U19 World Cup 2026: ભારતે અફઘાનિસ્તાનને હરાવીને ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી
- ભારત U19 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું (U19 World Cup 2026 )
- અફઘાનિસ્તાન સામે 311 રનનો રેકોર્ડ લક્ષ્યાંક ચેઝ કર્યો
- એરોન જ્યોર્જની શાનદાર સદી, વૈભવના તોફાની 68 રન
- વર્લ્ડ કપ ઇતિહાસનો સૌથી સફળ અને મોટો રન ચેઝ
ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ ક્લબ (Harare Sports Club) ખાતે રમાયેલી ICC મેન્સ અંડર-19 વર્લ્ડ કપ 2026 (ICC Men's U19 World Cup 2026) ની બીજી સેમિફાઇનલમાં ભારતે ઈતિહાસ રચી દીધો છે. અફઘાનિસ્તાન (Afghanistan) દ્વારા આપવામાં આવેલા 311 રનના વિશાળ લક્ષ્યાંકને ભારતે માત્ર 41.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને પાર કરી લીધો હતો. આ જીત સાથે ભારત સતત છઠ્ઠી વખત ફાઇનલમાં પ્રવેશ્યું છે, જ્યાં હવે તેમનો સામનો ઇંગ્લેન્ડ (England) સામે થશે.
A record-extending 6⃣th title in sight 🙌
India U19 will play against England U19 in the ICC Men's Under-19 Cricket World Cup 2026 final 👏
Scorecard ▶️ https://t.co/rM2IsqevMZ#U19WorldCup pic.twitter.com/hA1NyCIVPO
— BCCI (@BCCI) February 4, 2026
U19 World Cup 2026 : ઐતિહાસિક રન ચેઝ
અંડર-19 વર્લ્ડ કપના ઇતિહાસમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો સફળ રન ચેઝ છે. ભારત તરફથી ઓપનર એરોન જ્યોર્જે (Aaron George) શાનદાર બેટિંગ કરતા 104 બોલમાં 115 રન ફટકાર્યા હતા. તેની આ ઇનિંગમાં 15 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે.
ભારતના બેટસમેનોની શાનદાર રમત
ભારતની શરૂઆત અત્યંત સ્ફોટક રહી હતી. યુવા બેટર વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) અને એરોન જ્યોર્જે પ્રથમ વિકેટ માટે માત્ર 90 રન જોડ્યા હતા. વૈભવે માત્ર 24 બોલમાં અડધી સદી પૂરી કરી હતી અને કુલ 33 બોલમાં 68 રન (9 ચોગ્ગા, 4 છગ્ગા) બનાવી આઉટ થયો હતો.ત્યારબાદ કેપ્ટન આયુષ મ્હાત્રે (Ayush Mhatre) એ જવાબદારી સંભાળતા 62 રનનું યોગદાન આપ્યું હતું. અંતમાં ઉપ-કેપ્ટન વિહાન મલ્હોત્રા (Vihaan Malhotra) એ 38 રન બનાવી અણનમ રહી ભારતને જીત અપાવી હતી.
અફઘાનિસ્તાને મોટો ટાર્ગેટ આપ્યો હતો
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 50 ઓવરમાં 4 વિકેટે 310 રન બનાવ્યા હતા. ઉસ્માન સદાત (Usman Sadat) અને ખાલિદ અહમદઝાઈ (Khalid Ahmadzai) એ સારી શરૂઆત અપાવી હતી, પરંતુ ભારતીય બોલર દીપેશ દેવેન્દ્રન (Dipesh Devendran) અને કનિષ્ક ચૌહાણે (Kanishk Chauhan) મહત્વની વિકેટો ઝડપી અફઘાનિસ્તાનને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમનો વર્લ્ડ કપ ફાઇનલનો ઇતિહાસ
ટીમ ઇન્ડિયા અત્યાર સુધી કુલ 10 વખત (2000, 2006, 2008, 2012, 2016, 2018, 2020, 2022, 2024 અને 2026) ફાઇનલમાં પહોંચી છે. ભારતે સૌપ્રથમ વર્ષ 2000 માં મોહમ્મદ કૈફની આગેવાનીમાં શ્રીલંકાને હરાવીને પ્રથમ ટાઇટલ જીત્યું હતું, ત્યારબાદ 2008 માં વિરાટ કોહલી, 2012 માં ઉન્મુક્ત ચંદ, 2018 માં પૃથ્વી શો અને 2022 માં યશ ધુલની કેપ્ટનશીપમાં ભારત વિશ્વ વિજેતા બન્યું હતું. બીજી તરફ, ભારત વર્ષ 2006, 2016, 2020 અને 2024 માં ફાઇનલ સુધી પહોંચ્યા બાદ રનર્સ-અપ રહ્યું હતું, જ્યારે હવે વર્ષ 2026 માં ભારત સતત છઠ્ઠી વખત ફાઇનલમાં પહોંચીને છઠ્ઠું ટાઇટલ જીતવાના મજબૂત ઈરાદા સાથે મેદાને ઉતરશે.
આ પણ વાંચો: હવે બાઉન્ડ્રી પર હવામાં ઉડીને કેચ નહીં પકડાય! MCC નો નવો નિયમ


