North Korea : દક્ષિણ કોરિયાનું ડ્રામા જોવા બદલ 30 કિશોરોને ગોળી મારી
North Korea : ઉત્તર કોરિયા (North Korea) ના તાનાશાહ કિમ જોંગ ઉને વિશ્વને ચોંકાવી દીધું છે. ઉત્તર કોરિયાની સરકારે દક્ષિણ કોરિયાનું ડ્રામા જોવા બદલ પોતાના જ દેશના 30 કિશોરોને મોતની સજા ફટકારી છે. કિમ જોંગ ઉનની આગેવાની હેઠળની ઉત્તર કોરિયાની સરકારે દક્ષિણ કોરિયાના નાટકો અને ફિલ્મો જોવા પર પ્રતિબંધ મૂક્યો છે. દક્ષિણ કોરિયન નાટકો જોવાના આરોપ બાદ ગયા અઠવાડિયે લગભગ 30 શાળાના વિદ્યાર્થીઓને ગોળી મારી દેવામાં આવી હતી. આ તમામની ઉંમર 19 વર્ષથી ઓછી હતી.
વર્ષની શરૂઆતમાં કિમ જોન ઉને ખુલ્લેઆમ દક્ષિણ કોરિયાને પોતાના દેશનો સૌથી મોટો દુશ્મન જાહેર કર્યો હતો
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને ભુતકાળમાં એવા ઘણા ફતવા જારી કરેલા છે જેની સમગ્ર વિશ્વમાં ટીકા થઇ હતી. હવે ફરી એક કિમ જોંગ ઉને પોતાની કૃરતાભર્યો નિર્ણય કર્યો છે. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે ઘણા દાયકાઓથી તણાવ ચાલી રહ્યો છે. આ વર્ષની શરૂઆતમાં કિમ જોન ઉને ખુલ્લેઆમ દક્ષિણ કોરિયાને પોતાના દેશનો સૌથી મોટો દુશ્મન જાહેર કર્યો હતો. આ દુશ્મનાવટ માત્ર સરકારો કે સેના પુરતી મર્યાદિત નથી.
મિડલ સ્કૂલના 30 વિદ્યાર્થીઓના મોત
ટેલિવિઝન શો સહિત ઉત્તર કોરિયામાં દક્ષિણ કોરિયન મનોરંજન સામગ્રી જોવી ગેરકાયદેસર છે. 'કે-નાટકો' ઉત્તર કોરિયામાં પ્રસારિત થઈ શકતા નથી પરંતુ અત્યંત લોકપ્રિય છે. મનોરંજન સામગ્રી પેન ડ્રાઈવ દ્વારા ગેરકાયદેસર રીતે ઉત્તર કોરિયા પહોંચે છે અને છૂપી રીતે જોવામાં આવે છે. આવા જ એક કેસમાં મિડલ સ્કૂલના 30 વિદ્યાર્થીઓના મોત થયા છે.
મૃત્યુદંડની કોઈ સ્વતંત્ર પુષ્ટિ નથી
અહેવાલ મુજબ, 30 કિશોરોને સજા કરવામાં આવી હોવાના દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી. દક્ષિણ કોરિયાના અધિકારીઓએ પણ આ દાવાઓ પર કોઈ ટિપ્પણી કરી નથી. કોરિયા જોંગઆંગ ડેલીએ દક્ષિણ કોરિયાના એકીકરણ મંત્રાલયના એક અધિકારીને ટાંકીને કહ્યું કે તે કોઈ રહસ્ય નથી કે ઉત્તર કોરિયાના સત્તાવાળાઓ નિવાસીઓ પર સખત નિયંત્રણ કરે છે અને આવા કિસ્સાઓમાં સખત સજા કરે છે. ઉત્તર કોરિયાનો કાયદો દક્ષિણ કોરિયા, અમેરિકા અને જાપાનમાં ઉત્પાદિત મનોરંજન સામગ્રી પર પ્રતિબંધ મૂકે છે અને તેને જોવા અને ફેલાવવા માટે સખત સજાની જોગવાઈ કરે છે.
ભુતકાળમાં પણ આવા બનાવો બન્યા છે
ઉત્તર કોરિયામાં 30 કોરિયન કિશોરોની હત્યા કરાઇ હોવાના અહેવાલોની પુષ્ટિ થઈ શકી નથી પરંતુ ત્યાં આશ્ચર્યજનક નથી. કિમ જોંગ ઉનના દેશમાંથી દક્ષિણ કોરિયન કન્ટેન્ટ જોવા માટે ભૂતકાળમાં પણ આવી જ સજા આપવામાં આવી હોવાના અહેવાલો છે. 2022 માં યુએન સેક્રેટરી જનરલ દ્વારા એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ઉત્તર કોરિયાના કાંગવોન પ્રાંતમાં એક વ્યક્તિને જાહેર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો કારણ કે તે દક્ષિણ કોરિયન ડિજિટલ સામગ્રી વેચતો હતો.
આ પણ વાંચો----- Doug Mills : જેણે કેમેરામાં કેદ કરી ટ્રમ્પ પર છોડાયેલી ગોળી..!