Champions Trophy 2025 Teaser : વીડિયોમાં રોહિત-વિરાટ OUT, આ ભારતીય ખેલાડી IN
- Champions Trophy 2025: ક્રિકેટનો મહાસંગ્રામ શરૂ થવાની તૈયારી
- 8 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફી પરત ફરી : ભારત માટે વિશેષ વ્યવસ્થાઓ
- રોહિત શર્મા ફરી કેપ્ટન: ભારતનો અભિયાન 20 ફેબ્રુઆરીથી શરૂ
- પાકિસ્તાનમાં આયોજિત ચેમ્પિયન્સ ટ્રોફીનું ટીઝર રિલીઝ થયું
- હાર્દિક પંડ્યા ટીઝરમાં જોવા મળ્યા, વિરાટ-રોહિતને ન મળી જગ્યા
- દુબઈમાં રમાશે ભારતની મેચો: હાઇબ્રિડ મોડેલનો અમલ
ICC Champions Trophy 2025 આ વર્ષે 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટનું આયોજન પાકિસ્તાન કરી રહ્યું છે. પ્રથમ મેચ યજમાન પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. તમામ ક્રિકેટ ચાહકો માટે ઉત્સુકતાનો વિષય બનેલ આ ટુર્નામેન્ટ માટે ICC એ ટીઝર પણ રિલીઝ કર્યું છે, જેમાં ટૂર્નામેન્ટના કેટલાક ખેલાડીઓ દર્શાવવામાં આવ્યા છે.
ચેમ્પિયન્સ ટ્રોફીનું ટીઝર રિલીઝ
ICC દ્વારા રિલીઝ કરાયેલા ટીઝરમાં પાકિસ્તાનના શાહીન આફ્રિદી અને શાદાબ ખાનને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. સાથે જ આ ટીઝરમાં ભારત તરફથી રોહિત શર્મા અથવા વિરાટ કોહલી નહીં, પરંતુ હાર્દિક પંડ્યા જોવા મળે છે. આ ઉપરાંત ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટ અને અફઘાનિસ્તાનના મોહમ્મદ નબીને પણ ટીઝરમાં સ્થાન આપવામાં આવ્યું છે. ટીઝરમાં તમામ ખેલાડીઓ ટ્રોફી લેવાના પ્રયત્ન કરતા નજરે પડે છે, જેમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ઝલક એક ભવ્ય ઇમારતમાં દર્શાવવામાં આવી છે.
8 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફી પરત ફરી
8 વર્ષ પછી આ ટુર્નામેન્ટ ફરીથી ફીલ્ડ પર આવી રહી છે. છેલ્લે આ ટુર્નામેન્ટ 2017માં યોજાઈ હતી, જેમાં ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વર્ષે ભારત માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનો પ્રવાસ કરશે નહીં અને તેની મેચો હાઇબ્રિડ મોડેલ હેઠળ દુબઈમાં રમાશે. ભારત 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પહેલી મેચથી પોતાની ઝુંબેશ શરૂ કરશે, જ્યારે 23 ફેબ્રુઆરીએ ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે મહત્વપૂર્ણ મુકાબલો રમાશે.
રોહિત શર્મા ફરી કેપ્ટનશીપ માટે તૈયાર
આ વખતે પણ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ રોહિત શર્મા સંભાળશે. આ ટુર્નામેન્ટ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને 2017માં થયેલી હાર પછી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ભારતીય ટીમ માટે માત્ર એક ટુર્નામેન્ટ નથી, પરંતુ ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય કોણ બને છે તેને જોવાનું પણ છે. આ ટુર્નામેન્ટમાં સીનિયર ખેલાડીઓ જેવા કે રોહિત શર્મા, વિરાટ કોહલી લગભગ આપણને અંતિમ વખત જોવા મળશે. વળી ક્રિકેટ ફેન્સની નજર હાર્દિક પંડ્યા, શાહીન આફ્રિદી જેવા પ્રભાવશાળી ખેલાડીઓ પર પણ રહેશે.
આ પણ વાંચો : Ranji Trophy 2024-25 : રોહિત-ગિલ-જયસ્વાલ ફ્લોપ, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની વધી ચિંતા