નિતેશ સિવાચનો ઐતિહાસિક સિલ્વર
એશિયન ગેમ્સમાં ભારતીય ગ્રીકો-રોમન કુશ્તી માટે આ ઐતિહાસિક ક્ષણ બની ગઈ છે. અગાઉ 1962 ના એશિયાડમાં ભારતના મહાન પહેલવાન ગણપત અંદાલકરે 97+ કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યાર બાદ છેલ્લા 64 વર્ષોમાં કોઈ પણ ભારતીય ગ્રીકો-રોમન રેસલર આ મલ્ટી-સ્પોર્ટ ઈવેન્ટમાં ન તો કોઈ મેડલ જીતી શક્યો હતો કે ન તો ક્યારેય ફાઇનલમાં પહોંચ્યો હતો.
નિતેશ સિવાચે 97 કિગ્રા કેટેગરીમાં રજત ચંદ્રક પોતાના નામે કરીને ભારતીય રમતગમતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે પોતાનું નામ અંકિત કરી દીધું છે.
ઈજા અને ઓપરેશન બાદ દૂધ વેચવા સુધીનો કપરો સંઘર્ષ
નિતેશ માટે પોડિયમ સુધીની આ સફર કાંટાળી રહી છે. ખરખોદા સ્થિત પ્રતાપ સ્પોર્ટ્સ સ્કૂલમાં ટ્રેનિંગ દરમિયાન તેના ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ હતી, જેના પગલે સર્જરી કરાવવી પડી હતી. સર્જરી બાદ ડોક્ટરોએ આરામની સલાહ આપી અને કુશ્તી છૂટી જતાં નિતેશ હતાશ થઈ ગયો હતો.
આ કપરા કાળમાં તેના પિતા આનંદ સિવાચે પુત્રનું મનોબળ તૂટવા ન દીધું. પિતાએ નિતેશને પોતાની સાથે ગામડેથી દૂધ લાવી પાણીપતમાં ઘેર-ઘેર જઈને પહોંચાડવાના કામમાં જોડી દીધો. થોડા સમય સુધી દૂધ વેચ્યા બાદ નિતેશે પિતાને ફરી અખાડામાં ઉતરવાની ઈચ્છા વ્યક્ત કરી. પિતા પોતે પહેલવાન બનવા માંગતા હતા પરંતુ સંજોગોવશાત ન બની શક્યા, તેથી તેમણે નિતેશને સંપૂર્ણ સમર્થન આપી ફરી મેટ પર ઉતાર્યો.
ક્વાર્ટર અને સેમિફાઇનલમાં વિરોધીઓને ધૂળ ચટાડી
નિતેશે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન આક્રમક રમત દાખવી વિરોધીઓ પર પ્રભુત્વ જાળવી રાખ્યું હતું.
ટુર્નામેન્ટના પરિણામો અને આંકડા:
ક્વાલિફિકેશન રાઉન્ડ: 97 કિગ્રા વજન કેટેગરીમાં તેને સીધો 'બાય' મળ્યો હતો.
ક્વાર્ટર ફાઇનલ: તુર્કમેનિfilterસ્તાનના અમનબેર્ડી અગામામેદોવને 7-1 થી એકતરફી માત આપી.
સેમિફાઇનલ: હાંગ્ઝોઉ એશિયાડના બ્રોન્ઝ મેડલ વિજેતા મંગોલિયાના ગનખુયાગ ગનબાતરને 9-0 ના જંગી માર્જિનથી કચડી ફાઇનલમાં એન્ટ્રી કરી.
ફાઇનલ: જાપાનના સ્ટાર પહેલવાન યુરી નાકાઝાતો સામે આકરી લડત બાદ રજત ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો.
માસ્ટર ચંદગી રામ સાથે સરખામણી અને ભવિષ્યની આશા
રસપ્રદ વાત એ છે કે નિતેશને બાળપણમાં ક્રિકેટ રમવાનો ખૂબ શોખ હતો, જ્યારે તેના પિતા તેને અખાડામાં જોવા માંગતા હતા. બાદમાં ખરખોદાની પ્રતાપ સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ મળ્યો ત્યારે તેનું વલણ કબડ્ડી તરફ હતું. જોકે સ્કૂલના માહોલે તેના રસને કુશ્તી તરફ વાળ્યો.
પ્રતાપ સ્પોર્ટ્સ સ્કૂલના ડિરેક્ટર ઓમ પ્રકાશ દહિયાએ જણાવ્યું કે નિતેશનું શારીરિક બાંધો અને ક્ષમતા 1970 ના એશિયાડ ગોલ્ડ મેડાલિસ્ટ મહાન ભારતીય ફ્રીસ્ટાઇલ પહેલવાન માસ્ટર ચંદગી રામ જેવી છે. આ સિલ્વર મેડલ ભારતીય ગ્રીકો-રોમન કુશ્તીને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈ આપશે.
આ પણ વાંચો :Asian Games 2026 માં ભારતનો ડંકો! સેલિંગમાં ઐતિહાસિક સિલ્વર, કુસ્તીમાં મેડલ પાકો અને ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન