IND-PAK સંબંધોની કડવાશ મેદાનમાં જોવા મળી! No Handshake વિવાદ છવાયો
- Asia Cup માં ભારતની જીત, No Handshake વિવાદ છવાયો
- મેચ પછી ભારતનો હાથ મિલાવવાનો ઇનકાર
- ક્રિકેટમાં જીત સાથે રાજકીય સંદેશ
- 7 વિકેટથી ભારતની શાનદાર જીત
- પાકિસ્તાનનો વિરોધ, PCB ની નારાજગી
- રમત કે રાજકારણ? ચર્ચામાં ભારત-પાક મેચ
- ભારત-પાક સંબંધોની કડવાશ મેદાન સુધી
No Handshake Controversy : તાજેતરમાં દુબઈમાં રમાયેલી એશિયા કપ 2025ની ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માત્ર રમત માટે જ નહીં, પરંતુ રાજકીય તણાવ અને રમતગમતની પરંપરાઓ તોડવા માટે પણ ચર્ચાનો વિષય બની છે. આ મેચમાં ભારતે પાકિસ્તાન સામે 7 વિકેટે શાનદાર જીત મેળવી, પરંતુ મેચ પછી થયેલો No Handshake વિવાદ વધુ ચર્ચામાં રહ્યો. આ ઘટના દર્શાવે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોની કડવાશ હવે ક્રિકેટના મેદાન સુધી પહોંચી ગઈ છે.
ભારતની શાનદાર જીત
મેચની શરૂઆતથી જ ભારતીય બોલરોનું પ્રભુત્વ જોવા મળ્યું. પાકિસ્તાનની ટીમ ભારતના સ્પિન બોલરો સામે સંઘર્ષ કરતી રહી અને માત્ર 127 રન જ બનાવી શકી. આ મેચમાં ભારત તરફથી કુલદીપ યાદવે 3 વિકેટ ઝડપી, જ્યારે અક્ષર પટેલે પણ 2 વિકેટ લીધી. જસપ્રીત બુમરાહની ઝડપી બોલિંગ પણ પ્રભાવશાળી રહી. પાકિસ્તાન માટે શાહીન આફ્રિદીએ છેલ્લે 16 બોલમાં 33 રન બનાવી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી.
જવાબમાં, ભારતીય બેટ્સમેનોએ આક્રમક શરૂઆત કરી. અભિષેક શર્માએ 13 બોલમાં 31 રનની વિસ્ફોટક ઇનિંગ રમી, જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવે 37 બોલમાં 47 રન બનાવી ટીમને જીત તરફ દોરી. તિલક વર્માએ પણ 31 રનનું યોગદાન આપ્યું. ભારતે આ મેચ 7 વિકેટથી સરળતાથી જીતી લીધી.
No Handshake વિવાદ
મેચના પરિણામ કરતાં વધુ ચર્ચા પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવા (No Handshake) ના ભારતના નિર્ણયની થઈ. સામાન્ય રીતે ક્રિકેટમાં મેચ બાદ વિજેતા અને પરાજિત ટીમના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવીને રમતગમતની ભાવના દર્શાવતા હોય છે, પરંતુ આ મેચમાં તે પરંપરાનું પાલન કરવામાં આવ્યું ન હતું.
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આ નિર્ણય સરકાર અને BCCI ની સહમતિથી લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, "અમે ફક્ત રમત રમવા માટે આવ્યા છીએ અને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો." સૂર્યાએ આ જીત પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પીડિતોના પરિવારોને સમર્પિત કરી. આ નિવેદન સ્પષ્ટપણે દર્શાવે છે કે આ મેચ માત્ર રમત નહોતી, પરંતુ એક રાજકીય નિવેદન પણ હતું.
પાકિસ્તાનનો વિરોધ અને PCB ની નારાજગી
બીજી તરફ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ આ ઘટના સામે સત્તાવાર વિરોધ નોંધાવ્યો છે. પાકિસ્તાનના વાઈટ-બોલ હેડ કોચ માઇક હેસને આ વર્તનને 'નિરાશાજનક' ગણાવ્યું. તેમણે કહ્યું કે પાકિસ્તાનની ટીમ મેચ બાદ હાથ મિલાવવા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવી રાખવા તૈયાર હતી, પરંતુ ભારતીય ટીમ તરફથી આવું કોઈ વલણ જોવા મળ્યું નહીં.
PCB એ મેચ રેફરી સામે પણ વિરોધ નોંધાવ્યો છે, કારણ કે રેફરીએ ટોસ દરમિયાન પણ બંને કેપ્ટનોને હાથ ન મિલાવવા જણાવ્યું હતું. આ ઘટનાક્રમ દર્શાવે છે કે આ વિવાદ માત્ર ખેલાડીઓ પૂરતો મર્યાદિત નથી, પરંતુ બંને દેશોના ક્રિકેટ બોર્ડ અને અધિકારીઓ સુધી પહોંચ્યો છે. પાકિસ્તાની કેપ્ટન સલમાન આગા પણ મેચ પછીના ઇનામ વિતરણ સમારોહમાં હાજર રહ્યા ન હતા, જે કદાચ આ નારાજગીનું પ્રતીક હતું.
રમત અને રાજકારણનો સંગમ
ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ એક મહત્વપૂર્ણ પાઠ શીખવી ગઈ. ક્રિકેટ, જે એક સમયે બંને દેશો વચ્ચે શાંતિ અને મિત્રતાનું માધ્યમ ગણાતી હતી, તે હવે રાજકીય તણાવ અને વિવાદોનું પ્રતિબિંબ બની ગઈ છે. 'No Handshake' જેવી ઘટનાઓ એ દર્શાવે છે કે રમત અને રાજકારણ વચ્ચેની રેખા હવે ધૂંધળી બની ગઈ છે. જ્યાં સુધી બંને દેશો વચ્ચેના સંબંધો સુધરતા નથી, ત્યાં સુધી આવા વિવાદો ક્રિકેટના મેદાનમાં જોવા મળતા રહેશે.
આ પણ વાંચો : ઓપરેશન સિંદુર બાદ ક્રિકેટમાં પણ ભારત સામે પાકિસ્તાન સરેન્ડર, ઇન્ડિયાએ સાત વિકેટથી પાકિસ્તાનને હરાવ્યું
આ પણ વાંચો : India vs Pakistan ની મેચને લઇને સોશિયલ મીડિયામાં સખત વિરોધ