IND vs ENG 3rd T20I : રાજકોટમાં ટીમ ઈન્ડિયાની જીત પાક્કી! જાણી લો આંકડા
- IND vs ENG: રાજકોટમાં શ્રેણીની ત્રીજી T20 મેચ માટે ભારતીય ટીમ તૈયાર
- સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં શ્રેણી જીતવા ભારત મક્કમ
- રાજકોટમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ શાનદાર
- ટીમ રાજકોટમાં ફક્ત એક જ વાર હાર્યું છે
IND vs ENG 3rd T20I : ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 શ્રેમીની ત્રીજી મેચ આજે એટલે કે 28 જાન્યુઆરીના રોજ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતે કોલકાતામાં યોજાયેલી પ્રથમ T20 મેચ 7 વિકેટથી જીત્યા પછી ચેન્નાઈમાં બીજી T20 મેચમાં પણ 2 વિકેટથી જીત હાંસલ કરી હતી. આ શ્રેણીમાં 2-0ની લીડ સાથે, સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ હવે આ મેચ જીતીને શ્રેણીમાં અજેય લીડ મેળવવા માંગે છે.
પ્લેઇંગ-11માં ફેરફારની શક્યતા
ભારતીય ટીમના પ્લેઇંગ-11માં આ મેચ માટે કેટલાક ફેરફારો થઈ શકે છે. ઓલરાઉન્ડર શિવમ દુબે અને રમનદીપ સિંહને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. શિવમને નીતિશ કુમાર રેડ્ડીની જગ્યાએ સ્થાન આપવામાં આવ્યું છે, જે સાઈડ સ્ટ્રેનને કારણે શ્રેણીમાંથી બહાર થઇ ગયો છે. રમનદીપને રિંકુ સિંહની ઈજાને કારણે પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવ્યો છે. આ બંને ખેલાડીઓને આ મેચમાં તક મળી શકે છે, જ્યારે નીતીશ અને રિંકુની ગેરહાજરીને કારણે ટીમમાં બાકીના ખેલાડીઓ માટે પણ તક ઊભી થઈ છે. 2024ના T20 વર્લ્ડ કપ દરમિયાન શિવમ દુબેને સ્પિનર્સ સામે પ્રભાવશાળી રમત બતાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તે આદિલ રશીદ જેવા દિગ્ગજ સ્પિન બોલર્સને ટક્કર આપી શકે છે. બીજી તરફ, રમનદીપ સિંહ મોટાં શોટ મારવામાં નિપુણ છે અને બોલિંગમાં પણ સારું પ્રદર્શન કરી શકે છે.
કેટલાક મુખ્ય ખેલાડીઓ પર વિશેષ ધ્યાન
શિવમે અત્યાર સુધીમાં 33 T20I માં 448 રન બનાવ્યા છે અને 11 વિકેટ લીધી છે, જ્યારે રમનદીપે 2 T20I માં 15 રન સાથે એક વિકેટ હાંસલ કરી છે. જો આ બંને ખેલાડીઓને પ્લેઇંગ-11માં સ્થાન મળે, તો ધ્રુવ જુરેલ અને રવિ બિશ્નોઈને બહાર રાખવામાં આવી શકે છે. આ મેચમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને સંજુ સેમસન પાસેથી મજબૂત પ્રદર્શનની અપેક્ષા છે. સૂર્યા આ શ્રેણીમાં અત્યાર સુધી કંઈ ખાસ કરી શક્યો નથી, જ્યારે સંજુએ શોર્ટ બોલ સામે નબળાઈ દર્શાવી છે. આક્રમક અભિગમ સાથે બંને ખેલાડીઓએ ટીમના ઈરાદાઓને આગળ વધારવાનું કામ કરવાનું રહેશે. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે સારી બેટિંગ દર્શાવી છે, પરંતુ બોલિંગમાં સાથી ખેલાડીઓ મોઘા સાબિત થયા છે. આદિલ રશીદ અને આર્ચરે ખાસ કરીને બોલિંગમાં પ્રભાવ પાડવો પડશે. જો ઈંગ્લેન્ડ આ મેચ હારી જાય, તો શ્રેણી ગુમાવવાની શક્યતા ઊભી થશે.
રાજકોટમાં ટીમ ઈન્ડિયાનો શાનદાર રેકોર્ડ
રાજકોટમાં ભારતીય ટીમનો રેકોર્ડ એટલો મજબૂત છે કે ઈંગ્લેન્ડ માટે અહીં જીત હાંસલ કરવી એક મોટા પડકાર સમાન છે. 2020 પછીના આંકડાઓ પર નજર કરીએ તો ભારતીય ટીમનું રાજકોટમાં રમાયેલી 2 T20 મેચોમાં 100 ટકા જીતનો રેકોર્ડ છે. જો સમગ્ર રેકોર્ડ જુઓ તો ટીમ ઈન્ડિયાએ અહીં કુલ 5 T20I મેચમાં ભાગ લીધો છે, જેમાંથી 4 જીતી છે અને ફક્ત એકમાં જ હારનો સામનો કર્યો છે. ઈંગ્લેન્ડ માટે હાલની સ્થિતિ વધુ મુશ્કેલ છે કારણ કે તે શ્રેણીમાં 0-2થી પાછળ છે અને દબાણનો સામનો પણ સાથે કરી રહી છે. રાજકોટમાં ટીમ ઈન્ડિયાના આ પ્રભાવશાળી આંકડાઓ સામે ઈંગ્લેન્ડ માટે જીતનું સ્વપ્ન સાકાર કરવું સરળ નહીં રહે.
હેડ-ટુ-હેડ રેકોર્ડ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધી 26 T20I મેચ રમાઈ છે. ભારતે 15માં જીત હાંસલ કરી છે, જ્યારે ઇંગ્લેન્ડે 11માં વિજય મેળવ્યો છે. આ રીતે ભારત T20 શ્રેણીમાં ઇંગ્લેન્ડ સામે હંમેશા મજબૂત દેખાય છે.
ઇંગ્લેન્ડનો ભારત પ્રવાસ
પહેલી T20I - 22 જાન્યુઆરી - કોલકાતા, ભારત 7 વિકેટથી જીત્યું
બીજી T20I - 25 જાન્યુઆરી - ચેન્નાઈ, ભારત 2 વિકેટથી જીત્યું
ત્રીજી T20I - 28 જાન્યુઆરી - રાજકોટ
ચોથી T20I - 31 જાન્યુઆરી - પુણે
પાંચમી T20I - 2 ફેબ્રુઆરી - મુંબઈ
પહેલી વનડે - 6 ફેબ્રુઆરી - નાગપુર
બીજી વનડે - 9 ફેબ્રુઆરી - કટક
ત્રીજી વનડે - 12 ફેબ્રુઆરી - અમદાવાદ
આ પણ વાંચો : 2024ના શ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર તરીકે ICC એ કરી Jasprit Bumrah ની પસંદગી