કોરોનાવાયરસના કેેસ હવે ઓછા નોંધાઇ રહ્યા છે. તેમ છતા હજુ પણ ઘણા દિગ્ગજ આ વાયરસની ઝપટમાં આવી રહ્યા છે. તાજેતરમાં પાકિસ્તાનના ઓલરાઉન્ડર કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. ફહીમ અશરફ બુધવારે કરાચી પહોંચ્યા બાદ કોવિડ-19 પોઝિટિવ મળી આવ્યા બાદ ઓસ્ટ્રેલિયા સામે શનિવારથી શરૂ થનારી બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે.પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ 12 માર્ચથી 16 માર્ચ સુધી કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાશે. બીજી ટેસ્ટ મેચ પહેલા યજમાન ટીમ પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના 28 વર્ષીય ઓલરાઉન્ડર ખેલાડી ફહીમ અશરફ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યા બાદ તે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. પાકિસ્તાની ટીમ માટે આ ખરાબ સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે અશરફ હોમ ટીમ સાથે બીજી મેચ માટે કરાચીની હોટલ પહોંચ્યો. દરમિયાન, તેનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જ્યાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પાક ઓલરાઉન્ડર ખેલાડી કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યા બાદ તેને આઈસોલેટ કરવામાં આવ્યો છે. આ પહેલા ફિટનેસની સમસ્યાથી પીડિત અશરફને પ્રથમ ટેસ્ટ મેચમાં પણ રમવાની તક મળી ન હતી. વળી, અશરફ કોવિડ પોઝિટિવ હોવાનું બહાર આવ્યા બાદ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે, જો ટીમને ફહીમના સ્થાને અન્ય કોઈ ખેલાડીની જરૂર પડશે, તો તે ટૂંક સમયમાં તેના સ્થાને અન્ય ખેલાડીના નામની જાહેરાત કરશે.કડક સુરક્ષા વચ્ચે ઓસ્ટ્રેલિયન ટીમ પણ કરાચી પહોંચી છે અને ટીમને એરપોર્ટથી સીધા જ હોટલ મોકલવામાં આવી હતી. બંને ટીમો ગુરુવારે સવારે નેશનલ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેશે. પાકિસ્તાનની ટીમ પણ પ્રથમ ટેસ્ટમાં ફાસ્ટ બોલર હસન અલી વગર ગઈ હતી, જે અનફિટ હતો. ફાસ્ટ બોલર હરિસ રૌફ પણ રાવલપિંડીમાં પ્રથમ ટેસ્ટ ચૂકી ગયો હતો કારણ કે તેણે COVID-19 માટે પોઝિટિવ હતો.