મેસીની 10 મિનિટની હાજરી! કોલકાતામાં ભડકેલા ચાહકોએ ખુરશીઓ તોડી નાખી
- Lionel Messi India controversy : મેસી માત્ર 10 મિનિટ હાજર રહેતા ચાહકો નિરાશ
- કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં ગુસ્સે ભરાયેલી ભીડે તોડફોડ કરી
- દર્શકોએ મેદાનમાં બોટલો ફેંકી અને સ્ટેડિયમની ખુરશીઓ તોડી નાખી
- સુરક્ષાકર્મીઓ માટે પરિસ્થિતિ સંભાળવી મુશ્કેલ બની
- ચાહકોએ 'ખરાબ ઇવેન્ટ' ગણાવી સમય અને પૈસા વેડફાયાની ફરિયાદ કરી
Lionel Messi India controversy : ફૂટબોલ જગતના દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસીના ભારત પ્રવાસની શરૂઆત ભારે નિરાશા અને હોબાળા સાથે થઈ છે. કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમથી મેસીના ટૂરનો પ્રારંભ થયો હતો, જ્યાં હજારોની સંખ્યામાં ચાહકો તેમના સુપરસ્ટારની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા. જોકે, મેસી કાર્યક્રમમાંથી ખૂબ જ વહેલા નીકળી જતાં સ્ટેડિયમમાં જબરદસ્ત હંગામો મચી ગયો હતો.
મેસી 10 મિનિટ માટે હાજર હોબાળો
મેસીને જોવા માટે ફેન્સમાં અદ્ભુત ઉત્સાહ હતો. દરેક પ્રશંસક મેસીને નજીકથી જોવા અને તેમનું અભિવાદન કરવા માંગતો હતો. ચાહકોએ ફૂટબોલના આ દિગ્ગજ ખેલાડીની એક ઝલક મેળવવા માટે હજારો અને લાખો રૂપિયા ખર્ચ્યા હતા. ઈન્ડિયા ટૂરના આ પ્રથમ ઇવેન્ટનું આયોજન કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું.
મેસી રાત્રે જ કોલકાતા પહોંચી ગયા હતા અને સવારે તેમને જોવા માટે સ્ટેડિયમમાં જનમેદની ઊમટી હતી. પરંતુ ચાહકોની આશાઓ પર પાણી ફરી વળ્યું, જ્યારે મેસી માત્ર 10 મિનિટ માટે જ સ્ટેડિયમમાં દેખાયા અને તરત જ ત્યાંથી રવાના થઈ ગયા. મેસીનો આટલો ટૂંકો દેખાવ ચાહકોને બિલકુલ પસંદ ન આવ્યો, જેના કારણે તેમનો ગુસ્સો ભયંકર રીતે ફાટી નીકળ્યો.
Lionel Messi India controversy : ચાહકોએ બોટલો ફેંકી અને ખુરશીઓ તોડી
મેસીના ગયા બાદ ઉત્સાહિત ચાહકોએ સ્ટેડિયમમાં જોરદાર તોડફોડ કરી. દર્શકોએ વિરોધ દર્શાવતા મેદાનમાં બોટલો ફેંકવાનું શરૂ કરી દીધું હતું અને સ્ટેડિયમની ખુરશીઓ પણ તોડી નાંખી હતી. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે સુરક્ષાકર્મીઓ માટે પણ આટલી મોટી ભીડને કાબૂમાં લેવી ખૂબ મુશ્કેલ બની ગઈ હતી. મેસી જેવા વૈશ્વિક સ્ટારનું આટલા ઓછા સમય માટે હાજર રહેવું એ આયોજનની ગંભીર ખામી દર્શાવે છે.
Lionel Messi India controversy : પ્રશંસકોએ વ્યક્ત કરી નારાજગી
સોલ્ટ લેક સ્ટેડિયમની બહાર પ્રશંસકોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા, જેમાં એક ચાહકે પોતાની નારાજગી વ્યક્ત કરતાં કહ્યું, ‘આ ઇવેન્ટ ખૂબ જ ખરાબ હતી. મેસી માત્ર 10 મિનિટ માટે આવ્યા હતા. બધા રાજકારણીઓ અને નેતાઓએ તેમને ઘેરી લીધા હતા. અમે કશું જ જોઈ શક્યા નહીં. તેમણે એક પણ કિક કે પેનલ્ટી શૂટ કરી નહોતી. આયોજકોએ શાહરૂખ ખાનને પણ લાવવાની વાત કરી હતી, પરંતુ કોઈ આવ્યું નહીં. મેસી 10 મિનિટમાં આવીને જતા રહ્યા. અમારા બધાના પૈસા, ભાવનાઓ અને સમયનો બગાડ થયો. અમને કંઈ જોવા ન મળ્યું.’ આ ઘટના મેસીના ભારત પ્રવાસના પ્રથમ દિવસે જ આયોજકોની નબળી વ્યવસ્થા અને ચાહકોની મોટી નિરાશાને સ્પષ્ટપણે દર્શાવે છે.
આ પણ વાંચો : બૉલીવુડનો બાદશાહ vs ફૂટબૉલનો GOAT: શાહરૂખ અને મેસ્સીની ઐતિહાસિક મુલાકાત, જુઓ આખો Video!