ગોધરા તાલુકાના નદીસર ગામે ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર મામલે તલાટીની ધરપકડ
અહેવાલઃ નામદેવ પાટીલ, પંચમહાલ
ગોધરા તાલુકાના નદીસર ગ્રામ પંચાયતમાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે નોંધાયેલી ફરિયાદ મામલે પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા તલાટી ભુપેન્દ્ર બારીયાની તેમના નિવાસ સ્થાનેથી મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા તલાટી ભુપેન્દ્ર બારીયા ની વધુ તપાસ કરવા માટે તપાસ અધિકારી દ્વારા તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ આ ગુનામાં સંડોવાયેલા અન્ય 11 આરોપીઓને પણ ઝડપી પાડવા માટે તપાસ સઘન બનાવવામાં આવી છે.
નદીસર ગ્રામ પંચાયતમાં વર્ષ 2015 થી 2020 સુધીમાં કરવામાં આવેલા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું પંચમહાલ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારીની તપાસમાં સામે આવ્યા બાદ ગોધરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા કાકણપુર પોલીસ મથકે બે પદાધિકારીઓ તેમજ દસ કર્મચારીઓ મળી કુલ 12 આરોપીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે મામલે ગોધરાના ડીવાયએસપી તપાસ કરતા હોય તેવો દ્વારા ફરિયાદ નોંધાયાના લાંબા સમય બાદ પણ એક પણ આરોપીની ધરપકડ કરવામાં ન આવતા પંચમહાલ જિલ્લા પોલીસ વડાની સૂચનાના આધારે પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા આરોપી ભુપેન્દ્ર કાંતિભાઈ બારીયા કે જેવો તલાટી તરીકે ફરજ બજાવે છે અને નદીસર ગ્રામ પંચાયતમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતેની નોંધાયેલી ફરિયાદમાં આરોપી છે તેમની તેમના નિવાસ્થાન શહેરા તાલુકાના વાઘજીપુર ગામેથી મોડી રાત્રે અટકાયત કરવામાં આવી હતી. ધરપકડ કરવામાં આવેલા આરોપી ભુપેન્દ્ર બારીયા ની વધુ પૂછપરછ તેમજ તપાસ કરવા માટે તપાસ અધિકારી દ્વારા તેઓને કોર્ટમાં રજૂ કરીને તેઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ આ ફોટામાં સંડોવાયેલા નાયબ કાર્યપાલક ઇજનેર અધિક મદદનીશ ઇજનેર સહિતના અન્ય સરકારી કર્મચારીઓ તેમજ બે પદાધિકારીઓની પણ ધરપકડ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખની એ છે કે નદીસર ગ્રામપંચાયત દ્વારા વર્ષ 2015 થી 2020 સુધી 14 માં નાણાપંચ અને 15 માં નાણાપંચમાં કરવામાં આવેલા કુલ 33 કામો પૈકી 19 કામો સ્થળ પર ન કરી માત્ર કાગળ પર કામો બતાવી રૂ. 48,19,661/- નું ચુકવણું કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. ગોધરા તાલુકા પંચાયત ના તાલુકા વિકાસ અધિકારી દ્વારા કાકણપુર પોલીસ મથકે તમામ 12 જેટલા જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીસે આઈપીસી 409, 114 તેમજ એન્ટી કરપ્શનની પણ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
નદીસરમાં થયેલ 48.19 લાખના ઉચાપતમાં આરોપીઓના નામ
ડાહ્યાભાઇ રેખાબેન પરમાર, સરપંચ (વર્ષ 2015-16)
રેખાબેન વિજયભાઇ માછી, સરપંચ વર્ષ (2016થી 2022)
આર.એમ.બારીયા ,તલાટી (વર્ષ 2013-2016 )
બી.કે.બારીયા, તલાટી (ધરપકડ થઈ છે તે) (વર્ષ 2016થી 2018)
પી.વી.પારેખ, તલાટી (વર્ષ 2018 થી 2019)
એ.પી.મછાર, તલાટી ( વર્ષ 2019 થી 2020)
સી.વી.સુથાર, અ.મ.ઇ (વર્ષ 2011 થી 2017)
કે.એસ.પટેલ,અ.મ.ઇ (વર્ષ 2017ના 6 માસ સુધી)
ધીરેન્દ્રસિંહ રાઠોડ ,અ.મ.ઇ (વર્ષ 2018ના એક માસ સુધી
એ.જી.ધીંગા, અ.મ.ઇ (વર્ષ 2017થી 2021)
એ. એ. નાથાણી, ના.કા.ઇ (વર્ષ 2015થી 2019)
એચ કે ખાતુડા,અ.મ.ઇ (વર્ષ 2019 થી 2020 )



