કોચ અને ખેલાડીઓ વચ્ચેની ચર્ચા ડ્રેસિંગ રૂમ સુધી મર્યાદિત રહેવી જોઈએ : ગૌતમ ગંભીર
- ગૌતમ ગંભીરના ગુસ્સાના સમાચાર ખોટા? પ્રેસ મીટમાં જણાવી વાસ્તવિકતા
- સિડની ટેસ્ટ માટે ભારતીય ટીમ તૈયાર: કોચ ગંભીરનું પ્રદર્શન પર ભાર
- ડ્રેસિંગ રૂમની ચર્ચાઓ જાહેર કરવા મુદ્દે ગંભીરની પ્રતિક્રિયા
- "માત્ર ઈમાનદારી જ ભારતીય ક્રિકેટની તાકાત" - ગૌતમ ગંભીર
- મેચ જીતવાની રણનીતિ પર ગંભીરનું ફોકસ
- "પ્રદર્શન જ તમારું સ્થાન નક્કી કરે છે" - ગૌતમ ગંભીર
Gautam Gambhir : ભારતીય ક્રિકેટ ટીમ સિડનીમાં શ્રેણીની પાંચમી અને નિર્ણાયક ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કરવા માટે તૈયાર છે. મેલબોર્નમાં ટીમ ઈન્ડિયાને 184 રનની કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર પછી, ભારતીય ડ્રેસિંગ રૂમમાં કોચ ગૌતમ ગંભીરના ખેલાડીઓ પર ગુસ્સે થવાના સમાચાર મીડિયા રિપોર્ટ્સમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગંભીરે કોઈ પણ ખેલાડીનું નામ લીધા વિના એવા ખેલાડીઓને અલ્ટીમેટમ આપ્યું છે જે ખેલાડીઓ નેચરલ ગેમના નામે મનમાની કરે છે.
મીડિયા અહેવાલોને લઈને ગંભીરનો પ્રતિકાર
જ્યારે ગુરુવારે મહત્વપૂર્ણ પ્રેસ મીટમાં આ બાબતે ગંભીરને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે આ અહેવાલોને ખોટા ગણાવ્યા હતા. ગંભીરે સ્પષ્ટપણે જણાવ્યું કે ડ્રેસિંગ રૂમમાં થતી કોઈપણ ચર્ચાને સાર્વજનિક કરવી યોગ્ય નથી. તેની ટીમના ખેલાડીઓ સાથે વાતચીત અંગે તેણે કહ્યું કે તેણે પ્રામાણિક રીતે ખેલાડીઓને તાકીદ કરી છે કે માત્ર શ્રેષ્ઠ પ્રદર્શન જ તેમને ટીમમાં ટકાવી રાખી શકશે.
ગંભીરે ઈમાનદારીને ભારતીય ક્રિકેટ માટે મહત્વનું ગણાવ્યું
મેચ પહેલાંની પ્રેસ મીટમાં ગૌતમ ગંભીરે જણાવ્યું કે, “કોચ અને ખેલાડીઓ વચ્ચેની ચર્ચા માત્ર ડ્રેસિંગ રૂમ સુધી મર્યાદિત રહેવી જોઈએ. જે અહેવાલો પ્રસારિત થયા છે તે માત્ર કડક શબ્દો છે અને તથ્ય સાથે તેનો સંબંધ નથી. જ્યાં સુધી રૂમમાં ઈમાનદાર લોકો હશે, ત્યાં સુધી ભારતીય ક્રિકેટ સુરક્ષિત રહેશે.” તેમણે વધુમાં ઉમેર્યું કે ખેલાડીઓ માટે તેમના પ્રદર્શન અને ઈમાનદારીને પ્રથમ સ્થાને રાખવું અત્યંત મહત્વપૂર્ણ છે.
મેચ જીતવાની રણનીતિ પર ભાર
ગૌતમ ગંભીરે સ્પષ્ટ કર્યું કે, ટેસ્ટ મેચ જીતવાની રણનીતિ સિવાય તેણે વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા સાથે અન્ય કોઈ વિષય પર ચર્ચા કરી નથી. તેમણે પ્રેસ મીટમાં જણાવ્યું, "દરેક વ્યક્તિ જાણે છે કે કયા ક્ષેત્રોમાં સુધારો કરવો જરૂરી છે. અમે માત્ર એક જ મુદ્દે વાત કરી છે, અને તે છે કેવી રીતે મેચ જીતવી."
આ પણ વાંચો: Gautam Gambhir: સિડની ટેસ્ટ પહેલા ગૌતમની ટીમ ઈન્ડિયામાં જોવા મળ્યો ગંભીર માહોલ! 5 મી ટેસ્ટ રહેશે જોવા જેવી