ICC ODI Rankings: ICCએ ODI રેન્કિંગમાંથી વિરાટ અને રોહિતના નામ કર્યા ગાયબ,ચાહકો ગુસ્સે ભરાયા!
- ICC ODI Rankings યાદીમાં વિરાટ અને રોહિતનું નામ નથી
- ICCએ બુધવારે નવી ODI રેન્કિંગ જાહેર કરી હતી
- શુભમન ગિલે પ્રથમ સ્થાન જાળવી રાખ્યો છે
ICCએ બુધવારે નવી ODI રેન્કિંગ જાહેર કરી હતી, આ રેન્કિંગ જોઇને ક્રિકેટ પ્રેમીઓને ભારે આંચકો લાગ્યો હતો,રેન્કિંગમાં શુભમન ગિલે પ્રથમ સ્થાન જાળવી રાખ્યો છે. જ્યારે પાકિસ્તાનનો બાબર આઝમ બીજા સ્થાને આવ્યો. ગયા અઠવાડિયા સુધી આ સ્થાન રોહિત શર્મા પાસે હતું, જે 756 રેટિંગ સાથે બીજા નંબરે હતો અને વિરાટ કોહલી 736 રેટિંગ સાથે ચોથા સ્થાને રહ્યો હતો પરંતુ આ અઠવાડિયાની યાદીમાં બંને ટોપ-10 માં જોવા મળ્યા નથી, આ ઉપરાંત ટોપ-100 માં પણ ન જોવા મળ્યા જેના લીધે ક્રિકેટ ચાહકો ગુસ્સે ભરાયા હતા અને સોશિયલ મીડિયા પર ભડાશ કાઢી હતી.
ICC ODI Rankings રેન્કિંગમાંથી દૂર કરવાનો નિયમ શું છે?
ICC ખેલાડીઓને ફક્ત ત્યારે જ રેન્કિંગમાંથી દૂર કરે છે જ્યારે તેઓ લાંબા સમય સુધી કોઈ ચોક્કસ ફોર્મેટથી દૂર રહે છે અથવા તે ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરે છે. ઉદાહરણ તરીકે, રોહિત શર્મા અને વિરાટ કોહલી T20 અને ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે, તેથી તેમના નામ ત્યાંથી દૂર કરવામાં આવ્યા હતા. પરંતુ ODI માં આવું કરવું આશ્ચર્યજનક છે, કારણ કે બંને ખેલાડીઓ હજુ પણ કાર્યરત છે અને ટીમ ઈન્ડિયાનો ભાગ છે. રેન્કિંગ સિસ્ટમ અનુસાર, કોઈ ખેલાડીને ફક્ત ત્યારે જ દૂર કરી શકાય છે જો તેણે સતત 9 થી 12 મહિના સુધી કોઈ ODI અથવા T20 આંતરરાષ્ટ્રીય મેચ ન રમી હોય.
ICC ODI Rankings બંનેએ છેલ્લે ODI મેચ ક્યારે રમી હતી?
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આ વર્ષે માર્ચમાં તેમની છેલ્લી ODI મેચ રમી હતી. આ મેચ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ હતી. એટલે કે તેમને ODI મેચ રમ્યાને લગભગ પાંચ મહિના થયા છે. નિયમો અનુસાર, ICC ને રેન્કિંગમાંથી તેમનું નામ દૂર કરવા માટે હજુ પૂરતો સમય પસાર થયો નથી. આ જ કારણ છે કે ક્રિકેટ નિષ્ણાતો માને છે કે આ એક ટેકનિકલ ખામી હોઈ શકે છે. અગાઉ પણ, રેન્કિંગ અપડેટ દરમિયાન, કેટલાક ખેલાડીઓના નામ અચાનક ગાયબ થઈ ગયા હતા અને પછીથી તેમને પાછા ઉમેરવામાં આવ્યા હતા.
ICC નું મૌન અને ચાહકોનો ગુસ્સો
આ સમગ્ર મામલે ICC તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ જ કારણ છે કે ચાહકો અને ક્રિકેટ પ્રેમીઓ ગુસ્સે અને આશ્ચર્યચકિત છે. સોશિયલ મીડિયા પર, લોકો ICC પાસેથી પારદર્શિતાની માંગ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જ્યારે આખી દુનિયા આ રેન્કિંગ પર નજર રાખે છે, તો પછી આટલી મોટી ભૂલ ન થવી જોઈએ. ચાહકો માને છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓનું અચાનક ગાયબ થવાથી માત્ર ICC ની ગંભીરતા પર જ પ્રશ્ન ઉભા થતા નથી, પરંતુ ક્રિકેટના સૌથી લોકપ્રિય ફોર્મેટમાં વિશ્વસનીયતા પર પણ અસર પડે છે.
આ પણ વાંચો: Hockey Asia Cup માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ 18 ખેલાડીઓને મળ્યું સ્થાન


