અમદાવાદ માટે કેમ ખાસ છે 2030ની કોમનવેલ્થ ગેમ્સ?
વર્ષ 1930માં કેનેડાના હેમિલ્ટન (Hamilton) શહેરમાં પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ હતી. હવે 2030માં તેની શતાબ્દી આવૃત્તિનું આયોજન અમદાવાદમાં થવાનું છે. એટલે આ ગેમ્સ રમતગમતની સાથે ઇતિહાસનું પણ મહત્વ ધરાવે છે. આ વિશાળ આયોજનને સફળ બનાવવા માટે ગુજરાત સરકાર અને અમદાવાદ શહેરે અત્યારથી જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રમતગમતની સુવિધાઓ અને આંતરરાષ્ટ્રીય સ્તરની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ગ્લાસગોમાં ભવ્ય હેન્ડઓવર સેરેમની યોજાઈ
ગ્લાસગોમાં યોજાયેલા સમાપન સમારોહમાં સંગીત, સંસ્કૃતિ અને રમતગમતનો અદભૂત સમન્વય જોવા મળ્યો હતો. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. સમારોહ દરમિયાન ગ્લાસગોએ આગામી યજમાન તરીકે અમદાવાદનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ તથા યજમાન બેટન અમદાવાદને સોંપીને નવી જવાબદારીનું પ્રતિકાત્મક હસ્તાંતરણ કર્યું હતું. આ ક્ષણ માત્ર ઔપચારિકતા નહોતી, પરંતુ વિશ્વ સમક્ષ અમદાવાદને આગામી વૈશ્વિક રમતગમત કેન્દ્ર તરીકે રજૂ કરવાની શરૂઆત પણ હતી.
કિંગ્સ બેટન રિલે શું છે?
કોમનવેલ્થ ગેમ્સની સૌથી વિશેષ પરંપરાઓમાંની એક કિંગ્સ બેટન રિલે (King's Baton Relay) છે. જેમ ઓલિમ્પિકમાં ટોર્ચ રિલેનું મહત્વ હોય છે, તેમ કોમનવેલ્થ ગેમ્સમાં બેટનનું વિશેષ સ્થાન છે. આ બેટન કોમનવેલ્થના તમામ 74 દેશો અને પ્રદેશોમાં પ્રવાસ કરે છે. દરેક દેશ માટે અલગ બેટન તૈયાર કરવામાં આવે છે, જેને તે દેશ પોતાની સંસ્કૃતિ, કલા અને પરંપરા મુજબ શણગારે છે. આ રીતે બેટન માત્ર રમતનું પ્રતિક નથી રહેતું, પરંતુ દરેક દેશની ઓળખ અને વારસાનું પ્રતિનિધિત્વ પણ કરે છે. દરેક બેટનમાં કિંગ ચાર્લ્સ III (King Charles III)ના સંદેશાનો એક ભાગ સામેલ કરવામાં આવે છે. આ સંદેશ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન વાંચવામાં આવે છે. બેટનને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જનાર વ્યક્તિઓ પણ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવનારા અને પ્રેરણાદાયી કાર્ય કરનારા લોકોમાંથી પસંદ કરવામાં આવે છે.
74 દેશો અને પ્રદેશોને મળી અનોખી ઓળખ
આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ વખત તમામ 74 દેશો અને પ્રદેશોને પોતાની અલગ બેટન તૈયાર કરવાની તક આપવામાં આવી હતી. દરેક દેશે પોતાની સંસ્કૃતિ, પરંપરા અને સર્જનાત્મકતાને અનુરૂપ બેટનને શણગારી હતી. આ પહેલે કોમનવેલ્થ પરિવારની વિવિધતા અને એકતાને વધુ મજબૂત રીતે રજૂ કરી હતી. મહત્વનું છે કે, કોમનવેલ્થ બેટન રિલેની શરૂઆત વર્ષ 1958માં કાર્ડિફ (Cardiff) ખાતે થઈ હતી. આશરે 470 મિમી ઊંચાઈ અને 70 મિમી પહોળાઈ ધરાવતી બેટન આજે કોમનવેલ્થ ગેમ્સનું સૌથી મહત્વપૂર્ણ પ્રતિક બની ગઈ છે. સમય સાથે તેની ડિઝાઇનમાં ફેરફાર થયા છે, પરંતુ તેનો મૂળ હેતુ કોમનવેલ્થ દેશોને રમત અને મિત્રતાના બંધનમાં જોડવાનો જ રહ્યો છે.
ભારતની સંસ્કૃતિએ જીત્યું વિશ્વનું દિલ
ગ્લાસગોમાં યોજાયેલી હેન્ડઓવર સેરેમનીને 3 અલગ-અલગ ભાગોમાં રજૂ કરવામાં આવી હતી. પ્રથમ ભાગમાં 'વંદે માતરમ'ના 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી હતી, જેણે ભારતીય સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક મંચ પર રજૂ કર્યો હતો. બીજા ભાગમાં ભારતીય સિતારવાદક રિષભ રિખીરામ શર્મા અને સ્કોટિશ પાઇપવાદક રોસ એન્સલી વચ્ચે શાસ્ત્રીય સંગીતની અનોખી જુગલબંધી રજૂ કરવામાં આવી હતી. આ પ્રસ્તુતિએ ગ્લાસગો 2026 અને અમદાવાદ 2030 વચ્ચે સાંસ્કૃતિક સેતુ રચ્યો હતો. ત્રીજા ભાગમાં સમગ્ર ભારતની સાંસ્કૃતિક યાત્રા રજૂ કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને ગુજરાતની પરંપરા, કલા અને સાંસ્કૃતિક વૈભવને વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ગ્લાસગોના દર્શકોને અમદાવાદ 2030ની પ્રથમ ઝલક પણ જોવા મળી હતી.
આયોજકોએ શું કહ્યું?
ગ્લાસગો 2026ના ચીફ માર્કેટિંગ એન્ડ સેરેમનીઝ ઓફિસર લુઈસા મેહોએ જણાવ્યું હતું કે, આ હેન્ડઓવર માત્ર ઔપચારિક કાર્યક્રમ નહોતો, પરંતુ 2 દેશોની સંસ્કૃતિ અને ભાવનાઓને એક જ મંચ પર રજૂ કરતો અનોખો પ્રસંગ હતો. તેમના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમ દ્વારા દર્શકોને અમદાવાદ 2030માં શું જોવા મળશે તેની પ્રથમ ઝલક આપવામાં આવી હતી. જ્યારે સેરેમની ડિરેક્ટર ચંદા સિંહે જણાવ્યું હતું કે, આ હેન્ડઓવર દ્વારા એવા ભારતનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે આત્મવિશ્વાસથી ભરેલું છે અને પોતાની પરંપરાઓ સાથે મજબૂતીથી જોડાયેલું છે. તેમણે ઉમેર્યું હતું કે અમદાવાદમાં યોજાનારી 2030ની કોમનવેલ્થ ગેમ્સ 100 વર્ષની ઐતિહાસિક સફરની ઉજવણી કરશે અને ગ્લાસગોનો આ સમાપન સમારોહ તે ઐતિહાસિક યાત્રાનું પ્રથમ પ્રકરણ સાબિત થયો હતો.
અમદાવાદ માટે નવી તકોના દ્વાર ખુલ્યા
2030ની કોમનવેલ્થ ગેમ્સ માત્ર રમતગમત પૂરતી મર્યાદિત નહીં રહે. આ આયોજનથી ગુજરાતમાં રમતગમતનું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રવાસન, રોજગાર, રોકાણ અને વૈશ્વિક ઓળખને નવી દિશા મળશે. વિશ્વભરના હજારો ખેલાડીઓ, અધિકારીઓ અને લાખો પ્રવાસીઓ અમદાવાદ આવશે, જેના કારણે શહેરને આંતરરાષ્ટ્રીય રમતગમતના નકશા પર વધુ મજબૂત સ્થાન મળશે.
આ પણ વાંચો : Ahmedabad Commonwealth Games 2030 : કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની માટે અમદાવાદ તૈયાર! ગ્લાસગોમાં થશે ઐતિહાસિક હેન્ડઓવર