મેદાન બહારના વિવાદોએ તોડી નાખ્યું બાંગ્લાદેશ ક્રિકેટનું મનોબળ! હવે કેપ્ટને બોર્ડને આડે હાથ લીધું
- Bangladesh Captain Statement
- બોર્ડના વિવાદોથી બાંગ્લાદેશ ક્રિકેટ સંકટમાં, કેપ્ટન નઝમુલનો ખુલાસો
- બાંગ્લાદેશ ક્રિકેટમાં અશાંતિ, કેપ્ટન નઝમુલે બોર્ડને આડે હાથ લીધો
Bangladesh Captain Statement : બાંગ્લાદેશ ક્રિકેટ હાલના સમયમાં તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. મેદાન પરના નબળા પ્રદર્શનની સાથે સાથે મેદાનની બહાર બોર્ડના આંતરિક વિવાદોએ ટીમની મુશ્કેલીઓમાં જબરદસ્ત વધારો કર્યો છે. ખાસ કરીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સાથેના વણસેલા સંબંધો હવે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) માટે 'ગળામાં ફસાયેલું હાડકું' સાબિત થઈ રહ્યા છે. આ સમગ્ર વિવાદની શરૂઆત સ્ટાર બોલર મુસ્તફિઝુર રહેમાનને IPL રમવા માટે એનઓસી (NOC) ન આપવાથી થઈ હતી અને ત્યારબાદ BCB એ ભારતમાં યોજાનારા T20 વર્લ્ડ કપમાં પોતાની ટીમ મોકલવાની ના પાડી દેતા મામલો વધુ બિચક્યો હતો.
વર્લ્ડ કપ વિવાદ અને કેપ્ટનનો માનસિક સંઘર્ષ
આ તમામ અસ્થિરતાની વચ્ચે બાંગ્લાદેશના ટેસ્ટ કેપ્ટન નઝમુલ હુસૈને (Bangladesh Test captain Nazmul Hossain) પત્રકારો સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો છે. તેમણે સ્વીકાર્યું હતું કે બોર્ડ અને અન્ય વિવાદોની સીધી અસર ખેલાડીઓના માનસિક સ્વાસ્થ્ય અને મેદાન પરના પ્રદર્શન પર પડી રહી છે. નઝમુલના જણાવ્યા અનુસાર, વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ (Bangladesh) નું પ્રદર્શન સતત નબળું રહ્યું છે અને તેની પાછળનું એક મોટું કારણ ટુર્નામેન્ટ પહેલા ઉભા થતા બિનજરૂરી વિવાદો છે. તેમણે કહ્યું કે, "મારા 3 વર્લ્ડ કપના અનુભવ પરથી હું કહી શકું છું કે જ્યારે પણ મોટી ટુર્નામેન્ટ નજીક આવે છે, ત્યારે કંઈક ને કંઈક એવું બને છે જે ખેલાડીઓનું ધ્યાન ભટકાવે છે."
તેમણે વધુમાં ઉમેર્યું કે, "દરેક ખેલાડી બહારથી એવું બતાવવાનો પ્રયત્ન કરે છે કે તેઓ પ્રોફેશનલ છે અને તેમને આ બાબતોથી કોઈ ફરક નથી પડતો, પરંતુ વાસ્તવિકતા એ છે કે અંદરથી તેઓ ભાંગી પડતા હોય છે. લોકો સમજે છે કે અમે માત્ર 'અભિનય' કરી રહ્યા છીએ, પરંતુ આવા વિક્ષેપો વચ્ચે ધ્યાન કેન્દ્રિત કરવું જરાય સરળ નથી."
તમિમ ઇકબાલના અપમાન પર બોર્ડને આડે હાથ લીધું
આ વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે પૂર્વ કેપ્ટન તમિમ ઇકબાલે BCB ની ટીકા કરી અને બદલામાં બોર્ડના અધિકારી નઝમુલ ઇસ્લામે તમિમને 'ભારતીય એજન્ટ' કહીને સંબોધ્યા. આ બાબતે કેપ્ટન નઝમુલ હુસૈન ભારે નારાજ જોવા મળ્યા હતા. તેમણે તમિમ ઇકબાલનો પક્ષ લેતા જણાવ્યું કે, "બાંગ્લાદેશના સૌથી સફળ ક્રિકેટરોમાંના એક વિશે આવી ટિપ્પણી કરવી અત્યંત દુઃખદ છે. એક ખેલાડી તરીકે અમે માત્ર સન્માનની અપેક્ષા રાખીએ છીએ, પછી ભલે અમારું પ્રદર્શન સારું હોય કે ન હોય."
Bangladesh બોર્ડની કાર્યપદ્ધતિ પર સવાલો
કેપ્ટને ખૂબ જ ધારદાર શબ્દોમાં બોર્ડની ટીકા કરતા કહ્યું કે, અત્યારે એવી સ્થિતિ છે કે અમારે ક્રિકેટ રમવાને બદલે બોર્ડના કામકાજમાં માથું મારવું પડે છે અથવા તેના પરિણામો ભોગવવા પડે છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, જેવી રીતે માતા-પિતા પોતાના બાળકોને ઘરની અંદર માર્ગદર્શન આપે છે, તેવી જ રીતે બોર્ડે પણ ખેલાડીઓ સાથે વાત કરવી જોઈએ, જાહેરમાં આવી અપમાનજનક ટિપ્પણીઓ કરવી એ અસ્વીકાર્ય છે. હાલમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ એક અનિશ્ચિત ભવિષ્ય સામે લડી રહી છે, જ્યાં વહીવટી નિર્ણયો ખેલાડીઓના મનોબળને તોડી રહ્યા છે.
આ પણ વાંચો : ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાં કિંગ કોહલીનો જોવા મળશે વિરાટ અવતાર!


