Asia Cup 2025 : ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર પાકિસ્તાની પૂર્વ ક્રિકેટરને કેમ પેટમાં દુખ્યું? જાણો શું કહ્યું
- Asia Cup 2025 : ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર પાકિસ્તાની પૂર્વ ક્રિકેટરનો તીખો સવાલ
- શ્રેયસ ઐયર જો પાકિસ્તાનની ટીમમાં હોત તો સીધો A કેટેગરીમાં સ્થાન મળ્યું હોત
- યશસ્વી જયસ્વાલને ફક્ત રિઝર્વમાં રાખવા પર બાસિતની નારાજગી
Asia Cup 2025 : ભારતના પડોશી દેશ પાકિસ્તાનની હાલની ક્રિકેટ સ્થિતિ ભલે ખરાબ હોય, છતાં તેના પૂર્વ ક્રિકેટરોએ વારંવાર ભારતીય ક્રિકેટ ટીમના નિર્ણયોને લઇને નિવેદન આપ્યા છે. આવું જ નિવેદન તાજેતરમાં ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર બાસિત અલીએ આપ્યું છે. તેમણે T20 Asia Cup 2025 માટે જાહેર કરાયેલી ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને સવાલો ઊભા કર્યા છે અને અમુક ખેલાડીઓની ગેરહાજરી પર તીખી ટિપ્પણી કરી છે.
શ્રેયસ ઐયરની અવગણના પર નિરાશા
બાસિત અલીનું મુખ્ય ધ્યાન મધ્યક્રમના બેટ્સમેન શ્રેયસ ઐયર પર હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ઐયરને ટીમમાં સ્થાન ન આપવું એક મોટો અન્યાય છે. IPL 2025માં ઐયરે 604 રન બનાવ્યા હતા, જેમાં તેમની એવરેજ 50 થી વધુ અને સ્ટ્રાઈક રેટ 175 થી ઉપર હતો. આ સાથે તેણે પંજાબ કિંગ્સને ફાઇનલ સુધી પહોંચાડવામાં કેપ્ટન તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમ છતાં, તેને માત્ર મુખ્ય ટીમમાંથી જ નહીં પરંતુ રિઝર્વ ખેલાડીઓની યાદીમાં પણ સામેલ કરવામાં આવ્યો નથી. બાસિતના મતે, જો ઐયર પાકિસ્તાનમાં હોત તો તેને સીધો A કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું હોત.
યશસ્વી જયસ્વાલને ફક્ત રિઝર્વનો દરજ્જો (Asia Cup)
બાસિત અલીની નજરે અન્ય એક અન્યાય યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ સાથે થયો છે. 2024ના T20 વર્લ્ડ કપ દરમિયાન જયસ્વાલ ભારતીય ટીમનો અગત્યનો ભાગ હતો, પરંતુ આ વખતે તેને એશિયા કપ માટે મુખ્ય સ્ક્વોડમાંથી બહાર રાખીને ફક્ત રિઝર્વ ઓપનર તરીકે જ રાખવામાં આવ્યો છે. આ નિર્ણય પર પણ બાસિતે અસંતોષ વ્યક્ત કર્યો હતો.
મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજની ગેરહાજરી
શ્રેયસ અને જયસ્વાલ સિવાય બાસિત અલીએ મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજના નામ પર પણ ટિપ્પણી કરી. તેમના મતે, આ બન્ને બોલરો વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ છે અને જો તેઓ પાકિસ્તાનમાં હોત તો તેમને A કેટેગરીમાં સ્થાન મળવું નિશ્ચિત હતું.
ભારતને ટક્કર આપનાર ટીમ કોણ?
ભારતની હાલની ટીમ અંગે વાત કરતાં બાસિત અલીએ કહ્યું કે, આ ટીમ ખૂબ જ શક્તિશાળી અને વિસ્ફોટક છે. એશિયા કપમાં તેમની સામે ટક્કર આપવી સરળ નથી. આશ્ચર્યજનક વાત એ છે કે બાસિતે પોતાના દેશ પાકિસ્તાનનું નામ ન લેતા જણાવ્યું કે ફક્ત શ્રીલંકાની ટીમ જ ભારતને સ્પર્ધા આપી શકે છે.
પાકિસ્તાન પર જ કટાક્ષ
વિચાર કરવા જેવી વાત એ છે કે તાજેતરમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યા હતા, જેમાં એક પણ ખેલાડીને A કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું નથી. પાકિસ્તાનના મોટા નામ બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને પણ એશિયા કપ 2025 માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. આ પરિસ્થિતિ વચ્ચે બાસિત અલી ભારતીય ટીમની પસંદગી પર સવાલો ઊભા કરી રહ્યા છે. એક રીતે કહીએ તો, જ્યારે પોતાના દેશમાં ક્રિકેટ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે તેઓ ભારતના ખેલાડીઓ અંગે નિવેદન આપી રહ્યા છે.
આ પણ વાંચો : ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત અંગે મોટી અપડેટ, બરાબર બોલી પણ નથી શકતા..!