IND vs NZ 1st ODI: ભારત અને ન્યૂઝીલેન્ડ (IND vs NZ 1st ODI) વચ્ચે પાંચ મેચની વનડે શ્રેણીનો પ્રથમ મુકાબલો બુધવાર, 4 નવેમ્બર 2026ના રોજ ઓકલેન્ડના ઈડન પાર્ક (Eden Park) ખાતે રમાઈ રહ્યો છે. આ મેચમાં ભારતીય ટીમના બોલરોએ શરૂઆતથી જ ન્યૂઝીલેન્ડના બેટરો પર દબાણ બનાવ્યું હતું. કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શન સામે ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 185 રનમાં સમેટાઈ ગઈ હતી.
અર્શદીપ સિંહે શરૂઆતમાં જ આપ્યા મોટા ઝટકા
ભારતીય ઝડપી બોલર અર્શદીપ સિંહે (Arshdeep Singh) શરૂઆતથી જ આક્રમક બોલિંગ કરી હતી. તેણે વિલ યંગને માત્ર 9 રનના સ્કોરે આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ હેનરી નિકોલ્સને પણ 9 રને પેવેલિયન મોકલ્યો હતો.
ન્યૂઝીલેન્ડ તરફથી ટિમ સીફર્ટે 43 બોલમાં 38 રન બનાવીને ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ગુરનૂર બ્રારે (Gurnoor Brar) તેની વિકેટ ઝડપી ભારતને મહત્વપૂર્ણ સફળતા અપાવી હતી.
ગુરનૂર બ્રારની ઘાતક બોલિંગ
ન્યૂઝીલેન્ડની ટીમને ગુરનૂર બ્રારે સતત મુશ્કેલીમાં મૂકી હતી. તેણે ટિમ સીફર્ટ ઉપરાંત ટોમ લાથમને પણ આઉટ કર્યો હતો. લાથમ માત્ર 3 રન બનાવી શક્યો હતો. ડેરિલ મિચેલ 28 રન બનાવીને રનઆઉટ થયો હતો. જ્યારે ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરને અંશુલ કંબોજે માત્ર 4 રને બોલ્ડ કર્યો હતો.
185 રનમાં ન્યૂઝીલેન્ડની ટીમ ઓલઆઉટ
એક સમયે ન્યૂઝીલેન્ડની 9 વિકેટ માત્ર 146 રનમાં પડી ગઈ હતી. જોકે અંતિમ વિકેટ માટે બ્લેર ટિકનર અને જેકબ ડફીએ 39 રનની ભાગીદારી કરી હતી. ટિકનરે 23 બોલમાં 34 રનની ઝડપી ઇનિંગ રમી હતી. અંતે ગુરનૂર બ્રારે ટિકનરને આઉટ કરતાં ન્યૂઝીલેન્ડની ઇનિંગ 40.2 ઓવરમાં 185 રન પર સમાપ્ત થઈ હતી. અર્શદીપ સિંહે ચાર અને ગુરનૂર બ્રારે ત્રણ વિકેટ લીધી હતી.
ભારત સામે 186 રનનો લક્ષ્યાંક
ભારતને પ્રથમ વનડે જીતવા માટે 186 રન બનાવવાના છે. ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગિલ, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ જેવા અનુભવી બેટરોનો સમાવેશ થાય છે. હવે ભારતીય બેટરોના પ્રદર્શન પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો : Footballer Death : મેચ દરમિયાન ગોલકીપર સાથે ભયાનક ટક્કર! 30 વર્ષીય ફૂટબોલરનું કરુણ મોત