થોડી તો શરમ કરો Suryakumar Yadav, આઉટ હોવા છતા મેદાન ન છોડ્યું તો ફેન્સે લીધો ઉધડો
- Suryakumar Yadav ની બેટિંગ પર પ્રશ્નચિહ્ન, ચાહકોમાં અસંતોષ
- બાંગ્લાદેશ સામે આઉટ હોવા છતા મેદાન ન છોડ્યું
- ક્રિકેટ ચાહકો સૂર્યાની ક્લાસ લીધી
Suryakumar Yadav : એશિયા કપ 2025ના સુપર 4માં ભારતીય ટીમે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે, જે કેપ્ટન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) માટે સકારાત્મક બાબત છે. પરંતુ, કેપ્ટન તરીકે સફળ હોવા છતાં, બેટ્સમેન તરીકે તેમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. બાંગ્લાદેશ સામેના ખરાબ પ્રદર્શન બાદ હવે તેમની બેટિંગ જ નહીં, પરંતુ તેમની રમતગમતની ભાવના (સ્પિરિટ ઑફ ગેમ) પર પણ સવાલો ઉઠી રહ્યા છે, અને સોશિયલ મીડિયા પર ચાહકો શ્રેયસ ઐયરને પરત લાવવાની માંગ કરી રહ્યા છે.
'સ્પિરિટ ઑફ ગેમ' પર પ્રશ્નચિહ્ન
બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ના આઉટ થયા બાદ એક વિવાદ સર્જાયો. મુસ્તફિઝુર રહેમાનની ઓવરના છેલ્લા બોલ પર સૂર્યાએ ઓન-સાઇડ પર શૉટ મારવાનો પ્રયાસ કર્યો. બોલ તેમના બેટની કિનારીને લાગીને વિકેટ પાછળ ગયો. જોકે, ઓન-ફીલ્ડ અમ્પાયરે તેને નોટઆઉટ જાહેર કર્યો. બાંગ્લાદેશની ટીમે તુરંત DRS લીધું. રિપ્લે અને અલ્ટ્રાએજમાં સ્પષ્ટ દેખાતું હતું કે બોલ બેટને ટચ કરીને વિકેટકીપરના ગ્લબ્સ સુધી પહોંચ્યો હતો. આ જોઈને સૂર્યાને પેવેલિયન પરત ફરવું પડ્યું, અને તે માત્ર 5 રન બનાવી શક્યો. આ ઘટનાએ ક્રિકેટ જગતમાં "સ્પિરિટ ઑફ ગેમ"ની ચર્ચા ફરી શરૂ કરી છે. ચાહકોનું માનવું છે કે જ્યારે બેટને સ્પષ્ટપણે ધાર લાગી હોય, ત્યારે બેટ્સમેને અમ્પાયરના નિર્ણયની રાહ જોયા વિના જાતે જ પેવેલિયન પરત ફરવું જોઈએ. એક ઇન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું કે, "ધાર એટલી સ્પષ્ટ હતી કે મેદાન પરના દરેક દર્શક અને ફિલ્ડરને પણ દેખાતું હતું. કોઈ પણ સારો ક્રિકેટર આ પરિસ્થિતિમાં ચાલ્યો ગયો હોત, પણ સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ટસનો મસ ન થયો. આજના સમયમાં આ 'સજ્જન'ની રમતમાં કોઈ શિષ્ટાચાર બાકી નથી." આ ઘટનાએ તેમની રમતગમતની ભાવના પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
Suryakumar Yadav ને આરામ આપો, ઐયરને પાછો લાવો
સૂર્યકુમાર યાદવનું બેટિંગ ફોર્મ પણ ચિંતાનો વિષય બન્યું છે. એશિયા કપના સુપર 4માં તેમની બીજી મેચ નિરાશાજનક રહી, અને આ મેચમાં તે ફક્ત 5 રન જ બનાવી શક્યો. આ પ્રદર્શનથી નારાજ ચાહકોએ સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ તેમની ટીકા કરી છે. કેટલાક ચાહકોએ તો કોચ ગૌતમ ગંભીરને શ્રેયસ ઐયરને ટી૨૦ ટીમમાં પરત લાવવાની અપીલ કરી છે. એક ચાહકે લખ્યું, "મારી BCCI ને વિનંતી છે કે શ્રેયસ ઐયરને T20 ફોર્મેટમાં સામેલ કરવામાં આવે. સૂર્યકુમાર યાદવને આરામ આપવો જોઈએ, કારણ કે તે સારી બેટિંગ કરી રહ્યો નથી." અન્ય એક ચાહકે સૂર્યા પર સીધો પ્રહાર કરતા લખ્યું કે, "સૂર્યકુમાર યાદવ ફક્ત કેપ્ટન તરીકે પોતાનું સ્થાન બચાવી રહ્યો છે. છેલ્લા 10 T20 મેચમાં તેની સરેરાશ 17 થી ઓછી છે. એકવાર તમારી સીટ બુક થઈ જાય, પછી તમારે પ્રદર્શન કરવાની જરૂર નથી."
ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી
ઉલ્લેખનીય છે કે, એશિયા કપ 2025ના આ તબક્કે, ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે, જે એક મોટી સફળતા છે. પરંતુ કેપ્ટન સૂર્યકુમાર યાદવનું વ્યક્તિગત પ્રદર્શન અને તેમના પર લાગેલા આરોપોએ ટીમની જીતની ઉજવણીને થોડી ફિક્કી પાડી છે. રમતગમતમાં પ્રદર્શન ઉપર-નીચે થતું રહે છે, પરંતુ 'સ્પિરિટ ઑફ ગેમ' પર સવાલ ઉઠે ત્યારે ખેલાડીની ઈમેજને મોટો ફટકો પડે છે. હવે જોવાનું એ રહેશે કે સૂર્યકુમાર આ ટીકાઓનો જવાબ મેદાન પર પોતાના બેટથી કેવી રીતે આપે છે, અને શું તે ફાઇનલમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી ચાહકોનો વિશ્વાસ ફરી જીતી શકશે તે હવે જોવું રહ્યું.
આ પણ વાંચો : Asia Cup માં બાંગ્લાદેશને પછડાટ, ભારતની શાનદાર જીત