Asia Cup 2025 : મેદાન પર જ નહીં, કોમેન્ટ્રી બોક્સમાં પણ જોવા મળશે ભારત-પાક "જંગ"!
- Asia Cup 2025 : મેદાનની સાથે સાથે કોમેન્ટ્રી બોક્સમાં પણ થશે ભારત-પાકિસ્તીનની જંગ
- Sony Sports ની બહુભાષી કોમેન્ટ્રી પેનલ જાહેર
- તમિલ-તેલુગુ ભાષામાં પણ ક્રિકેટની કોમેન્ટ્રી સાંભળવા મળશે
Asia Cup 2025 : એશિયા કપ 2025નો પ્રારંભ આજથી થઈ રહ્યો છે, અને ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહ ચરમસીમાએ છે. આ વખતે ટૂર્નામેન્ટનો રોમાંચ માત્ર મેદાનની અંદર જ નહીં, પરંતુ કોમેન્ટ્રી બોક્સમાં પણ જોવા મળશે. Sony Sports Network એ એક ખાસ અને બહુભાષી કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરી છે, જેમાં ભારત અને પાકિસ્તાન સહિત વિશ્વના ઘણા દેશોના દિગ્ગજ ક્રિકેટરો અને નિષ્ણાતો પોતાનો અવાજ આપશે. આ પેનલની રચના એવી રીતે કરવામાં આવી છે કે તે દરેક ભાષાના અને દરેક વર્ગના ક્રિકેટ ચાહકોને આકર્ષી શકે.
ઈન્ટરનેશનલ કક્ષાની અંગ્રેજી કોમેન્ટ્રી પેનલ
અંગ્રેજી કોમેન્ટ્રી પેનલમાં ઘણા મોટા આંતરરાષ્ટ્રીય નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત તરફથી, અનુભવી બેટ્સમેન અને વિશ્લેષક સુનીલ ગાવસ્કર, આધુનિક ક્રિકેટના જાણકાર દિનેશ કાર્તિક, અવાજના જાદુગર હર્ષા ભોગલે, બેટિંગ ઓલરાઉન્ડર રોબિન ઉથપ્પા, અને ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રી પોતાની ઊંડી સમજ અને વાર્તા કહેવાની શૈલીથી દર્શકોને મોહિત કરશે.
પાકિસ્તાન તરફથી, ઝડપી બોલિંગના બાદશાહ કહેવાતા વસીમ અકરમ અને અથર અલી ખાન હાજર રહેશે, જેઓ પોતાની વિશ્લેષણાત્મક ક્ષમતા માટે જાણીતા છે. આ ઉપરાંત, શ્રીલંકાના રસેલ આર્નોલ્ડ, ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાસેર હુસૈન, અને ન્યુઝીલેન્ડના સિમોન ડૌલ પણ આ પેનલનો ભાગ છે. આંતરરાષ્ટ્રીય સ્તરના આ નિષ્ણાતો મેચને એક અલગ જ પરિપ્રેક્ષ્ય આપશે.
Asia Cup માં ભારતીય ચાહકો માટે ખાસ હિન્દી પેનલ
ભારતમાં ક્રિકેટનો જાદુ હિન્દી કોમેન્ટ્રી વગર અધૂરો છે. આ પેનલ ખાસ કરીને ભારતીય દર્શકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આ પેનલમાં વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગ, ટેકનિકલ બેટ્સમેન અજય જાડેજા, ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ, ક્રિકેટ નિષ્ણાત વિવેક રાજદાન, બેટિંગ ગુરુ અભિષેક નાયર, અને પૂર્વ વિકેટકીપર સબા કરીમ જેવા મોટા નામો દર્શકોને મેચનું જીવંત વિવરણ આપશે. તેમની સાથે, જાણીતા પ્રેઝન્ટર્સ ગૌરવ કપૂર, સમીર કોચર, અને આતિશ ઠુકરાલ તેમની જોશ અને ઉર્જાથી વાતાવરણને ઉત્સાહપૂર્ણ બનાવશે.
પ્રાદેશિક ભાષાઓમાં પણ કોમેન્ટ્રીનો રોમાંચ
સોની સ્પોર્ટ્સે દક્ષિણ ભારતના ક્રિકેટપ્રેમીઓની લાગણીઓને પણ માન આપ્યું છે. જણાવી દઇએ કે, દર્શકોને તમિલ અને તેલુગુ ભાષામાં પણ કોમેન્ટ્રી સાંભળવા મળશે. તમિલ પેનલમાં ભારતના ભૂતપૂર્વ કોચ ભરત અરુણ, પૂર્વ ખેલાડીઓ ડબલ્યુવી રમન, હેમાંગ બદાણી, અને અન્ય જાણીતા ચહેરાઓ જેવા કે અરુણ વી અને વિદ્યુત શિવરામકૃષ્ણન સામેલ છે. તેલુગુ પેનલમાં ભૂતપૂર્વ સ્પિનર વેંકટપતિ રાજુ અને અન્ય સ્થાનિક નિષ્ણાતો જેવા કે રવિ તેજા, રાકેશ દેવા, અને સંદીપ બી સમાવિષ્ટ છે. આ પ્રાદેશિક કોમેન્ટ્રી દર્શકોને તેમની માતૃભાષામાં ક્રિકેટનો આનંદ માણવાની તક આપશે.
ભારતીય ટીમ પર ખેલાડીઓની પ્રતિક્રિયા
કોમેન્ટ્રી પેનલમાં હાજર દિગ્ગજોએ ભારતીય ટીમ વિશે પણ પોતાના વિચારો રજૂ કર્યા. સુનીલ ગાવસ્કરે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ટીમની સફરને રસપ્રદ ગણાવી છે, જ્યારે રવિ શાસ્ત્રીએ ભારતીય ટીમને અનુભવ અને યુવા ખેલાડીઓનું ઉત્તમ મિશ્રણ ગણાવ્યું. શાસ્ત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સંયોજન આગામી T20 વર્લ્ડ કપ પહેલા ભારત માટે સારો સંકેત છે. ભારતીય ટીમ 10 સપ્ટેમ્બરે યજમાન UAE સામે પોતાની પ્રથમ મેચ રમશે.
આ એશિયા કપ માત્ર ક્રિકેટની રમત માટે જ નહીં, પરંતુ એક સંગઠિત અને બહુભાષી કોમેન્ટ્રીના અનુભવ માટે પણ યાદગાર બની રહેશે. તે જોવા જેવું રહેશે કે મેદાન પરની હરીફાઈની જેમ કોમેન્ટ્રી બોક્સમાં પણ ભારત અને પાકિસ્તાનના દિગ્ગજો વચ્ચે કેવો વાદ-વિવાદ થાય છે.
આ પણ વાંચો : ક્રિકેટપ્રેમીઓ થઇ જાઓ તૈયાર! આજથી અબુધાબીમાં થઇ રહ્યો છે Asia Cup નો પ્રારંભ