GODHRA : આંગળીયા ગામમાં પેટા આરોગ્ય કેન્દ્ર માગણી મુદ્દે ગ્રામજનો મક્કમ બન્યા
ગોધરા તાલુકામાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા આંગળીયા ગામના રહીશો વર્ષોથી પેટા આરોગ્ય કેન્દ્રની માંગણી કરી રહ્યા છે. વર્ષ 2016 થી આંગળીયા ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરી ગામમાં જ આરોગ્ય સેવા માટે પેટા કેન્દ્રની ફાળવણી કરવાની રજુઆત કરી છે. પરંતુ રજુઆત કર્યા...
Advertisement
ગોધરા તાલુકામાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા આંગળીયા ગામના રહીશો વર્ષોથી પેટા આરોગ્ય કેન્દ્રની માંગણી કરી રહ્યા છે. વર્ષ 2016 થી આંગળીયા ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરી ગામમાં જ આરોગ્ય સેવા માટે પેટા કેન્દ્રની ફાળવણી કરવાની રજુઆત કરી છે. પરંતુ રજુઆત કર્યા બાદ પણ આજદિન સુધી ગ્રામ જનોની માંગણી પૂર્ણ નહિ થતાં હવે આગામી ચૂંટણીમાં સામુહિક મતદાન બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ ગામનો જે આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્રમાં સમાવેશ કરાયો છે જે દૂર અને અવર જવરની યોગ્ય સુવિદ્યા વિહોણા હોવાથી નાછૂટકે જરૂરીયાતમંદો ખાનગી દવાખાનાનો સહારો લેવા મજબુર બની રહ્યા છે.
આંગળીયા ગામ અંદાજીત ચાર હજારથી વધુ વસ્તી ધરાવે છે
ગોધરા તાલુકામાં આવેલું આંગળીયા ગામ અંદાજીત ચાર હજારથી વધુ વસ્તી ધરાવે છે. અહીંય મોટા ભાગે શ્રમજીવી પરિવારો વસવાટ કરે છે. છુટા છવાયા મકાન ધરાવતાં આ ગામમાં વસ્તીના ધોરણે આજદિન સુધી પેટા આરોગ્ય કેન્દ્રની ફાળવણી કરવામાં આવી નથી. જેના કારણે ગામના લોકોનો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ આંગળીયા ગામનું જોડાણ ભામૈયા આરોગ્ય કેન્દ્રમાં છે જે અંદાજીત આંગળીયા ગામથી વીસ કિલોમીટર દૂર છે વળી અવર જવર માટે સાધન સુવિધાની અગવડતાનો સામનો કરવો પડતો હોય છે.

જયારે પેટા આરોગ્ય કેન્દ્ર પાંચ કિલોમીટર દૂર આવેલા સાંકલીઆંટા ગામમાં આવેલું છે જ્યાં પણ આરોગ્ય નો સ્ટાફ સીમિત સંખ્યામાં છે સાથે આ ગામ પણ ત્રણ હજાર થી વધુ વસ્તી ધરાવે છે જેથી સ્ટાફ ને પણ એક સાથે બંને ગામમાં આરોગ્યલક્ષી સેવા પૂરી પાડવા માં તકલીફ પડતી હોય છે. આ સમગ્ર બાબતને ધ્યાનમાં લઈને ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ દ્વારા વર્ષ 2016 માં ગ્રામ સભામાં ઠરાવ કરી સરકારના સંલગ્ન વિભાગ સુધી પેટા આરોગ્ય કેન્દ્ર ફાળવવા માંગણી કરવામાં આવી હતી તેમ છતાં આજદિન સુધી આ બાબતને ધ્યાનમાં લેવામાં નહિં આવતાં ગ્રામજનો હવે પોતાની માંગણી મુદ્દે મક્કમ બન્યા છે અને પેટા આરોગ્ય કેન્દ્ર નહિં તો મતદાન નહિ એવી ચીમકી ઉચ્ચારી રહ્યા છે.
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ


