Gujarat Weather: રાજ્યના હવામાનમાં મોટો ફેરફાર, જાણો ક્યા પડી રહ્યો છે વરસાદ
- Gujarat Weather: ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઇ
- ભર શિયાળે માવઠું થતા ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા
- કમોસમી વરસાદને પગલે જગતના તાતની ચિંતામાં વધારો થયો
Gujarat Weather: ગુજરાતમાં માંડ માંડ શિયાળો જામી રહ્યો હતો ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ગુજરાતના હવામાનમાં મોટો બદલાવ આવશે અને બે દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતના હવામાનના અમદાવાદ કેન્દ્રએ આગાહી આપી છે. જેમાં તેમણે ઠંડી અને વરસાદ અંગેની આગાહી આપી છે. ત્યારે આજે પોરબંદરમાં ભર શિયાળામાં કમોસમી વરસાદ શરૂ થયો છે. તથા શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ભર શિયાળે માવઠું થતા ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા છે.
દ્વારકા જિલ્લામાં ભરશિયાળે કમોસમી વરસાદ શરૂ થયો છે
દ્વારકા જિલ્લામાં ભરશિયાળે કમોસમી વરસાદ શરૂ થયો છે. જેમાં ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ છે. શિયાળાની ઠંડી વચ્ચે ચોમાસા જેવી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે કમોસમી વરસાદને પગલે જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. રવિ પાક સહિત જીરું તેમજ અન્ય પાકને નુકસાનની ભીતિ છે.
Gujarat Weather: નવા વર્ષની ઉજવણી કરવાની તૈયારી કરી રહેલા લોકો માટે ચેતવણી
હવામાન વિભાગે નવા વર્ષની ઉજવણી કરવાની તૈયારી કરી રહેલા લોકો માટે ચેતવણી આપી છે. જો તમે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ, 31 ડિસેમ્બરે અથવા નવા વર્ષની પૂર્વ સંધ્યાએ, 1 જાન્યુઆરીએ તમારા ઘરની બહાર નીકળવાનું આયોજન કરી રહ્યા છો, તો સાવચેત રહો. હવામાન વિભાગે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી આપી છે. આ સાથે તાપમાન પણ નીચે જશે તે અંગેનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે.
આગામી 48 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં
હવામાન વિભાગે તાપમાન અંગેની આપેલી માહિતી પ્રમાણે, આગામી 48 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. આગામી બે દિવસ માટે બેથી ત્રણ સેલ્સિયસ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. ત્યારબાદ ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. આ સાથે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, પાટણ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો: Gujarat: વડોદરાની MS યુનિવર્સિટીએ નવી પહેલ શરૂ કરી, કોર્સને વિદ્યાર્થીઓએ આવકાર્યો


