Shreyas Iyer Injury Update : ભારતના ODI ઉપ-કપ્તાન ICU માં સારવાર હેઠળ, સિડનીની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર
- ક્રિકેટર Shreyas Iyer ICUમાં સારવાર હેઠળ
- ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં થયો હતો ઈજાગ્રસ્ત
- પાંસળીમાં ગંભીર ઈજાઓ થતાં દાખલ કરાયો
- સિડનીની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર
- એલેક્સ કેરીનો કેચ પકડ્યા બાદ થઈ તકલીફ
- પાંસળીમાં ઈન્ટરનલ બ્લીડિંગ થયું હતુંઃ સૂત્ર
Shreyas Iyer Injury Update : ભારતીય ક્રિકેટ જગતમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયા સામેની તાજેતરની ત્રીજી વનડે મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતાં ભારતના ODI ઉપ-કપ્તાન અને સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયર (Shreyas Iyer) ને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઈજાને કારણે તેમને તાત્કાલિક સિડનીની એક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા અને અતિ ગંભીરતાને કારણે હાલમાં તેઓ ICU માં છે. પાંસળીમાં આંતરિક રક્તસ્ત્રાવ (Internal Bleeding) થવાના કારણે તેમની ઈજા ગંભીર બની હતી. જોકે, રાહતની વાત એ છે કે, હાલમાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
મેચ દરમિયાન શું થયું?
સિડની વનડે દરમિયાન શ્રેયસ ઐયરે ઓસ્ટ્રેલિયન વિકેટકીપર એલેક્સ કેરીનો એક શાનદાર કેચ પકડ્યો હતો. બેકવર્ડ પોઈન્ટ પરથી દોડતી વખતે તેમણે આ કેચ તો પકડી લીધો, પરંતુ કમનસીબે તે પોતાનું સંતુલન જાળવી શક્યા નહીં અને મેદાન પર પડી ગયા. આ પડવા દરમિયાન તેમની ડાબી પાંસળીમાં ગંભીર ઈજા થઈ. શરૂઆતમાં ઈજા સામાન્ય લાગતી હતી, પરંતુ ફિલ્ડિંગ કર્યા બાદ જ્યારે શ્રેયસ ડ્રેસિંગ રૂમમાં પાછા ફર્યા, ત્યારે તેમનો દુખાવો સતત વધી રહ્યો હતો અને તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી હતી. આ લક્ષણોની ગંભીરતાને પારખીને ટીમના ડોક્ટરો અને ફિઝિયોએ કોઈ જોખમ ન લેતાં તેમને તાત્કાલિક સિડનીની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
Shreyas Iyer ને ICUમાં દાખલ
હોસ્પિટલમાં થયેલા ટેસ્ટ અને રિપોર્ટ્સમાં ડોક્ટરોને જાણવા મળ્યું કે શ્રેયસની પાંસળીના ભાગમાં ગંભીર ઈજા થવાને કારણે આંતરિક રક્તસ્ત્રાવ થઈ રહ્યું છે. આ સ્થિતિ મેડિકલ દૃષ્ટિકોણથી જીવલેણ બની શકે છે. આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેમને તાત્કાલિક ICUમાં દાખલ કરવાની ફરજ પડી હતી. આ સમગ્ર ઘટનાક્રમથી વાકેફ એક સૂત્રએ જણાવ્યું હતું કે, "ટીમના ડોકટરોએ કોઈ જોખમ લીધું ન હતું અને તાત્કાલિક પગલાં લીધાં હતાં. રક્તસ્ત્રાવને કારણે શરીરમાં કોઈ ચેપ ન ફેલાય તે માટે તેમને નિરીક્ષણ હેઠળ રાખવા જરૂરી છે. તેમની સ્થિતિ હાલમાં સ્થિર છે."
રિકવરીનો સમયગાળો અને મેદાનમાં પરત ફરવું
ડોક્ટરોની દેખરેખ હેઠળ, 31 વર્ષીય શ્રેયસ ઐયર (Shreyas Iyer) ને ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી સિડનીની હોસ્પિટલમાં રહેવું પડશે. સૂત્રએ જણાવ્યું હતું કે, "તેમની રિકવરી પર આધાર રાખીને, તેમને 2 થી 7 દિવસ સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે." આંતરિક ઈજા ગંભીર હોવાથી, તેમના ક્રિકેટના મેદાનમાં પાછા ફરવામાં પણ સમય લાગશે. સૂત્રએ સ્પષ્ટ કર્યું હતું કે, "તે એક તેજસ્વી ખેલાડી છે અને ટૂંક સમયમાં સ્વસ્થ થઈ જશે. પરંતુ આંતરિક રક્તસ્ત્રાવ થયો હોવાથી, તેમને ચોક્કસપણે સ્વસ્થ થવા માટે વધુ સમયની જરૂર પડશે. આ સમયે સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછા ફરવા માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવી મુશ્કેલ છે."
આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: ઉપ-કપ્તાન શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત, 3 અઠવાડિયા માટે બહાર!