકટ પરિસ્થિતિનો સામનો કરે છે. અહીં વસતા લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે અને મોટા ભાગના લોકો ઘેડ પ્રદેશમાંથી પસાર થતી ભાદર અને તેની સહાયક નદીઓ પાસે પોતાનાં ખેતરો ધરાવે છે. આ વિસ્તાર નવલખા ઘેડ તરીકે પણ જાણીતો છે. ઘેડમાં ભાદર, છેલ, ઓઝત, મધુવંતી, મેધલ, ઉબેણ, કાલુન્દ્રી અને ઝાંજેસરી જેવી નદીઓ આવેલી છે.
ઘેડ પંથકમાં 107 જેટલાં ગામડાં આવેલાં છે. એ બધાં ઊંચા ખડકાળ ટીંબા ઉપર વસ્યા હોવાથી નદીઓમાં પુર આવે ત્યારે એ બેટ બની જાવે છે. આમ છતાં ઉનાળામાં ગરમ પવન વાય ને ધૂળની ડમરીઓ ઉડે. પીવાનું પાણી ભરવા માટે દૂર દૂર સુધી બાઈઓને રખડવું પડે છે એટલે તો એના માટે ઉક્તિ કહેવાય છે.
ફળદ્રુપ ધરતીના કારણે ઘેડ પ્રદેશ સમૃદ્ધ ગણાય છે. કુતિયાણાથી પોરબંદર જતાં દક્ષિણે ઘેડ પંથકનો પ્રારંભ થાય છે. માધવપુરમાં વહેતી છેલ નદી મહિયારીથી આગળ વધી બાંટવાના સિમાડે થઈ બગસરા પહોંચે છે. ત્યાં બીજી નદીઓ મળે છે. એ વિસ્તાર મોટા ઘેડના નામે ઓળખાય છે.
ચોમાસાની ઋતુમાં આ પ્રદેશમાં શ્રાવણ માસ અર્ધો ઉતરે ન ઉતરે ત્યાં સુધી પાણી ભરાયેલાં રહે છે. નવા બંદર પાસે ભાદર નદી સમુદ્રને મળે છે. ત્યાંનું બારું જો ન ખૂલે તો જન્માષ્ટમી સુધી ઘેડના ખેડૂતો ઘેર જ રહે છે. પાણી ઉતરે ને વરાપ થાય પછી વણ (કપાસ) પગુંધળી, જુવાર કે ચણા વાવે છે. તે પાકે ત્યાં સુધી માત્ર ધ્યાન જ રાખવાનું. ખડ કે નીંદણ કંઈ કરવાનું નહીં એટલે લોકકવિ કહે છે.
આ પણ વાંચો : જૂનાગઢ ઘેડ પંથક જળબંબાકાર, સાંસદ JCB માં સવાર થઈ સ્થિતિની સમીક્ષા કરવા પહોંચ્યા, Video




