51
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષામાં 933 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જેમાં ઈશિતા કિશોર ટોપર બની છે. યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષામાં આ વખતે ટોપ ફોરમાં છોકરીઓનું વર્ચસ્વ રહ્યું છે. આ પરીક્ષા પાસ કરનારા આવા અનેક યુવક-યુવતીઓની કહાની સામે આવી છે, જેના પર તેઓ ગર્વ અનુભવે છે. આ વખતે આ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોમાંથી એક દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ રામ ભજન કુમાર છે. તેણે 2022ની UPSC પરીક્ષામાં 667મો રેન્ક મેળવ્યો છે.
રામ ભજન રાજસ્થાનના એક મજૂરનો પુત્ર
સામાન્ય પરિવાર સાથે સંકળાયેલા 34 વર્ષીય રામ ભજન રાજસ્થાનના એક મજૂરનો પુત્ર છે. ઘણા પડકારોનો સામનો કરવા છતાં, તેણે આખરે તેના 8મા પ્રયાસમાં આ પ્રતિષ્ઠિત પરીક્ષામાં પ્રવેશ કર્યો. રામ ભજનની સફળતાની યાત્રા નિશ્ચય અને દૃઢતાની પ્રેરણાદાયી વાર્તા છે. મર્યાદિત સંસાધનો ધરાવતા પરિવારમાંથી આવતા, રામ ભજનને પોલીસ અધિકારી બનવાના માર્ગમાં અનેક અવરોધોનો સામનો કરવો પડ્યો. જો કે, તેનો અતૂટ નિશ્ચય અને સમર્પણ હતો જેણે તેને UPSC પરીક્ષા પાસ કરવામાં મદદ કરી.
શાળાના સમયમાં રામ ભજન મજૂરી કરતો
તેમના પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે તેના માતા-પિતા સાથે રામ ભજન પણ તેમના શાળાના સમય દરમિયાન મજૂર તરીકે કામ કરતો હતો. રાજસ્થાનના દૌસા જિલ્લાના એક નાનકડા ગામ બાપીના રહેવાસી રામ ભજને જણાવ્યું હતું કે તેના માતા-પિતા મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેણે પ્રારંભિક શિક્ષણ ગામની એક સરકારી શાળામાંથી મેળવ્યું. 12મું પાસ કર્યા પછી તે દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે પસંદગી પામ્યો. પોલીસ સેવાની સાથે, રાજસ્થાન યુનિવર્સિટીમાંથી સ્નાતક અને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. વર્ષ 2012 માં હિન્દીમાં NET/JRF ક્વોલિફાઇ કર્યું. તેણે અંજલિ કુમારી સાથે લગ્ન કર્યાં. પોતાના સિનિયર્સથી પ્રેરિત થઈને તેણે 2015માં સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરી. તેણે આ માટે કોચિંગ લીધું અને સ્વ-અભ્યાસ દ્વારા તૈયારી ચાલુ રાખી.
2018માં પ્રથમ વખત યુપીએસસી મેન્સ પરીક્ષા આપી
વર્ષ 2018 માં, રામ ભજને પ્રથમ વખત UPSC મુખ્ય પરીક્ષા આપી, પરંતુ ઇન્ટરવ્યુ માટે લાયક ન બની શક્યો. ત્યાર બાદ મહેનત અને સમર્પણને કારણે, આખરે 2022ની સિવિલ સર્વિસ પરીક્ષામાં 667મો રેન્ક મેળવવામાં સફળ રહ્યો.પોલીસમાં પડકારરૂપ ફરજો નિભાવતી વખતે તેણે શિસ્ત સાથે દરરોજ 7-8 કલાક અભ્યાસ કર્યો અને તેની પત્ની અને માતાની મદદથી તેની પારિવારિક જવાબદારીઓ પણ નિભાવી.”
રામ ભજને ઇન્ટરવ્યુની તૈયારી કેવી રીતે કરી?
રામ ભજને પરીક્ષા પહેલાં તૈયારી માટે એક મહિનાની રજા પણ લીધી હતી અને મુખર્જી નગરમાંથી અભ્યાસ સામગ્રી ખરીદી હતી. ફિરોઝ આલમ નામના દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ 2019માં UPSC પરીક્ષા પાસ કર્યા પછી એસીપી બન્યા હતા. ફિરોજ આલમે ઉમેદવારો માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું, જ્યાં તેઓ ટીપ્સ શેર કરતા હતા અને ઉમેદવારોને પ્રોત્સાહિત કરતા હતા. તેમણે રામ ભજનને ઇન્ટરવ્યુ માટે પણ તૈયાર કર્યો હતો.