Organic Farming : અંજારનાં ખેડૂતની ઓર્ગેનિક સફળતા! જમીનની ઉપજાઉશક્તિ જાળવી, ઓર્ગેનિક તેલનું ઉત્પાદન કર્યું
- Kutch નાં અંજારનાં ચંદિયા ગામનાં ખેડૂતની ઓર્ગેનિક સફળતા (Organic Farming)
- વલમજી સોરઠીયા ઓર્ગેનિક ખેતીનાં આદર્શ
- રાસાયણિક છોડી કુદરતી ખેતી અપનાવી
- વૈવિધ્યસભર પાકોથી જમીનની ઉપજાઉશક્તિ જાળવી
Kutch : અંજાર તાલુકાના (Anjar) ચંદિયા ગામના પ્રગતિશીલ ખેડૂત વલમજી મેઘજીભાઈ સોરઠીયા છેલ્લા ઘણા વર્ષોથી ઓર્ગેનિક ખેતી (Organic Farming) ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરી રહ્યા છે. વર્ષ 2013 થી ખેતી વ્યવસાય સાથે જોડાયેલા સોરઠીયાએ પરંપરાગત રાસાયણિક ખેતીથી (Chemical Farming) દૂર રહી કુદરત સાથે સુસંગત એવી સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિ અપનાવી છે, જે આજના સમયમાં અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે.
વાડીમાં Organic Farming થી વિવિધ પાકોનું વૈવિધ્યસભર વાવેતર કર્યું
વલમજીભાઈ પોતાની વાડીમાં વિવિધ પ્રકારનાં પાકોનું વૈવિધ્યસભર વાવેતર કરે છે, જેમાં ટામેટા, ફૂલાવર, કોબી, ધાણા, મેથી જેવા શાકભાજી પાકો ઉપરાંત જામફળ, ચીકુ, નાળિયેર, કેરી, ખારેક જેવા ફળ પાકો પણ સમાવેશ થાય છે. સાથે-સાથે મગફળી, ગુંદાકઠોળ, ગઉં, મગ અને બાજરી જેવા અનાજ તથા કઠોળ પાકોનું પણ નિયમિત વાવેતર કરે છે. આ રીતે એક જ વાડીમાં અનેક પ્રકારનાં પાક ઉગાડી તેઓ જમીનની ઉપજક્ષમતા જાળવી રાખે છે.
મગફળી મિલમાં મૂકી શુદ્ધ ઓર્ગેનિક તેલનું ઉત્પાદન કરે છે
ખાસ નોંધપાત્ર બાબત એ છે કે વલમજીભાઈ માત્ર ખેતી પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ મગફળીનું પ્રોસેસિંગ કરીને મૂલ્યવર્ધન પણ કરે છે. તેઓ પોતાની ઉપજેલી મગફળી મીલમાં મૂકી શુદ્ધ ઓર્ગેનિક તેલનું ઉત્પાદન કરે છે અને તેલ બાદ બચતા ખોળનો ઉપયોગ પશુપાલન તથા ખેતી માટે કરે છે, જેથી આવકના વધારાના સ્ત્રોતો ઊભા થયા છે. સરકારનાં (Gujarat Government) માર્ગદર્શન અને સહયોગથી તેઓ બીજામૃત અને જીવામૃત જેવી કુદરતી ખાતર પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. ઉપરાંત, ગોબર ગેસ પ્લાન્ટ (Gobar Gas Plant) મારફતે ઊર્જા તથા ખાતર બંનેનો ઉપયોગ કરીને ખર્ચ ઘટાડીને પર્યાવરણને અનુકૂળ ખેતી કરી રહ્યા છે. આ પદ્ધતિથી જમીનની ફળદ્રુપતા વધે છે અને પાક સ્વસ્થ તથા ગુણવત્તાયુક્ત મળે છે.
આ પણ વાંચો - Gandhinagar : લીંબડીયામાં અર્જુનજી ઠાકોરની સફળતા, પ્રાકૃતિક ખેતીથી ઓછા ખર્ચે મબલખ પાક ઊભો કર્યો!
Organic Farming થી પ્રગતિશીલ, આદર્શ ખેડૂત તરીકે ઓળખાયા
ઓર્ગેનિક ખેતી (Organic Farming), પ્રોસેસિંગ અને સ્વાવલંબનના મોડેલ સાથે વલમજી મેઘજીભાઈ સોરઠીયા (Valamji Meghjibhai Sorathia) આજે માત્ર ચંદિયા ગામ નહીં પરંતુ સમગ્ર અંજાર તાલુકામાં પ્રગતિશીલ અને આદર્શ ખેડૂત તરીકે ઓળખાઈ રહ્યા છે. તેમની સફળતા બતાવે છે કે જો સાચી દિશા, મહેનત અને કુદરત પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવીએ તો ખેતી પણ નફાકારક અને ટકાઉ બની શકે છે.
આ પણ વાંચો - Bhavnagar: પાલીતાણા તાલુકાના ખેડૂતે રાસણીક ખેતી છોડી પ્રાકૃતિક ખેતીથી કરી કમાણી


