પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. સોમવારે આ મેચનો ચોથો દિવસ હતો, બંને ટીમો વચ્ચે એકબીજાને હરાવવાનો સંઘર્ષ કરી રહી છે. પાકિસ્તાને તેની પ્રથમ ઇનિંગમાં 4 વિકેટે 476 રન બનાવીને ઇનિંગ ડિકલેર કરી હતી.જવાબમાં ઓસ્ટ્રેલિયાએ જોરદાર જવાબ આપતા 7 વિકેટે 449 રન બનાવ્યા હતા. સોમવારે મેચના ચોથા દિવસે મેદાન પર રમુજી નજારો જોવા મળ્યો હતો. પાકિસ્તાની ખેલાડી શાન મસૂદ અવેજી તરીકે મેદાનમાં ઉતર્યો હતો. ફિલ્ડિંગ કરતી વખતે તેનું પેન્ટ ફાટી ગયું હતું. મસૂદની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. cricket.com.au એ તેના ટ્વિટર એકાઉન્ટ પરથી પણ આ તસવીર શેર કરી છે. આ સિવાય અન્ય ઘણા યુઝર્સ મસૂદના આ ફોટો પર મસ્તી કરી રહ્યા છે. આ સમગ્ર ઘટના ત્યારે બની જ્યારે તે બાઉન્ડ્રી લાઇન પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો અને બોલને રોકવાના પ્રયત્નમાં તે બાઉન્ડ્રી પર રાખવામાં આવેલા બેનર પર ઘસેડાયો હતો અને તે દરમિયાન તેનું પેન્ટ ફાટી ગયું હતુ. ટ્વિટર પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ટેગ કરતા એક યુઝરે લખ્યું, 'ભાઈ સારી ક્વોલિટીનું પેન્ટ અપાવો.' આ હાસ્યાસ્પદ ઘટના ઓસ્ટ્રેલિયાની ઈનિંગની 125મી ઓવર દરમિયાન બની હતી. આ સમયે ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને એલેક્સ કેરી બેટિંગ કરી રહ્યા હતા. મેચની વાત કરીએ તો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 4 વિકેટે 476 રન બનાવી પ્રથમ ઇનિંગ ડિકલેર કરી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમે પણ જોરદાર જવાબ આપ્યો હતો. મુલાકાતી ટીમ માટે ઉસ્માન ખ્વાજાએ 97, ડેવિડ વોર્નરે 68, માર્નસ લાબુશેને 90, સ્ટીવ સ્મિથે 78 અને કેમેરોન ગ્રીને 48 રન બનાવ્યા હતા.