Online Gaming Act બાદ શું Dream11 એ Team India ને આપ્યો ઝટકો?
- ઓનલાઇન ગેમિંગ બિલ બાદ શું Dream11 એ BCCI ને આપ્યો ઝટકો?
- Asia Cup પહેલા ટીમ ઈન્ડિયા ગુમાવી શકે છે સ્પોન્સર
- Dream 11 એ જર્સી સ્પોન્સરશિપ પાછી ખેંચી?
Dream11 : ભારત સરકારે તાજેતરમાં પસાર કરેલા ઑનલાઇન ગેમિંગ બિલ 2025 (Online Gaming Bill 2025) ના કારણે ફેન્ટસી સ્પોર્ટ્સ જગત મોટાં ફેરફારોમાંથી પસાર થઈ રહ્યું છે. સૌથી વધુ અસર Dream11 પર પડી રહી છે, જે લાંબા સમયથી ભારતીય ક્રિકેટ ટીમની જર્સી સ્પોન્સર રહી છે.
Dream11 એ સ્પોન્સરશિપ પાછી ખેંચી?
સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, નવા કાયદા બાદ કંપનીએ પોતાનું સ્પોન્સરશિપ કરાર આગળ ન વધારવાનો નિર્ણય લીધો હોવાની ચર્ચા છે, જેના કારણે Asia Cup 2025 પહેલા જ ટીમ ઈન્ડિયા સ્પોન્સર વગર મેદાનમાં ઉતરી શકે છે. એક તરફ BCCI નવો સ્પોન્સર શોધવા માટે પ્રયત્નશીલ છે, તો બીજી તરફ Dream11 ની પેરેન્ટ કંપની ડ્રીમ સ્પોર્ટ્સ ફાઇનાન્સિયલ સર્વિસિસ ક્ષેત્રમાં પ્રવેશવા માટે પોતાની નવી એપ ડ્રીમ મની લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.
જો 9 સપ્ટેમ્બર 2025થી શરૂ થતા ટુર્નામેન્ટ પહેલા નવો સ્પોન્સર ન મળે, તો શક્યતા છે કે ભારતીય ટીમ બિન-સ્પોન્સર જર્સી સાથે રમે. પસંદગીકારોએ એશિયા કપ માટે 15 સભ્યોની ટીમ જાહેર કરી છે. આ ટીમ ટુર્નામેન્ટ માટે UAE જવા તૈયાર છે. શુભમન ગિલ ઉપ-કેપ્ટન તરીકે વાપસી કરી રહ્યા છે, જ્યારે સૂર્યકુમાર યાદવ ટીમનું નેતૃત્વ કરશે.
ટીમ આ પ્રમાણે છે :
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), હર્ષિત રાણા, રિંકુ સિંહ
Dream11 નો નવો પ્લાન
ગેમિંગ ક્ષેત્રમાંથી બહાર આવતી પરિસ્થિતિ વચ્ચે, Dream11 ની પેરેન્ટ કંપની ડ્રીમ સ્પોર્ટ્સે નવી દિશામાં આગળ વધવાનો નિર્ણય કર્યો છે. કંપની હવે “ડ્રીમ મની” નામની નવી એપ લોન્ચ કરવા જઈ રહી છે. આ એપ પર ફાઇનાન્સ સંબંધિત સર્વિસિસ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અહેવાલો અનુસાર, અહીં સોનાની ખરીદી, ફિક્સ્ડ ડિપોઝિટ (FD) સહિત વિવિધ નાણાકીય પ્રોડક્ટ્સ ઓફર કરવામાં આવશે.
Dream11 અને BCCI વચ્ચેનો 358 કરોડનો સોદો
ડ્રીમ11 એ જુલાઈ 2023માં BCCI સાથે 358 કરોડ રૂપિયાનો મોટો સોદો કર્યો હતો, જેના અંતર્ગત તેને ભારતીય પુરુષ ટીમ, મહિલા ટીમ, અંડર-19 ટીમ અને ભારત-A ટીમના કિટ્સ માટે પ્રાયોજક અધિકારો મળ્યા હતા. આ સોદા બાદ Dream11 એ બાયજુની જગ્યાએ સત્તાવાર સ્પોન્સર તરીકે સ્થાન મેળવ્યું હતું. જોકે, તાજેતરમાં ઑનલાઇન ગેમિંગ એક્ટ લાગુ થયા પછી કંપનીએ આ કરારમાંથી પાછળ હટવાનો નિર્ણય કર્યો છે. કરારની શરતો મુજબ, જો સરકારના નવા કાયદાથી કંપનીના મુખ્ય વ્યવસાય પર સીધી અસર થાય, તો કંપનીને BCCI ને કોઈપણ પ્રકારનો દંડ ચૂકવવાનો રહેશે નહીં. ખાસ વાત એ છે કે, 18 વર્ષ પહેલા શરૂ થયેલી આ કંપની આજે આશરે 8 બિલિયન ડોલરના મૂલ્ય સાથે ગેમિંગ ક્ષેત્રની સૌથી મોટી કંપનીઓમાંની એક બની ચૂકી છે.
આ પણ વાંચો : BCCI માં થશે મોટો ફેરફાર! નવા ચહેરાઓને મળશે તક