ICC T20 ranking : ICCની T20 રેન્કિંગમાં મોટો ફેરફાર, અભિષેક શર્મા બન્યો નંબર-1
- ICCની T20 રેકિંગમાં ભારતીય ટીમનું દમદાર પ્રદર્શન (ICC T20 ranking)
- અભિષેક શર્માએ બેટિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યુ
- એશિયા કપમાં તેની શાનદાર ફોર્મનું આ પરિણામ
- ઇન્ડિયાની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી
ICC T20 ranking : એશિયા કપમાં ખેલાડીઓના દમદાર પ્રદર્શન બાદ ICCની તાજી T20I રેન્કિંગમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ભારતીય ટીમના યુવા અને વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્માએ પોતાના ક્રિકેટ કરિયરની સર્વશ્રેષ્ઠ 907 રેટિંગ સાથે બેટિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. એશિયા કપમાં તેની શાનદાર ફોર્મનું આ પરિણામ છે.
અભિષેક શર્માનું ધમાકેદાર પ્રદર્શન
અભિષેક શર્માએ એશિયા કપમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. પાકિસ્તાન સામેની મેચમાં તેણે માત્ર 39 બોલમાં 74 રનની આક્રમક અર્ધશતકીય ઈનિંગ રમી, જેણે ટીમ ઇન્ડિયાની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તે અત્યાર સુધી 216.39ના શાનદાર સ્ટ્રાઈક રેટથી 132 રન બનાવી ચૂક્યો છે. પાવરપ્લેમાં તેની ઝડપી બેટિંગથી વિરોધી ટીમના બોલરોને ઘણી મુશ્કેલી પડી છે.
બોલર્સની રેન્કિંગમાં પણ ઉછાળ (ICC T20 ranking)
બોલર્સની રેન્કિંગમાં પણ ઘણા ખેલાડીઓએ પોતાનું સ્થાન સુધાર્યું છે. ભારતના સ્પિનર વરુણ ચક્રવર્તી 747 રેટિંગ પોઈન્ટ્સ સાથે ટોચ પર યથાવત્ છે. જ્યારે, પાકિસ્તાનનો સ્પિનર અબરાર અહમદ 12 સ્થાનનો ઉછાળો લઈને ચોથા નંબરનો બોલર બની ગયો છે. શ્રીલંકા સામેના તેના પ્રદર્શને આમાં મુખ્ય ભૂમિકા ભજવી. આ ઉપરાંત, બાંગ્લાદેશનો ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાન પણ ટોપ-10માં પાછો ફર્યો છે અને નવમા સ્થાને પહોંચ્યો છે.
અન્ય ખેલાડીઓને પણ ફાયદો (ICC T20 ranking)
અબરાર અને મુસ્તફિઝુર સિવાય પણ કેટલાક ખેલાડીઓની રેન્કિંગ સુધરી છે. બાંગ્લાદેશનો મહેદી હસન ત્રણ સ્થાન ઉપર ચડીને 17મા ક્રમે આવ્યો છે. ભારતના કુલદીપ યાદવ અને પાકિસ્તાનના શાહીન આફ્રિદીએ પણ બે-બે સ્થાનનો સુધારો કરીને અનુક્રમે 21મું અને 25મું સ્થાન મેળવ્યું છે. પાકિસ્તાનના ઝડપી બોલર હારિસ રઉફ પણ એશિયા કપમાં 6 વિકેટ લઈને નવ સ્થાનનો ઉછાળો મારીને 28મા નંબરે પહોંચ્યો છે.
આ પણ વાંચો : 14 વર્ષના Vaibhav Suryavanshi સામે ઓસ્ટ્રેલિયન બોલરો ઘૂંટણીયે, ફટકાર્યા 11 ચોગ્ગા-છગ્ગા