ટીમ ઈન્ડિયાએ MCG ના મેદાનમાં કાળી પટ્ટી બાંધી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિ
- ટીમ ઈન્ડિયાએ કાળી પટ્ટી સાથે પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ
- MCG મેચમાં ડૉ. મનમોહન સિંહને યાદ કરતા શ્રદ્ધાંજલિ આપતી ટીમ ઈન્ડિયા
- ભારતીય ટીમની અનોખી શ્રદ્ધાંજલિ
- ડૉ. મનમોહન સિંહના નિધન પર ખેલજગત શોકમગ્ન
- રમતના મેદાનમાં પૂર્વ વડાપ્રધાનને માન
- મનમોહન સિંહને ક્રિકેટર્સ તરફથી શ્રદ્ધાંજલિ
Team India tribute former Prime Minister Manmohan Singh : મેલબોર્નમાં ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસની શરૂઆત સાથે ભારતીય ટીમે વિશેષ રીતે કાળી પટ્ટી પહેરીને મેદાનમાં પ્રવેશ કર્યો હતો. આ પગલું પૂર્વ વડાપ્રધાન અને પ્રખર અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉઠાવામાં આવ્યું હતું. 26 ડિસેમ્બરની રાત્રે 92 વર્ષની વયે તેમના અવસાનના સમાચાર આવ્યા બાદ સમગ્ર દેશ શોકમગ્ન હતો. જેમા ભારતીય ટીમના ખેલાડીઓ પણ પાછળ ન રહ્યા અને તેમણે આ મહાન નેતાને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી.
ભારતના પૂર્વ વડાપ્રધાનને ખેલજગતની શ્રદ્ધાંજલિ
27 ડિસેમ્બર, શુક્રવારના રોજ, જ્યારે MCG ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા, ત્યારે તમામ ખેલાડીઓએ હાથ પર કાળી પટ્ટી બાંધેલી હતી. આ દૃશ્ય જોઇને દર્શકો અચરજ પામ્યા હતા, પરંતુ જે લોકો જાણતા હતા કે ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું ગુરુવારે મોડી રાત્રે નિધન થયું છે, તે સમજી શકતા હતા કે આ પગલું તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉઠાવવામાં આવ્યું હતું. ભારતીય કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત દરેક ખેલાડીએ કાળી પટ્ટી પહેરીને તેમના પ્રત્યે પોતાનું માન વ્યક્ત કર્યું હતું.
આ સમાચાર સામે આવ્યા બાદ ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ, હરભજન સિંહ અને યુવરાજ સિંહે તેમના સંવેદનાસૂચક સંદેશાઓ શેર કર્યા હતા. સેહવાગે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું, “ડૉ. મનમોહન સિંહ જીના નિધન પર મારી દિલથી સંવેદના. ઓમ શાંતિ.” તે જ રીતે હરભજન સિંહે લખ્યું કે તેઓ પૂર્વ વડાપ્રધાન, એક સજ્જન અને દૂરંદેશી નેતા ડૉ. મનમોહન સિંહના આકસ્મિક નિધનના સમાચારથી દુખી છે. ડૉ. મનમોહન સિંહ 2004 થી 2014 દરમિયાન ભારતના વડાપ્રધાન રહ્યા હતા અને તેમનું યોગદાન રાજકીય અને આર્થિક ક્ષેત્રે અમૂલ્ય ગણાય છે. ભારતીય ટીમ સિવાય ખેલજગતે પણ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
બોક્સિંગ ડે ટેસ્ટની મેચની સ્થિતિ
મેલબોર્ન ક્રિકેટ મેદાનમાં રમાય રહેલી બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસના અંતે 311 રન બનાવ્યા હતા. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, આજે બીજા દિવસની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન ટીમે 7 વિકેટના નુકસાને 457 રન બનાવી લીધા છે. જેમા સ્ટીવ સ્મિથની સદી સામેલ છે. તેણે 196 બોલમાં 140 રન બનાવ્યા છે. મેચમાં અત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી છે. બીજી તરફ ટીમ ઈન્ડિયાના બોલર જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાએ 3-3 વિકેટ લીધી હતી. ત્યારે આકાશ દીપ અને વોશિગ્ટન સુંદરે 1-1 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: Manmohan Singh:આર્થિક ઉદારીકરણથી લઈ આધાર કાર્ડ અને RTIમાં મહત્વની ભૂમિકા ભજવી !