NZ vs ENG 1st Test : ચાલુ મેચમાં ચાહકો દોડી આવ્યા, મેદાનમાં લીધી સેલ્ફી અને રમ્યા ક્રિકેટ
- ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ
- ક્રિકેટ મેદાનમાં ચાહકોનો 'પિકનિક' મનાવી
- ચાલુ મેચે જોવા મળ્યા અનોખો દ્રશ્ય
- ક્રિકેટ ચાહકો માટે 'હેગલી ઓવલ'નો અદ્ભુત અનુભવ
NZ vs ENG 1st Test : ન્યુઝીલેન્ડના હેગલી ઓવલમાં ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ (NZ vs ENG) વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ આજથી શરૂ થઇ ગઇ છે. આજે લોકો ક્રિકેટના ત્રણ ફોર્મેટ વન ડે, ટેસ્ટ અને T20 માં સૌથી ઓછું ટેસ્ટને પસંદ કરે છે. જોકે, વર્ષો પહેલા જ્યારે માત્ર ટેસ્ટ ક્રિકેટ મેચ જ રમાતી હતી ત્યારે સ્ટેડિયમ સંપૂર્ણ ભરાઈ જતું હતું. આજે સમય બદલાયા બાદ લોકો ટેસ્ટ જોવાનું ઓછું પસંદ કરે છે. અને તેમા પણ વાત સ્ટેડિયમમાં બેસીને જોવાની હોય તો તેમાં દર્શકોની હાજરી ઘણી ઓછી હોય છે. જોકે, આજે પણ ક્રિકેટ ફેન્સ બે મોટી ટીમો વચ્ચે રમાતી ટેસ્ટ મેચને સ્ટેડિયમમાં બેસીને જોવું પસંદ કરે છે.
લંચ બ્રેક દરમિયાન અનોખો દ્રશ્ય
તાજતેરમાં બે મહત્વપૂર્ણ ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે. એક જે ઓસ્ટ્રેલિયા (India vs Australia) માં ચાલી રહી છે. જ્યારે બીજી ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. ન્યુઝીલેન્ડના પ્રવાસે આવેલી ઈંગ્લેન્ડ અહીં ત્રણ ટેસ્ટ મેચ રમવાની છે. 28 નવેમ્બરથી શરૂ થયેલી પ્રથમ મેચમાં, ન્યૂઝીલેન્ડે પ્રથમ દિવસના અંતે 319 રનના સ્કોર સાથે સારી શરૂઆત કરી છે. વિશેષમાં, હેગલી ઓવલ ખાતે લંચ બ્રેક દરમિયાન એક અનોખી ઘટના જોવા મળી હતી, જે શ્રેણીના પ્રથમ દિવસને યાદગાર બનાવે છે. ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલ ખાતે યોજાયેલ આ મેચના લંચ બ્રેક દરમિયાન રમુજી અને અનોખું દ્રશ્ય સામે આવ્યું. લંચ બ્રેક દરમિયાન સ્ટેડિયમમાં હાજર ચાહકોને મેદાન પર આવવાની મંજૂરી આપવામાં આવી હતી. આવા સુવર્ણ અવસરનો ચાહકોએ તત્કાલ લાભ લીધો અને મેદાન પર ઉતરી આવ્યા.
મેદાનમાં દોડી આવ્યા દર્શકો
કોઇએ મેદાન પર સેલ્ફી લેવાની શરૂ કરી તો, કેટલાક દર્શકોએ મેદાનમાં જ મિનિ ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું. થોડીવાર માટે એવું લાગ્યું કે આ મેદાન ટેસ્ટ મેચ માટે નહીં પરંતુ ચાહકોની પિકનિક માટે છે. હાલ આ રસપ્રદ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) એ આ ઘટના માટે પોતાની ઈન્સ્ટાગ્રામ પેજ પર વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોને "હેગલી ઓવલ તરફથી ચાહકો માટે એક શાનદાર પ્રયાસ" એવા કેપ્શન સાથે શેર કરવામાં આવ્યો છે.
ચાહકો માટે શ્રેષ્ઠ અનુભવ
આ પ્રકારની ક્રિયાઓ દર્શાવે છે કે ક્રિકેટ માત્ર રમત નથી, પરંતુ ચાહકોને જોડવાનું માધ્યમ પણ છે. સ્ટેડિયમ મેનેજમેન્ટની આ પહેલ લોકપ્રિયતાને પુનર્જીવિત કરવામાં અને ક્રિકેટના તમામ ફોર્મેટ્સમાં ચાહકોની ભાગીદારી વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.
આ પણ વાંચો: IPL માં અનસોલ્ડ રહેલા Urvil Patel એ ફટકારી માત્ર 28 બોલમાં સદી