ઈજાથી પરત ફર્યા બાદ રવિન્દ્ર જાડેજાનું પ્રદર્શન કેવુ રહેશે તે તમામ ક્રિકેટ ફેનનો સવાલ હતો. શ્રીલંકા સામે પ્રથમ ટેસ્ટમાં જાડેજાએ જે રીતે ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું તે જોતા હવે દુનિયાના મોટા ભાગના લોકો તેને ફોલો કરી રહ્યા છે. તેમા પાકિસ્તાનના ખેલાડીઓનું પણ નામ આવે છે. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો થયા બાદ હવે બીજી ટેસ્ટ મેચ કરાચીમાં રમાવાની છે. આ મેચ માટે બંને ટીમ પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ફેન્સ રવિન્દ્ર જાડેજાને યાદ કરી રહ્યા છે. આ વિડીયોને જોઇ તમે પણ કહેશો કે પાકિસ્તાની ખેલાડીઓ પણ જડ્ડુને યાદ કરતા રહે છે. જીહા, અહી અમે પાકિસ્તાનના ખેલાડી શાહિન શાહ આફ્રિદીની વાત કરી રહ્યા છીએ. આ વિડીયોમાં પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી રવિન્દ્ર જાડેજાની બોલિંગ એક્શનની નકલ કરતા જોઈ શકાય છે. પાકિસ્તાની ફાસ્ટ બોલર આફ્રિદી બરાબર રવિન્દ્ર જાડેજાની જેમ રનઅપ લે છે અને બોલને જડ્ડુ સ્ટાઈલમાં ફેંકે છે. રવિન્દ્ર જાડેજા ICC ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં નંબર 1 બનીને ચર્ચામાં આવી ગયો છે. જાડેજાએ મોહાલીમાં શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જાડેજાએ બેટ વડે 175 રન બનાવ્યા બાદ જ બોલિંગ કરતા બંને ઇનિંગ્સમાં કુલ 9 વિકેટ ઝડપી હતી. પાકિસ્તાનની ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચોની સીરિઝ રમવામાં વ્યસ્ત છે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ રાવલપિંડીમાં રમાઈ હતી જેમાં બંને ટીમોએ ખૂબ જ રન બનાવ્યા હતા. પાકિસ્તાન માટે ઓપનર ઈમામ ઉલ હકે બંને ઇનિંગમાં સદી ફટકારી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાના ચાર બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. બંને ટીમોની આગામી મેચ 12 માર્ચે યોજાવાની છે.ફેન્સ આ વિડીયોને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરી રહ્યા છે. વળી, જો આપણે આ સીરિઝની વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયાની ટીમ 24 વર્ષ પછી પાકિસ્તાનના પ્રવાસે છે, પરંતુ આ પ્રવાસ જે રીતે શરૂ થયો છે, તેણે ચાહકોમાં નિરાશા ફેલાવવાનું કામ કર્યું છે. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાવલપિંડીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ નિરસ તરીકે ડ્રોમાં પૂર્ણ થઈ હતી, ત્યારબાદ આ મેચમાં વપરાયેલી પીચને લઈને ટીકાઓનો એક રાઉન્ડ શરૂ થયો હતો અને તે રાઉન્ડ હજુ પણ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. રાવલપિંડીની પીચને લઈને ચાહકો અને ભૂતપૂર્વ ક્રિકેટરો ગુસ્સે છે.