અનેક દિગ્ગજ ખેલાડીઓનું ગૌરવપૂર્ણ સન્માન
રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત ભવ્ય સમારોહમાં રમતગમત ક્ષેત્રે દેશનું ગૌરવ વધારનાર અનેક ખેલાડીઓને પદ્મ પુરસ્કારો (Padma Awards) એનાયત કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2026માં જાહેર કરાયેલા આ સન્માનોમાં રમતગમત જગતના કુલ 9 પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માને (Rohit Sharma) તેમના શાનદાર નેતૃત્વ અને ક્રિકેટ ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાન બદલ પદ્મશ્રી (Padma Shri) થી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે ભારતીય ટેનિસના દિગ્ગજ ખેલાડી વિજય અમૃતરાજ (Vijay Amritraj) ને પદ્મભૂષણ (Padma Bhushan) પુરસ્કાર મળ્યો હતો.
આ ઉપરાંત અગાઉ મે મહિનામાં યોજાયેલા સમારોહમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur), પેરા એથ્લીટ પ્રવીણ કુમાર (Praveen Kumar) તેમજ પરંપરાગત માર્શલ આર્ટ (Traditional Martial Arts) ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર કે. પાજનીવેલ (K. Pazhanivel) ને પણ પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. આ સન્માનો દેશના ખેલાડીઓની મહેનત, સમર્પણ અને વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કરવા બદલ આપવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે.
એક સફળ સુકાની તરીકે રોહિતની ઐતિહાસિક સફર
ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટનોમાં સ્થાન મેળવનારા રોહિત શર્માએ પોતાની શાંત વિચારસરણી, વ્યૂહાત્મક નિર્ણયો અને ખેલાડીઓ પરના વિશ્વાસના બળે ટીમ ઇન્ડિયાને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી છે. કપ્તાની સંભાળ્યા બાદ તેમણે માત્ર ટીમનું નેતૃત્વ જ નહીં કર્યું, પરંતુ ભારતીય ક્રિકેટમાં જીતની નવી સંસ્કૃતિ પણ સ્થાપિત કરી. લાંબા સમયથી ICC ટ્રોફીની રાહ જોઈ રહેલા ભારતીય ચાહકોનું સપનું તેમની આગેવાનીમાં સાકાર થયું હતું.
વર્ષ 2024માં ભારતે રોહિતની કપ્તાની હેઠળ શાનદાર પ્રદર્શન કરીને બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો હતો, જ્યારે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ટીમ ઇન્ડિયાએ વિજયધ્વજ ફરકાવીને વધુ એક ICC ખિતાબ પોતાના નામે કર્યો હતો. નોંધનીય છે કે 2013માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ટીમનો પણ રોહિત મહત્વનો ભાગ હતા. રોહિતની નેતૃત્વ શૈલીની સૌથી મોટી વિશેષતા એ માનવામાં આવે છે કે તેઓ યુવા ખેલાડીઓને પોતાની રમત રમવાની તક આપે છે, જેના કારણે ખેલાડીઓ દબાણ વગર આત્મવિશ્વાસ સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે. તેમના આ અભિગમે ભારતીય ટીમને સતત સફળતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
વર્લ્ડ કપમાં રોહિત શર્માનો જલવો, રેકોર્ડ્સ અને આક્રમક બેટિંગ
ભારતીય ક્રિકેટના 'હિટમેન' તરીકે જાણીતા રોહિત શર્માએ માત્ર કેપ્ટન તરીકે જ નહીં પરંતુ વિશ્વના સૌથી સફળ ઓપનિંગ બેટ્સમેનોમાંના એક તરીકે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. ખાસ કરીને વનડે વર્લ્ડ કપના મંચ પર તેમનું પ્રદર્શન અસાધારણ રહ્યું છે. વર્ષ 2019માં ઇંગ્લેન્ડમાં યોજાયેલા વનડે વર્લ્ડ કપ દરમિયાન રોહિત શર્મા અદભૂત ફોર્મમાં જોવા મળ્યા હતા. તેમણે માત્ર 9 ઇનિંગ્સમાં રેકોર્ડ 5 સદી ફટકારી હતી અને કુલ 648 રન બનાવીને ટૂર્નામેન્ટના સૌથી સફળ બેટ્સમેન બન્યા હતા.
ત્યારબાદ 2023ના વનડે વર્લ્ડ કપમાં પણ તેમણે પોતાની આક્રમક બેટિંગથી ચાહકોનું દિલ જીતી લીધું હતું. ભારત ફાઇનલ સુધી પહોંચ્યું હોવા છતાં ઓસ્ટ્રેલિયા સામે ખિતાબ જીતવામાં નિષ્ફળ રહ્યું, પરંતુ રોહિતની કેપ્ટન્સી અને બેટિંગ સતત ચર્ચામાં રહી હતી. આ ટૂર્નામેન્ટમાં તેમણે પાવરપ્લે દરમિયાન જ વિરોધી બોલરો પર દબાણ લાવવાની વ્યૂહરચના અપનાવી હતી, જેના કારણે ભારતીય ટીમને મજબૂત શરૂઆત મળતી હતી. ઝડપી સ્ટ્રાઇક રેટ સાથે રમતા તેમણે કુલ 597 રન નોંધાવ્યા હતા અને વિરાટ કોહલીના 765 રન બાદ ટૂર્નામેન્ટમાં બીજા સૌથી વધુ રન બનાવનારા ખેલાડી રહ્યા હતા. તેમની આક્રમક શરૂઆત ભારતીય મિડલ ઓર્ડર માટે મજબૂત પાયો સાબિત થઈ હતી, જેના કારણે ટીમને સતત સફળતા મેળવવામાં મદદ મળી હતી.
આ પણ વાંચો : Vaibhav Sooryavanshi debut : ક્યાંક સચિન જેવી ઈજાનો શિકાર ન બને! 15 વર્ષના ધાકડ બેટ્સમેન માટે દિગ્ગજ ખેલાડીની ચેતવણી