Asia Cup : એકવાર ફરી ક્રિકેટના મેદાને આમને-સામને જોવા મળશે India-Pakistan
- Asia Cup 2025 : India-Pakistan ફરી આમને-સામને
- દુબઈમાં ભારત-પાકિસ્તાનની સુપર 4 માં ટક્કર
- ભારત-પાકિસ્તાન મેચ ટુર્નામેન્ટનું ટેમ્પ્રેચર હાઈ કરશે!
- પહેલી હારનો બદલો લેશે પાકિસ્તાન કે ભારત જાળવી રાખશે જીતનો સિલસિલો?
- ક્રિકેટ પ્રેમીઓ માટે સુપર સન્ડે: ભારત vs પાકિસ્તાન
Asia Cup 2025 તેના શિખર પર પહોંચી રહ્યો છે, અને ક્રિકેટ પ્રેમીઓ માટે સૌથી રોમાંચક સમાચાર આવી ગયા છે. જીહા, India-Pakistan ફરી એકવાર મેદાનમાં ટકરાવા જઈ રહ્યા છે. રવિવાર, 21 સપ્ટેમ્બરના રોજ દુબઈના મેદાનમાં આ બંને ટીમો વચ્ચે બીજો મુકાબલો થવા જઈ રહ્યો છે, જેણે આ ટુર્નામેન્ટનું એકી રીતે ટેમ્પ્રેચર વધારવાનું કામ કર્યું છે.
કોણ કેવી રીતે પહોંચ્યું સુપર 4 માં?
આ વખતે એશિયા કપમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે, જેને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. ગ્રુપ A માં ભારત, પાકિસ્તાન, યુએઈ અને ઓમાનનો સમાવેશ થયો હતો. ભારતીય ટીમે તેની શરૂઆત શાનદાર રીતે કરી. ટીમે યુએઈ અને પાકિસ્તાન બંનેને હરાવીને ગ્રુપ સ્ટેજમાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું. ભારતે તેની બંને મેચ જીતીને પહેલેથી જ સુપર 4 માટે ક્વોલિફાય કરી લીધું હતું, બીજી તરફ, પાકિસ્તાનની સફર થોડી વધુ સંઘર્ષપૂર્ણ રહી. તેમણે ઓમાનને હરાવીને શરૂઆત કરી, પરંતુ ભારત સામે હારનો સામનો કરવો પડ્યો. જોકે, પાકિસ્તાને બુધવારે યુએઈ સામેની નિર્ણાયક મેચ 41 રનથી જીતીને પોતાની સુપર 4 માં જગ્યા પાક્કી કરી લીધી. આ જીત સાથે, યુએઈની ટુર્નામેન્ટમાંથી સફર સમાપ્ત થઈ ગઈ છે. ઓમાન પણ પહેલેથી જ બહાર થઈ ગયું છે. આમ, ગ્રુપ A માંથી ભારત અને પાકિસ્તાન બંને સુપર 4 માં પ્રવેશ્યા છે, જેણે ફરી એકવાર આ કટ્ટર હરીફોને સામસામે લાવી દીધા છે.
Asia Cup માં ભારત-પાકિસ્તાનના પહેલા મુકાબલામાં વિવાદ
આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની પહેલી ગ્રુપ સ્ટેજ મેચ ઘણી યાદગાર રહી હતી, જેમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું. પરંતુ આ મેચ માત્ર રમત માટે જ નહીં, પરંતુ એક વિવાદ માટે પણ ચર્ચામાં રહી હતી. મેચ પછી, જ્યારે ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો, ત્યારે આ ઘટનાએ મોટી ચર્ચા જગાવી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ આ અંગે સખત વાંધો ઉઠાવ્યો અને ICC પાસે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને હટાવવાની માંગ કરી, પરંતુ ICC એ આ માંગણીને સ્વીકારી નહીં. આ વિવાદ બાદ યુએઈ સામેની પાકિસ્તાનની મેચ પહેલા પણ નાટકીય ઘટનાઓ બની, જ્યાં પાકિસ્તાની ટીમે મેચ છોડી દેવાની ધમકી આપી હતી. જોકે, અંતે તેઓ મેદાન પર એક કલાક મોડા પહોંચ્યા અને મેચ રમાઈ.
કોણ છે પ્રબળ દાવેદાર?
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ હંમેશા ભાવનાઓથી ભરપૂર રહી છે. આ વખતે ભારતીય ટીમ વધુ મજબૂત દેખાઈ રહી છે. પહેલી મેચમાં પાકિસ્તાન પર 7 વિકેટની જીત ભારતના આત્મવિશ્વાસને ઊંચો લઈ ગઈ છે. બીજી તરફ, પાકિસ્તાન પણ એક મજબૂત ટીમ છે જે કોઈપણ દિવસે મેચનું પાસું પલટી શકે છે. સુપર 4 માં આ બીજી ટક્કર બંને ટીમો માટે નિર્ણાયક સાબિત થશે. ભારત શુક્રવારે ઓમાન સામે પોતાની અંતિમ ગ્રુપ મેચ રમશે, જેનો ઉપયોગ ટીમ પોતાની રણનીતિને વધુ મજબૂત કરવા માટે કરી શકે છે. પાકિસ્તાન યુએઈ સામેની જીત બાદ હવે સંપૂર્ણ રીતે ભારત સામેની મેચ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
હવે રવિવારની રાહ જોવાશે!
ઉલ્લેખનીય છે કે, હવે બધાની નજર રવિવાર, 21 સપ્ટેમ્બર પર છે. આ મેચ માત્ર એક રમત નથી, પરંતુ એક ઇમોશનલ યુદ્ધ પણ હશે. ભારત પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે, જ્યારે પાકિસ્તાન પહેલાની હારનો બદલો લેવા માટે મેદાનમાં ઉતરશે. શું ભારત ફરી એકવાર પાકિસ્તાનને હરાવીને પોતાનું વર્ચસ્વ સાબિત કરશે, કે પછી પાકિસ્તાન ઈતિહાસ બદલીને સુપર 4 માં પોતાની જીતનો પાયો નાખશે? આ સવાલનો જવાબ રવિવારે જ મળશે, અને આ જ કારણ છે કે આ મેચની રાહ આતુરતાથી જોવાઈ રહી છે. ક્રિકેટના આ મહાકુંભમાં આગામી મુકાબલો ચોક્કસપણે એક યાદગાર ઘટના બનશે. જોકે, તે પહેલા સવાલ એ પણ છે કે, જે રીતે 14 સપ્ટેમ્બરના રોજ ભારત-પાકિસ્તાનની મેચ પહેલા જે વિરોધ થયો હતો તે ફરી થશે અને જો થશે તો શું તેના પર BCCI કોઇ નિર્ણય લેશે?
આ પણ વાંચો : Pakistan vs UAE cricket match : પાકિસ્તાનનો નવો ડ્રામા હવે UAE સાથે મેચ રમવા તૈયાર, 1 કલાક મોડી શરૂ થશ મેચ