ઓસ્ટ્રેલિયાની ટીમ 24 વર્ષ બાદ પાકિસ્તાનના પ્રવાસે ગઈ છે. જોકે રાવલપિંડીની સપાટ પિચે ચાહકો અને ક્રિકેટ દિગ્ગજને ખૂબ નિરાશ કર્યા છે, પરંતુ તેમ છતા, ખેલાડીઓએ પોતાની તરફથી પ્રશંસકોનું મનોરંજન કરવામાં કોઈ કસર છોડી નથી. આ દરમિયાન હવે ડેવિડ વોર્નરનો એક ફની વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં આ ડેશિંગ બેટ્સમેન પોતાની મસ્તીમાં મસ્ત ગ્રાઉન્ડ પર ડાન્સ કરતો અને ભાંગડા કરતો જોવા મળી રહ્યો છે.વોર્નર હંમેશા તેના મસ્તીભર્યા અંદાજમાં જોવા મળે છે. સોશિયલ મીડિયામાં ખાસ કરીને તે ડાન્સ અને અલગ-અલગ સ્ટેપ્સ કરતો જોવા મળે છે. વળી હવે આવું જ કઇંક તેણે ક્રિકેટ મેદાનમાં કર્યું છે. વોર્નર મેદાનમાં ક્યારેક ડાન્સ કરતો જોવા મળ્યો હતો, તો ક્યારેક ભારતીય ફિલ્મ 'પુષ્પા'નો સિગ્નેચર પોઝ 'ઝુકેગા નહીં કરતો જોવા મળ્યો હતો...' બંને વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી આ ફની વિડીયો ફેન્સ સાથે શેર કર્યો છે. આ વિડીયોમાં વોર્નર જમીન પર મસ્તીભર્યો ડાન્સ કરતી વખતે પગ હલાવતો જોવા મળે છે. આ વિડીયોમાં વોર્નર ક્યારેક બોલિંગ એક્શન તો ક્યારેક ભાંગડા કરતો જોવા મળી રહ્યો છે. વોર્નરનો આ વિડીયો ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે અને ફેન્સ તેને સતત શેર કરી રહ્યા છે. સેન્ડ પેપર કૌભાંડ બાદ વોર્નરના વર્તનમાં ઘણો બદલાવ આવ્યો છે, આ પહેલા પણ જ્યારે 19 વર્ષીય નસીમ શાહ બેટિંગ દરમિયાન આ દિગ્ગજ ખેલાડીને આંખો બતાવતો જોવા મળ્યો હતો, ત્યારે વોર્નરે હસીને વાત ટાળી દીધી હતી. મેચની વાત કરીએ તો, રાવલપિંડીની સપાટ પિચ પર પહેલા દિવસથી બોલરો સંઘર્ષ કરી રહ્યા છે. સમાચાર લખાય ત્યા સુધી પાકિસ્તાનની ટીમ બીજી ઇનિંગમાં 194 રન પર રમી રહી છે. ઓપનિંગમાં આવેલા અબ્દુલ્લા શફિકે સદી ફટકારી છે તો બીજી તરફ ઈમામ-ઉલ-હક 92 રન પર રમી રહ્યો છે.