ICC T20 Ranking માં ભારતનો નવા સ્ટારનો ઉદય! યુવા ખેલાડીનો કમાલ
- અભિષેક શર્માએ T20 માં શાનદાર પ્રદર્શન
- ICC T20 રેન્કિંગમાં ભારતનો નવા સ્ટારનો ઉદય
- ICC T20I રેન્કિંગમાં નંબર વન બનનાર ચોથો ભારતીય બેટ્સમેન
ICC T20I Rankings Update : ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્માએ ICC T20I રેન્કિંગમાં ઇતિહાસ રચ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, અભિષેકે એક પણ આંતરરાષ્ટ્રીય T20 મેચ રમ્યા વિના નંબર વન બેટ્સમેનનું સ્થાન હાંસલ કર્યું છે. આ સિદ્ધિ સાથે, તે ભારતનો ચોથો બેટ્સમેન બન્યો છે, જેણે ICC T20 રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. અભિષેકની આ સફળતાએ ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે, ખાસ કરીને એટલા માટે કે આ સિદ્ધિ ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડના રેન્કિંગમાં ઘટાડાને કારણે મળી છે.
અભિષેક શર્માનું અભૂતપૂર્વ રેન્કિંગ
અભિષેક શર્માએ ICC T20I બેટ્સમેન રેન્કિંગમાં 829 રેટિંગ પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. ખાસ વાત એ છે કે, તેણે આ સ્થાન કોઈ મેચ રમ્યા વિના મેળવ્યું છે. આ અભૂતપૂર્વ સિદ્ધિ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડના રેન્કિંગમાં ઘટાડાને કારણે શક્ય બની. ટ્રેવિસ હેડ, જે અગાઉ નંબર વન સ્થાને હતો, તે હવે 814 રેટિંગ પોઈન્ટ્સ સાથે બીજા ક્રમે સરકી ગયો છે. આ ઘટાડાએ અભિષેકને સીધો ફાયદો પહોંચાડ્યો, અને તે ટોચના સ્થાને પહોંચી ગયો.
ભારતનો ચોથો નંબર વન બેટ્સમેન
અભિષેક શર્મા ICC T20I રેન્કિંગમાં નંબર વન બનનાર ચોથો ભારતીય બેટ્સમેન બન્યો છે. આ પહેલા, ભારતના વિરાટ કોહલી, ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવે આ સિદ્ધિ હાંસલ કરી હતી. અભિષેકની આ સફળતા ભારતીય ક્રિકેટ ચાહકો માટે ગર્વની ક્ષણ છે, ખાસ કરીને એટલા માટે કે તે એક યુવા ખેલાડી તરીકે આટલું મોટું સ્થાન મેળવી શક્યો.
ટોચના બેટ્સમેનોની રેન્કિંગ
અભિષેક અને ટ્રેવિસ હેડ પછી, અન્ય બેટ્સમેનોના રેન્કિંગમાં ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. ભારતનો યુવા બેટ્સમેન તિલક વર્મા 804 રેટિંગ પોઈન્ટ્સ સાથે ત્રીજા ક્રમે છે. ઇંગ્લેન્ડનો ફિલ સોલ્ટ 791 રેટિંગ સાથે ચોથા સ્થાને, જ્યારે જોસ બટલર 772 રેટિંગ સાથે પાંચમા સ્થાને છે. ભારતનો સૂર્યકુમાર યાદવ, જે અગાઉ નંબર વન રેન્કિંગ ધરાવતો હતો, હાલમાં 739 રેટિંગ સાથે છઠ્ઠા ક્રમે છે. શ્રીલંકાનો પથુમ નિસાન્કા 736 રેટિંગ સાથે સાતમા, અને ન્યૂઝીલેન્ડનો ટિમ સિફોર્ડ 725 રેટિંગ સાથે આઠમા ક્રમે છે.
જોશ ઇંગ્લિસની લાંબી છલાંગ
ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર-બેટ્સમેન જોશ ઇંગ્લિસે પણ રેન્કિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. તેણે એક સાથે 6 સ્થાનનો કૂદકો મારીને 717 રેટિંગ પોઈન્ટ્સ સાથે નવમું સ્થાન હાંસલ કર્યું છે. વેસ્ટ ઇન્ડીઝનો શાઈ હોપ 690 રેટિંગ સાથે ટોચના 10 બેટ્સમેનોમાં દસમા ક્રમે છે. આ રેન્કિંગમાં ટોચના 10 બેટ્સમેનોમાંથી માત્ર ત્રણ ખેલાડીઓએ નોંધપાત્ર સુધારો દર્શાવ્યો છે, જેમાં અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ અને જોશ ઇંગ્લિસનો સમાવેશ થાય છે. જણાવી દઇએ કે, અભિષેક શર્માનું નંબર વન રેન્કિંગ પ્રાપ્ત કરવું એ ભારતીય ક્રિકેટ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. તેની આ સફળતા એ દર્શાવે છે કે યુવા ખેલાડીઓમાં પણ વિશ્વસ્તરે ટોચનું સ્થાન મેળવવાની ક્ષમતા છે.
નવી પેઢીનો સ્ટાર બેટ્સમેન
અભિષેક શર્માએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓછા સમયમાં પોતાની તાકાત પૂરવાર કરી છે. તેણે 16 ઇનિંગ્સમાં 33.43 ની સરેરાશ સાથે 535 રન ફટકાર્યા છે, જેનું સૌથી ખાશ પાસું એ છે કે તેનો સ્ટ્રાઇક રેટ 193.84 છે – જે સમગ્ર ફોર્મેટમાં અદ્ભુત માનવામાં આવે છે. 2 શતકો અને 2 અડધી શતકોના સહારે અભિષેકે 41 છગ્ગા અને 46 ચોગ્ગા ઝીંક્યા છે. 6 જુલાઈ, 2024ના રોજ ઝિમ્બાબ્વે સામે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરનારો અભિષેક પહેલી મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો, પરંતુ બીજા જ મુકાબલામાં શતક ફટકારીને તે ચમક્યો હતો. ત્યારબાદ કેટલીક મેચોમાં નિષ્ફળ રહેવા છતાં દક્ષિણ આફ્રિકા સામે અડધી સદી અને પછી વાનખેડે ખાતે ઇંગ્લેન્ડ સામે 135 રનની તોફાની ઇનિંગ દ્વારા તેણે ફરી પોતાનું પ્રદર્શન બતાવ્યું.
આ પણ વાંચો : IND vs ENG 4th Test : શુભમન ગિલના નેતૃત્વમાં ભારતનો ઐતિહાસિક વિશ્વ રેકોર્ડ