Serena Williams Comeback : ટેનિસ ક્વીન સેરેના વિલિયમ્સે 44 વર્ષની ઉંમરે નિવૃત્તિમાંથી વાપસીની કરી જાહેરાત
Serena Williams Comeback : ટેનિસ જગતની 'ક્વીન' ગણાતી અમેરિકન સ્ટાર સેરેના વિલિયમ્સ (Serena Williams) એ 44 વર્ષની વયે એક આશ્ચર્યજનક નિર્ણય લઈને રમતપ્રેમીઓને ચોંકાવી દીધા છે. પોતાની નિવૃત્તિની અટકળોને બાજુ પર રાખીને સેરેનાએ પ્રોફેશનલ ટેનિસ કોર્ટ પર પરત ફરવાની સત્તાવાર પુષ્ટિ કરી છે. લગભગ ચાર વર્ષના લાંબા અંતરાલ બાદ, 23 વખતની ગ્રાન્ડ સ્લેમ (Grand Slam) વિજેતા સેરેના લંડનની ક્વીન્સ ક્લબ (Queen's Club) ખાતે યોજાનારી HSBC ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. 8 જૂનથી શરૂ થઈ રહેલી આ ગ્રાસ-કોર્ટ (Grass-Court) ટુર્નામેન્ટ માટે સેરેનાએ ડબલ્સ વાઇલ્ડકાર્ડ સ્વીકાર્યું છે, જેમાં તે કેનેડિયન યુવા ખેલાડી વિક્ટોરિયા મ્બોકો (Victoria Mboko) સાથે જોડી બનાવશે.
Serena Williams Comeback : નવા અધ્યાયની શરૂઆત
નોંધનીય છે કે પોતાના પુનરાગમન અંગે ઉત્સાહ વ્યક્ત કરતા સેરેનાએ જણાવ્યું હતું કે, "ક્વીન્સ ક્લબ મારા કરિયરના આ નવા પડાવ માટે સર્વોત્તમ સ્થળ છે. ગ્રાસ કોર્ટ સાથે મારી અનેક યાદો જોડાયેલી છે, અને ફરી એકવાર આટલા પ્રતિષ્ઠિત સ્ટેજ પર રમવા માટે હું અત્યંત રોમાંચિત છું." નોંધનીય છે કે 2022 યુએસ ઓપન (US Open) પછી સેરેનાએ કોઈ સ્પર્ધાત્મક ટુર્નામેન્ટમાં ભાગ લીધો નહોતો. તે સમયે તેણે 'ટેનિસથી આગળ વધીને' જીવનમાં અન્ય પ્રાથમિકતાઓ પર ધ્યાન આપવાની વાત કરી હતી, જોકે તેણે ક્યારેય સત્તાવાર રીતે નિવૃત્તિ જાહેર કરી નહોતી.
પરિવાર અને પ્રેક્ટિસ પર ધ્યાન
ટેનિસથી દૂર રહીને સેરેનાએ પોતાના પરિવાર અને વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 2023 માં સેરેના બીજી વખત માતા બની હતી. ગત વર્ષે તેના પુનરાગમનના સંકેતો ત્યારે મળ્યા જ્યારે તેણે આંતરરાષ્ટ્રીય ટેનિસ ઇન્ટિગ્રિટી એજન્સી (International Tennis Integrity Agency - ITIA) ના ડોપિંગ વિરોધી પરીક્ષણ કાર્યક્રમમાં ફરીથી નોંધણી કરાવી હતી. આ ટુર્નામેન્ટ સેરેના માટે વિમ્બલ્ડન (Wimbledon) માં સંભવિત પુનરાગમનની તૈયારીના ભાગરૂપે જોવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Vaibhav Suryavanshi Ipl Earnings : વૈભવ સૂર્યવંશીએ IPL 2026 માં કરી કરોડોની કમાણી, જાણો કેટલા મળ્યા રૂપિયા?


